Gujarat Draft Electoral Roll SSR 2027 Published: ગુજરાતમાં આગામી ચૂંટણીલક્ષી તૈયારીઓના ભાગરૂપે ભારતના ચૂંટણી પંચ (ECI) દ્વારા ફોટો મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા (SSR-2027) અંતર્ગત રાજ્યની એકીકૃત મુસદ્દા (ડ્રાફ્ટ) મતદાર યાદી શુક્રવારે (27 નવેમ્બર, 2026) પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ નવી યાદી મુજબ રાજ્યમાં કુલ 4,48,77,288 મતદારો નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચે વિશેષ સઘન સુધારણા (SIR) બાદ ગત 17 ફેબ્રુઆરી, 2026ના રોજ પ્રસિદ્ધ કરેલી આખરી મતદાર યાદીમાં ગુજરાતમાં કુલ 4,40,30,725 મતદારો નોંધાયા હતા. આમ, છેલ્લા 10 મહિનામાં ગત ફાઇનલ મતદાર યાદીની સરખામણીએ રાજ્યમાં 8,46,563 (1.92 ટકા) નવા મતદારોનો નોંધપાત્ર વધારો થયો છે. જે નાગરિકોનું નામ હજુ સુધી મતદાર યાદીમાં સામેલ નથી, તેઓ આગામી 26 ડિસેમ્બર, 2026 સુધીમાં પોતાનું નામ ઉમેરાવી શકે છે.
ગ્રામ પંચાયતની મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ મોકૂફ
બીજી તરફ ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી ગ્રામ પંચાયતોની સામાન્ય, વિભાજન, મધ્યસત્ર અને પેટાચૂંટણીઓને લઈને રાજ્ય ચૂંટણી આયોગે એક મહત્વપૂર્ણ વહીવટી નિર્ણય લીધો છે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે તૈયાર કરવામાં આવતી મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ અગાઉ 29 નવેમ્બર, 2026ના રોજ કરવાની નક્કી કરવામાં આવી હતી. જોકે, રાજ્ય ચૂંટણી આયોગે અનિવાર્ય વહીવટી કારણોસર આ કાર્યક્રમમાં ફેરફાર કરીને ગ્રામ પંચાયતની મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ હાલ પૂરતી મુલતવી (મોકૂફ) રાખી છે, જે અંગે આયોગે 26 નવેમ્બરના રોજ સત્તાવાર જાહેરાત કરી છે.
26 ડિસેમ્બર સુધી નામ ઉમેરવા અને સુધારા માટે તક
ચૂંટણી પંચના સત્તાવાર આંકડા પ્રમાણે, મતદાર યાદીમાં નવું નામ ઉમેરવા અને સ્થળાંતર માટે મળેલા અને મંજૂર થયેલા ફોર્મ-6, ફોર્મ-6A તથા ફોર્મ-8ની કુલ સંખ્યા 12,01,184 છે, જ્યારે અવસાન કે અન્ય કારણોસર નામ કમી કરવા માટે ફોર્મ-7 અને ફોર્મ-8 હેઠળ કુલ 3,54,621 અરજીઓ મંજૂર કરવામાં આવી છે. મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ થયા બાદ હવે નાગરિકો માટે હક્ક-દાવા અને વાંધા રજૂ કરવાનો મહત્વનો તબક્કો શરૂ થયો છે. 27 નવેમ્બરથી 26 ડિસેમ્બર, 2026 સુધી નાગરિકો યાદીમાં પોતાની વિગતો ચકાસી શકશે અને જો નામ ન હોય, વિગતોમાં કોઈ ભૂલ હોય કે સરનામું બદલવું હોય તો નિયત ફોર્મ ભરીને અરજી કરી શકશે.
ત્રણ ખાસ ઝુંબેશ દિવસોમાં BLO મતદાન મથકો પર હાજર રહેશે
નાગરિકોને મતદાર યાદીમાં નામ નોંધાવવા કે સુધારા-વધારાની અરજી કરવામાં સરળતા રહે તે માટે ચૂંટણી પંચે ત્રણ ખાસ ઝુંબેશ દિવસો જાહેર કર્યા છે. આ ત્રણેય દિવસો દરમિયાન સંબંધિત બૂથ લેવલ ઓફિસર (BLO) સવારે ૧૦:૦૦ થી સાંજે ૫:૦૦ વાગ્યા સુધી પોતાના નિર્ધારિત મતદાન મથકો પર ફરજિયાત હાજર રહેશે. આ ખાસ ઝુંબેશ નીચેની તારીખોએ યોજાશે, આ દિવસોમાં નાગરિકો રૂબરૂ પોતાના મતદાન મથક પર જઈને મતદાર યાદી ચકાસી શકશે અને સ્થળ પર જ જરૂરી ફોર્મ ભરીને અરજી સુપરત કરી શકશે.
