Ahmedabad News: અમદાવાદ ગ્રામ્યના ધોળકામાં આવેલા સુપ્રસિદ્ધ ગણપતિ મંદિર તરફ જતા રસ્તા પરના અંડરપાસમાં વરસાદી પાણી ભરાતા શ્રદ્ધાળુઓ અને વાહનચાલકોની મુશ્કેલી વધી છે. ગણેશ ઉત્સવ દરમિયાન ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો દર્શન માટે આવી રહ્યા છે, ત્યારે અંડરપાસમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા હજારો શ્રદ્ધાળુઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ડ્રેનેજના અભાવે અંડરપાસમાં પાણી ભરાય છે
રેલવે વિભાગ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા આ અંડરપાસમાં યોગ્ય ડ્રેનેજ સિસ્ટમના અભાવે સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા પંપ અને મોટરની મદદ લેવામાં આવે છે અને ડીઝલથી પાણી બહાર કાઢવામાં આવે છે. સ્થાનિકોના મતે, આ પ્રકારની કામચલાઉ વ્યવસ્થાને કારણે સમસ્યાનો કાયમી ઉકેલ આવતો નથી અને સરકારી ખર્ચ પણ વધી રહ્યો છે.
વાહનો બંધ પડતા વાહનચાલકો પરેશાન
અંડરપાસમાં પાણી ભરાયેલું રહેતા અનેક વાહનો અચાનક બંધ પડી જતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાય છે. કેટલાક વાહનચાલકોને ભરાયેલા પાણીમાંથી વાહનો કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડે છે. ગણેશ ઉત્સવ દરમિયાન દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓની સંખ્યા વધુ હોવાથી સ્થિતિ વધુ ગંભીર બની રહી છે.
કાયમી ઉકેલની સ્થાનિકોની માંગ
ગણેશ ઉત્સવના પવિત્ર દિવસોમાં શ્રદ્ધાળુઓને પડી રહેલી હાલાકી દૂર કરવા સ્થાનિક રહેવાસીઓ અને બહારથી આવતા યાત્રાળુઓ દ્વારા તંત્ર પાસે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી રહી છે. સાથે જ અંડરપાસમાં વારંવાર પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા ઊભી કરવાની માંગ પણ ઉઠી છે.








