Diwali 2026 Shopping Trends: દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાતનાં બજારોમાં ખરીદીનો ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે. એક તરફ ઈલેક્ટ્રોનિક્સ, કપડાં, ફટાકડા, મીઠાઈ, ડ્રાયફ્રૂટ અને ઘર સજાવટની વસ્તુઓના ભાવમાં સરેરાશ 20થી 30 ટકાનો વધારો થયો છે, તો બીજી તરફ લોકો ખરીદી માટે બજારોમાં ઉમટી રહ્યા છે. અમદાવાદમાં 'મોંઘું એટલું સારું'ની માનસિકતા વચ્ચે લોકો ખરીદીમાં પાછળ નથી. સામાન્ય મધ્યમવર્ગીય પરિવારનું દિવાળીનું બજેટ પણ અંદાજે 16-17 હજાર રૂપિયાથી વધીને 20-21 હજાર રૂપિયા સુધી પહોંચી ગયું છે. આમ છતાં વેપારીઓને આ વર્ષે સારા વેપારની આશા છે.
મોંઘવારી છતાં ખરીદીનો ઉત્સાહ યથાવત્
છેલ્લા એક વર્ષમાં અનેક ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયો છે. ઉત્પાદન, પરિવહન અને વિતરણના ખર્ચમાં વધારો થતાં તેની સીધી અસર ગ્રાહકોના ખિસ્સા પર પડી રહી છે. ચાર સભ્યોના મધ્યમવર્ગીય પરિવારને દિવાળીની ખરીદી માટે પહેલાં અંદાજે 16થી 17 હજાર રૂપિયાનો ખર્ચ થતો હતો, જે આ વર્ષે વધીને 20થી 21 હજાર રૂપિયા થયો છે. આવકમાં ખાસ વધારો ન થયો હોવા છતાં લોકો તહેવારની ખરીદીમાં ખર્ચ કરી રહ્યા છે. મોંઘવારીની ફરિયાદો વચ્ચે પણ અમદાવાદ સહિત ગુજરાતનાં બજારોમાં કપડાં, મીઠાઈ, ફટાકડા અને ઘરવખરીની દુકાનોમાં ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે.
લાલ ચોપડાથી કેલેન્ડર સુધી, પરંપરાગત ખરીદીમાં પણ ભાવવધારો
આધુનિક સમયમાં વેપારીઓ કમ્પ્યુટર અને મોબાઈલમાં હિસાબ રાખતા થયા છે, પરંતુ દિવાળીએ પરંપરાગત લાલ ચોપડાનું પૂજન કરવાની પરંપરા આજે પણ જળવાઈ છે. અમદાવાદના વેપારીઓ નવા વર્ષના હિસાબની શરૂઆત શુભેચ્છા અને પૂજા સાથે કરે છે. કાગળ અને પરિવહન ખર્ચ વધતાં 200 રૂપિયામાં મળતો લાલ ચોપડો આ વર્ષે 240 રૂપિયાનો થયો છે. છતાં તેની માંગમાં ઘટાડો થયો નથી. બીજી તરફ ડિજિટલ યુગમાં પણ ફિઝિકલ કેલેન્ડરની માંગ યથાવત્ છે. માઇક્રોકંડ અને રિલીફ રોડની બજારમાં તિથિ દર્શાવતા કેલેન્ડરની ખરીદી માટે લોકો ઉમટી રહ્યા છે.
ડ્રાયફ્રૂટ મોંઘાં થતાં ડ્રાઈડ બેરીની માંગ વધી
મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિ અને આયાત-નિકાસની સપ્લાય ચેઇન પર પડેલી અસરને કારણે સૂકામેવાના ભાવમાં પણ વધારો થયો છે. વેપારીઓના જણાવ્યા અનુસાર કાજુ, બદામ, પિસ્તા અને અંજીર સહિતના ડ્રાયફ્રૂટના ભાવમાં 25થી 30 ટકાનો વધારો નોંધાયો છે.
પહેલાં 700થી 800 રૂપિયે મળતા કાજુ હવે 900થી 1,000 રૂપિયા થયા છે.
બદામના ભાવ પણ 600 રૂપિયાથી વધીને 1,000 રૂપિયા સુધી પહોંચ્યા છે.
મોંઘા ડ્રાયફ્રૂટના વિકલ્પ તરીકે લોકો ડ્રાઈડ બેરી ખરીદી રહ્યા છે.
રાસબેરી, બ્લૂબેરી, ક્રેનબેરી અને બ્લેકબેરીની માંગ વધી છે.
ડ્રાઈડ બેરીનો ભાવ 700થી 800 રૂપિયા પ્રતિ કિલો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.
ધનતેરસે ફરી કાંસાના વાસણો અને પિત્તળની વસ્તુઓનો ક્રેઝ
અમદાવાદના માણેક ચોકની કલેશરા બજારમાં ધનતેરસની ખરીદી માટે લોકોની ભીડ જોવા મળી રહી છે. તાંબા, પિત્તળ અને કાંસાના પરંપરાગત વાસણો ફરી લોકપ્રિય બની રહ્યાં છે. ધનતેરસે ધાતુની વસ્તુ ખરીદવી શુભ માનવામાં આવતી હોવાથી લોકો કાંસાના ડિનર સેટ, પિત્તળની કઢાઈ, હાંડી અને તવા ખરીદી રહ્યા છે. કોર્પોરેટ ગિફ્ટિંગમાં પણ પરંપરાગત ધાતુની વસ્તુઓનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ફેન્સી ક્રોકરી અને કાચના ડ્રાયફ્રૂટ જારની જગ્યાએ તાંબાની બોટલ, ડાયરી સેટ અને કાંસાના ડ્રાયફ્રૂટ જારની માંગ વધી છે. મંદિરો માટે પિત્તળની આરતીની થાળી, ઘંટ અને ગણેશ-લક્ષ્મીની મૂર્તિઓની ખરીદી પણ થઈ રહી છે.
