Gandhinagar Municipal Corporation Election Results 2026: ગાંધીનગર મહાનગરપાલિકાની 11 વોર્ડની કુલ 44 બેઠકો માટે 13 ઓક્ટોબર, 2026ના રોજ યોજાયેલી મતગણતરીના અંતે પરિણામો સ્પષ્ટ થઈ ગયા છે. BJPએ 38 બેઠકો પર શાનદાર જીત મેળવીને પાટનગરની સત્તાની કમાન પોતાના હાથમાં અકબંધ રાખી છે. જ્યારે વિપક્ષ કોંગ્રેસના ખાતામાં 5 બેઠકો અને 1 બેઠક અપક્ષ ઉમેદવારના ફાળે ગઈ છે. 11 ઓક્ટોબરે યોજાયેલા મતદાનમાં કુલ 2,59,985 નોંધાયેલા મતદારોમાંથી 1,54,045 નાગરિકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જેમાં સરેરાશ 59.25 ટકા મતદાન નોંધાયું હતું.
ભાજપનું 8 વોર્ડમાં ક્લીન સ્વીપ, વોર્ડ-6માં કોંગ્રેસનો મોટો અપસેટ
પરિણામોનું વિશ્લેષણ કરીએ તો ભાજપે મનપાના મોટાભાગના વિસ્તારોમાં પોતાનો એકચક્રી દબદબો જાળવી રાખ્યો છે. વોર્ડ નંબર 1, 3, 4, 5, 8, 9, 10 અને 11માં ભાજપના તમામ 4-4 ઉમેદવારો વિજયી બન્યા હતા અને પૂરેપૂરી પેનલ સ્વીપ કરી હતી. વોર્ડ-10માંથી પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જશવંત પટેલ અને વોર્ડ-11માંથી નગીન નાડિયાએ જીત મેળવી હતી. જોકે, સૌથી મોટો ઉલટફેર વોર્ડ નંબર-6માં જોવા મળ્યો હતો, જ્યાં કોંગ્રેસના હંસાબેન નિનામા, મેઘનાબેન દેસાઈ, મેહુલ રાઠોડ અને કરમજિતસિંહ વાઘેલાએ ભાજપની આખી પેનલને હરાવીને ચારેય બેઠકો પર ક્લીન સ્વીપ કર્યું હતું.
વોર્ડ-2માં ભાજપની પેનલ તૂટી, અપક્ષ દીપિકાબા વાઘેલાનો વિજય
વોર્ડ નંબર-2માં બહુવિધ બેઠકો પર ભારે રસાકસી જોવા મળી હતી. અહીં ભાજપના 3 ઉમેદવારો જીત્યા હતા, પરંતુ સામાન્ય સ્ત્રી અનામત બેઠક પર અપક્ષ ઉમેદવાર દીપિકાબા વાઘેલાએ ભાજપના દિપ્તીબેન મનીષભાઈ પટેલને ૧૫૬ મતોના માર્જિનથી પરાજય આપીને વિજય મેળવ્યો હતો. પરાજય બાદ દિપ્તીબેન પટેલની તબિયત લથડતાં તેમને તબીબી સારવાર આપવી પડી હતી. આ ઉપરાંત વોર્ડ નંબર-7માં રિકાઉન્ટિંગ હાથ ધરાયા બાદ ભાજપે 3 બેઠકો મેળવી હતી અને 1 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે બાજી મારી હતી. આમ, ભાજપના ઉમેદવાર ભાવિક સુતરિયાની હાર થતાં અહીં પણ ભાજપની પેનલ તૂટી હતી.
AAPનું સુપડું સાફ, 2011થી 2026 સુધીના આંકડાકીય સમીકરણો
આ વખતે મેદાનમાં ઉતરેલી આમ આદમી પાર્ટીના તમામ 32 ઉમેદવારોમાંથી એક પણ ઉમેદવાર જીતી શક્યો નથી અને પાર્ટી શૂન્ય પર સીમિત રહી છે. ગાંધીનગરના દાયકા જૂના રાજકીય ઇતિહાસ પર નજર કરીએ તો, વર્ષ 2011ની પ્રથમ ચૂંટણીમાં 33માંથી 18 બેઠકો મેળવી કોંગ્રેસે સત્તા મેળવી હતી. 2016માં નવી સીમાંકન બાદ ભાજપ-કોંગ્રેસ વચ્ચે 16-16 બેઠકોની સરખી ટક્કર થઈ હતી પરંતુ, 2021માં ભાજપે 41 બેઠકો જીતીને સંપૂર્ણ પ્રભુત્વ સ્થાપ્યું હતું. આ જ લય જાળવી રાખીને 2026માં પણ ભાજપે 38 બેઠકો સાથે પોતાની સત્તા મજબૂત રાખી છે.
વિધાનસભા ચૂંટણી પૂર્વે ભાજપ માટે મોટો બૂસ્ટર ડોઝ
રાજ્યમાં આગામી સમયે યોજાનારી વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ પૂર્વે ગાંધીનગર મહાનગરપાલિકાના આ પરિણામોને રાજકીય વિશ્લેષકો દ્વારા અત્યંત મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યા છે. પાટનગરમાં 38 બેઠકો પર વિજયથી શાસક પક્ષ ભાજપનો કાર્યકર્તાઓનો ઉત્સાહ બેવડાયો છે. મતદાન અને પરિણામો પૂર્ણ થયા બાદ શાસક પક્ષના તમામ વિજેતા ઉમેદવારોએ વિજય સરઘસ કાઢીને ગાંધીનગરના નાગરિકોનો આભાર માન્યો હતો.








