Gujarat High Court bomb threat: ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ભારે ખળભળાટ મચી ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બપોરે 1.11 કલાકે હાઇકોર્ટના સત્તાવાર ઈ-મેઇલ આઈડી પર એક અજાણ્યા શખ્સ દ્વારા બોમ્બ બ્લાસ્ટની ધમકી આપતો મેઇલ મોકલવામાં આવ્યો હતો. આ મેઇલ મળતા જ હાઇકોર્ટની સુરક્ષા વ્યવસ્થા સંભાળતા અધિકારીઓ સતર્ક થઈ ગયા હતા અને તાત્કાલિક સ્થાનિક સોલા પોલીસને જાણ કરવામાં આવી હતી.
બોમ્બ-ડોગ સ્ક્વોડ દ્વારા સઘન ચેકિંગ છતાં કોર્ટની કામગીરી રાબેતા મુજબ ચાલુ
પોલીસ કંટ્રોલ રૂમમાં મેસેજ મળતા જ સોલા પોલીસની ટીમ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને ડોગ સ્ક્વોડની ટીમો તાબડતોબ હાઇકોર્ટ પરિસરમાં પહોંચી ગઈ હતી. સુરક્ષા જવાનો દ્વારા હાઇકોર્ટની અલગ-અલગ વિંગ્સ, પાર્કિંગ એરિયા અને કોર્ટ રૂમની આસપાસ સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જોકે, આ ભયના માહોલ વચ્ચે પણ ન્યાયાધીશો અને વકીલોએ સંયમ જાળવ્યો હતો અને હાઇકોર્ટની તમામ કોર્ટની કામગીરી રાબેતા મુજબ જ ચાલુ રાખવામાં આવી હતી જેથી સામાન્ય નાગરિકોમાં ગભરાટ ન ફેલાય.
CMOને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી
હાઇકોર્ટમાં તપાસ ચાલી જ રહી હતી, ત્યાં જ બપોરે 3.11 વાગ્યે ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રી કાર્યાલય (CMO) માં પણ આવો જ એક ધમકીભર્યો ઈ-મેઇલ મળતા વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. સીએમ ઓફિસ જેવા અત્યંત સંવેદનશીલ સ્થળે ધમકી મળતા ગાંધીનગર પોલીસ, એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરો (SIB) એલર્ટ થઈ ગઈ છે. સીએમ ઓફિસ અને સચિવાલય પરિસરમાં પણ સુરક્ષા વ્યવસ્થા એકદમ કડક કરી દેવામાં આવી છે.
ખાલિસ્તાન નેશનલ આર્મીનું નામ ખુલતા એજન્સીઓ એક્શનમાં
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ બંને ધમકીભર્યા ઈ-મેઇલ મોકલનાર વ્યક્તિએ મેઈલમાં 'ખાલિસ્તાન નેશનલ આર્મી' ના નામનો ઉલ્લેખ કર્યો છે. આ આતંકી સંગઠનનું નામ સામે આવતા જ સાયબર ક્રાઈમ સેલ અને સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીઓ પણ એક્શનમાં આવી ગઈ છે. સાયબર એક્સપર્ટ્સની ટીમ અત્યારે મેઈલ મોકલનારના IP એડ્રેસને ટ્રેસ કરવાની કવાયત કરી રહી છે, જેથી આ મેઈલ દેશમાંથી મોકલાયો છે કે વિદેશી સર્વરથી તે જાણી શકાય.
તાજેતરમાં ફ્લાઇટ્સ અને શાળાઓને પણ મળી છે આવી ફેક ધમકીઓ
નોંધનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર દેશમાં ફેક (નકલી) બોમ્બ ધમકીઓનું મોજું ફરી વળ્યું છે. દેશભરની અનેક ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ, એરપોર્ટ, મોટી શાળાઓ અને હોસ્પિટલોને પણ આવા ધમકીભર્યા મેઈલ મળી ચૂક્યા છે. મોટાભાગના કિસ્સાઓમાં આ મેઈલ ડાર્ક વેબ અથવા VPNનો ઉપયોગ કરીને મોકલવામાં આવે છે, જે માત્ર ડર ફેલાવવાનો અને તંત્રને પરેશાન કરવાનો પ્રયાસ હોય છે. જોકે, સુરક્ષા એજન્સીઓ આવી કોઈપણ ધમકીને હળવાશથી લેતી નથી.
નાગરિકોને અફવાઓથી દૂર રહેવા પોલીસની ખાસ અપીલ
આ ઘટનાઓને પગલે ગુજરાત પોલીસે રાજ્યના નાગરિકોને શાંતિ જાળવવા અને સોશિયલ મીડિયા પર ફેલાતી કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) મુજબ તમામ જરૂરી સુરક્ષા પગલાં લેવામાં આવી રહ્યા છે. ગુનેગારોને વહેલી તકે ઝડપી પાડીને તેમની સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.