અમદાવાદના કાપડ બજારમાં વેપાર અઢી ગણો થવાની આશા
દિવાળીના તહેવારમાં નવા કપડાં ખરીદવાની પરંપરાને કારણે અમદાવાદના કાપડ બજારમાં ભારે ભીડ જોવા મળી રહી છે. રિટેલ દુકાનોમાં રાતના 11 વાગ્યા સુધી ગ્રાહકોની અવરજવર રહે છે. વેપારીઓના જણાવ્યા અનુસાર દિવાળીની સીઝનમાં કાપડ બજારનો વેપાર સામાન્ય દિવસોની સરખામણીએ અઢી ગણો થવાની શક્યતા છે. અમદાવાદ ટેક્સટાઇલ હબ હોવાથી ગુજરાત ઉપરાંત આસપાસનાં રાજ્યોમાંથી પણ લોકો ખરીદી કરવા આવે છે. જોકે, કપાસ અને અન્ય કાપડના મટિરિયલના ભાવ વધતાં રેડીમેડ કપડાં સરેરાશ 20થી 25 ટકા મોંઘાં થયાં છે. વેપારીઓના જણાવ્યા અનુસાર કપાસની ગાંસડીનો ભાવ 50 હજાર રૂપિયાથી વધીને 72 હજાર રૂપિયા થયો છે. આ મોંઘવારી વચ્ચે ઓરિજિનલ મટિરિયલની જગ્યાએ બ્લેન્ડેડ મટિરિયલનાં કપડાંની માંગ વધી રહી છે.
ફટાકડાના ભાવમાં 20થી 30 ટકાનો વધારો
દિવાળી નજીક આવતાં અમદાવાદના દિલ્હી દરવાજા અને કાલુપુરની ફટાકડા બજારમાં પણ ખરીદીનો માહોલ જામ્યો છે. આ વર્ષે પરંપરાગત તારામંડળ, કોઠી અને મિર્ચી બૉમ્બની સાથે હેલોવીન બૉમ્બ, ડ્રોન બૉમ્બ અને કેટપિલર જેવા નવા ફટાકડા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ખાસ કરીને માચીસ ગન અને ડ્રોન બૉમ્બ બાળકોમાં લોકપ્રિય બની રહ્યા છે. વેપારીઓના જણાવ્યા અનુસાર તમિલનાડુના શિવાકાશી અને ઉત્તર પ્રદેશથી આવતા ફટાકડાના ભાવમાં 20થી 30 ટકાનો વધારો થયો છે. મોંઘવારીને કારણે લોકો ફટાકડા ખરીદે છે, પરંતુ અગાઉની સરખામણીએ તેનો જથ્થો ઘટાડે છે. છેલ્લા બે વર્ષથી ઓછું વાયુ અને ધ્વનિ પ્રદૂષણ કરતા ગ્રીન ક્રેકર્સની માંગ પણ વધી છે.
50 પ્રકારની મીઠાઈ અને 80થી વધુ પ્રકારના ફરસાણની ધૂમ
દિવાળીમાં મીઠાઈ અને ફરસાણની ખરીદીનું વિશેષ મહત્વ છે. ગુજરાતમાં બેસતા વર્ષે ઘરે આવતા મહેમાનનું મોં મીઠું કરાવવાની પરંપરા આજે પણ જળવાઈ છે. અમદાવાદમાં પેંડા, મોહનથાળ અને કાજુ કતરીની સાથે યુવા પેઢી માટે નવી વેરાયટીની મીઠાઈઓની માંગ વધી છે. બિસ્કોફ બૉલ, કેફે મોકા બિસ્ક અને પિસ્તા-કુનાફા જેવી મીઠાઈઓ બજારમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. દૂધ, સૂકો મેવો, ખાંડ અને રાંધણ ગેસના ભાવ વધતાં મીઠાઈના ભાવમાં કિલોએ 60થી 150 રૂપિયાનો વધારો થયો છે. અમદાવાદમાં આશરે 50 પ્રકારની મીઠાઈનું વેચાણ થઈ રહ્યું છે. બીજી તરફ કાલુપુરની વર્ષો જૂની ફરસાણ બજારમાં પણ 80થી વધુ પ્રકારના ફરસાણનું વેચાણ થાય છે. ગાંઠિયા, સેવ, ચેવડો, ચકરી, પુરી અને મઠિયા જેવી પરંપરાગત વાનગીઓ માટે અગાઉથી બુકિંગ શરૂ થઈ ગયું છે. તેલ, મસાલા અને બેસનના ભાવ વધતાં ફરસાણના ભાવમાં પણ કિલોએ સરેરાશ 40થી 80 રૂપિયાનો વધારો થયો છે. પરિણામે અગાઉ કિલોના હિસાબે ખરીદી કરતા કેટલાક ગ્રાહકો હવે મર્યાદિત ગ્રામમાં ખરીદી કરી રહ્યા છે.








