Dahod LPG Distribution Issue Sanjeli: દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં એલપીજી ગેસ સિલિન્ડરના વિતરણને લઈને છેલ્લા કેટલાક મહિનાથી ચાલતી સમસ્યાએ ફરી એકવાર ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ગેસ સિલિન્ડરની અછત અને વિતરણમાં થઈ રહેલા વિલંબના કારણે ગ્રાહકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. તાજેતરમાં ગેસ ભરેલી ટ્રક સંજેલી ખાતે પહોંચતા જ મોટી સંખ્યામાં લોકો સિલિન્ડર મેળવવા માટે એકત્ર થયા હતા, જેના કારણે સ્થળ પર અવ્યવસ્થા અને તણાવનું વાતાવરણ સર્જાયું હતું.
શું છે સમગ્ર મામલો?
મળતી વિગતો મુજબ, સંજેલી વિસ્તારમાં ગેસ વિતરણની પ્રક્રિયા દરમિયાન સ્થાનિક વહીવટી અધિકારીઓની હાજરીમાં ગ્રામ્ય વિસ્તારના ગ્રાહકોને સિલિન્ડર આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સાથે જ શહેર વિસ્તારના ગ્રાહકો માટે અલગ વાહન મારફતે સિલિન્ડરો પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે, ઘણા સમયથી ગેસ ન મળતા લોકોમાં પહેલેથી જ અસંતોષ હતો. પરિણામે વિતરણ વાહન આવતા જ લોકો મોટી સંખ્યામાં તેની આસપાસ ભેગા થઈ ગયા અને'મને પહેલા આપો, મને પહેલા આપો'ની બૂમો પાડવા લાગ્યા હતા. આ દરમિયાન કેટલાક ગ્રાહકો અને વિતરણ સાથે જોડાયેલા કર્મચારીઓ વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. ધીમે ધીમે સ્થિતિ વધુ તંગ બનતા સ્થળ પર હોબાળો મચી ગયો હતો. પરિસ્થિતિ બગડતી જોઈને થોડા સમય માટે ગેસ વિતરણની કામગીરી પણ રોકવી પડી હતી. ત્યારબાદ જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓએ લોકોને સમજાવી સ્થિતિ સામાન્ય બનાવવાનો પ્રયાસ કર્યો હતો.
હજુ સુધી નવા ભરેલા સિલિન્ડર મળ્યા નથી...
સ્થાનિક ગ્રાહકોનું કહેવું છે કે, તેઓ લાંબા સમયથી ગેસ સિલિન્ડરની રાહ જોઈ રહ્યા છે. અનેક પરિવારો દ્વારા ખાલી સિલિન્ડર અને સંબંધિત દસ્તાવેજો એજન્સીમાં જમા કરાવ્યા હોવા છતાં તેમને હજુ સુધી નવા ભરેલા સિલિન્ડર મળ્યા નથી. કેટલાક લોકોનો આક્ષેપ છે કે બે થી ત્રણ મહિનાથી તેઓ સતત એજન્સીના ચક્કર મારી રહ્યા છે, પરંતુ સમસ્યાનો કોઈ સ્પષ્ટ ઉકેલ મળતો નથી. એક સ્થાનિક ગ્રાહકે પોતાની વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું કે, ઘણા અઠવાડિયાથી તેમની ખાલી બોટલ એજન્સી પાસે જ છે. અનેક વખત સંપર્ક કરવા છતાં ગેસ સિલિન્ડર ઉપલબ્ધ કરાવવામાં આવ્યો નથી, જેના કારણે રોજિંદા જીવનમાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. તેમણે જણાવ્યું કે જો સમયસર સિલિન્ડર ઉપલબ્ધ ન હોય તો ગ્રાહકોની ખાલી બોટલો પરત આપીને વૈકલ્પિક વ્યવસ્થા અંગે માર્ગદર્શન આપવું જોઈએ.
ધક્કામુક્કી કરવામાં આવતા ગેરસમજ અને વિવાદ સર્જાયો
બીજી તરફ, ગેસ એજન્સીના સંચાલન સાથે સંકળાયેલા પ્રતિનિધિઓએ જણાવ્યું કે, ઉપલબ્ધ સ્ટોક અનુસાર સિલિન્ડરોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તેમના જણાવ્યા અનુસાર, ટ્રક પહોંચ્યા બાદ કેટલાક ગ્રાહકો દ્વારા ઉતાવળ અને ધક્કામુક્કી કરવામાં આવતા ગેરસમજ અને વિવાદ સર્જાયો હતો. જોકે પછી પરિસ્થિતિને નિયંત્રણમાં લઈ લોકોને ક્રમબદ્ધ રીતે સિલિન્ડર આપવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા. સંજેલીમાં વારંવાર સર્જાતી આવી પરિસ્થિતિને કારણે ગ્રાહકો તેમજ એજન્સી બંને મુશ્કેલી અનુભવી રહ્યા છે. સ્થાનિક લોકો હવે વહીવટી તંત્ર અને સંબંધિત વિભાગો પાસેથી કાયમી અને અસરકારક ઉકેલની અપેક્ષા રાખી રહ્યા છે, જેથી ભવિષ્યમાં આવી અવ્યવસ્થા અને તણાવની સ્થિતિ ફરી ઉભી ન થાય.