29 નવેમ્બર, 2026
6 ડિસેમ્બર, 2026
13 ડિસેમ્બર, 2026
2027માં 18 વર્ષ પૂર્ણ કરનારા યુવાનો પણ કરી શકશે અગાઉથી અરજી
ચૂંટણી પંચે ખાસ કરીને પ્રથમ વખત મતદાન કરવા જઈ રહેલા યુવાનોને મતદાર તરીકે નામ નોંધાવવા ભાવભરી અપીલ કરી છે. નિયમ મુજબ 1 જાન્યુઆરી, 2027ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનારા તમામ યુવા નાગરિકો મતદાર યાદીમાં નામ નોંધાવવા પાત્ર છે. આ ઉપરાંત, વર્ષ 2027માં 1 એપ્રિલ, 1 જુલાઈ અને 1 ઓક્ટોબરના રોજ 18 વર્ષ પૂર્ણ કરનારા સંભવિત યુવા મતદારો પણ અગાઉથી જ એડવાન્સ અરજી કરી શકશે, જેથી જે તે તારીખે 18 વર્ષ પૂર્ણ થતા જ તેમનું નામ આપોઆપ યાદીમાં સામેલ થઈ જાય.
18 જાન્યુઆરીએ પ્રસિદ્ધ થશે ફાઇનલ યાદી
જો કોઈ નાગરિક મતદાર નોંધણી અધિકારી (ERO) દ્વારા આપવામાં આવેલા કોઈ હુકમથી અસહમત હોય તો તેઓ જિલ્લા ચૂંટણી અધિકારી એટલે કે જિલ્લા કલેક્ટર સમક્ષ પ્રથમ અપીલ કરી શકશે અને ત્યારબાદ પ્રથમ અપીલના નિર્ણય સામે મુખ્ય નિર્વાચન અધિકારી (CEO), ગુજરાત સમક્ષ બીજી અપીલ કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા યુવાનો, પ્રથમ વખતના મતદારો, થર્ડ જેન્ડર, દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકોને પોતાની વિગતો અચૂક ચકાસવા અપીલ કરાઈ છે. હક્ક-દાવા અને વાંધાના નિકાલ બાદ આગામી 18 જાન્યુઆરી, 2027ના રોજ ગુજરાતની આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.
વિશેષ અને વધારાની માહિતી
ઓનલાઇન મતદાર યાદીમાં નામ ચકાસવાની સ્ટેપ-બાય-સ્ટેપ રીત:
સૌપ્રથમ ચૂંટણી પંચના સત્તાવાર પોર્ટલ electoralsearch.eci.gov.in અથવા 'Voter Helpline' મોબાઇલ એપ પર જાઓ.
ત્યાં તમને ત્રણ વિકલ્પો મળશે: Search by EPIC (ચૂંટણી કાર્ડ નંબર દ્વારા), Search by Details (નામ, જન્મતારીખ અને જિલ્લાની વિગતો દ્વારા) અને Search by Mobile (રજિસ્ટર્ડ મોબાઇલ નંબર દ્વારા).
તમારો EPIC નંબર અને રાજ્ય (Gujarat) પસંદ કરીને કેપ્ચા કોડ દાખલ કરો અને 'Search' પર ક્લિક કરો, જેનાથી તમારો મતદાન મથક નંબર, ભાગ નંબર અને ક્રમાંક સહિતની સંપૂર્ણ વિગત સ્ક્રીન પર દેખાશે.
કયા ફોર્મનો શું ઉપયોગ થાય છે?: નવું નામ ઉમેરવા માટે ફોર્મ-6, વિદેશમાં વસતા ભારતીય નાગરિકો માટે ફોર્મ-6A, મતદાર યાદીમાંથી નામ કમી કરાવવા માટે ફોર્મ-7 અને નામ, ફોટો કે સરનામામાં સુધારો કરાવવા માટે ફોર્મ-8 ભરવાનું રહે છે.








