Banaskantha bootlegger attack on SMC team: રાજસ્થાન સરહદેથી બનાસકાંઠા જિલ્લામાં થતી ગેરકાયદેસર દારૂની હેરાફેરી અટકાવવા માટે દરોડો પાડવા ગયેલી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પર બુટલેગરોએ ગાડીઓ ચઢાવી દેવાનો અત્યંત ગંભીર અને જીવલેણ પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. દારૂ ભરેલા અનેક વાહનોના કાફલાને રોકવાનો પ્રયાસ કરતા બુટલેગર ચાલકોએ પોલીસ કર્મચારીઓ અને પંચોને કચડી નાખવાના ઈરાદે સીધી ટક્કર મારવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં પોલીસકર્મીઓએ માંડ-માંડ પોતાનો જીવ બચાવ્યો હતો. આ ઘટનાના પગલે સમગ્ર ઉત્તર ગુજરાતમાં ભારે ચકચાર મચી જવા પામી છે અને હાલ SMC દ્વારા આરોપીઓ વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

SP અને રેન્જ IG સામે કાર્યવાહીની માંગ
આ ગંભીર ઘટના સામે આવતા જ વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પર આકરા પ્રહારો કર્યા હતા. મેવાણીએ આક્ષેપ કર્યો હતો કે બનાસકાંઠામાં બુટલેગરો અત્યંત બેફામ બન્યા છે અને થોડા દિવસો પૂર્વે જ આ વિસ્તારમાં બુટલેગરોએ BSF ના જવાન પર પણ હુમલો કર્યો હતો. આમ છતાં બનાસકાંઠાના એસ.પી. કે રેન્જ આઈ.જી. પાસેથી કોઈ ખુલાસો માંગવામાં આવ્યો નથી કે તેમની સામે કોઈ તપાસનો આદેશ આપવામાં આવ્યો નથી.

કાયદો અને વ્યવસ્થા મુદ્દે મેવાણીના પ્રહારો
જિજ્ઞેશ મેવાણીએ વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું કે, "બનાસકાંઠામાં દારૂના દૂષણને કારણે અનેક બહેનો, દીકરીઓ અને માતાઓ વિધવા બની રહી છે, છતાં SP કે IG સામે કોઈ પગલાં લેવાતા નથી; તમામ કાર્યવાહી માત્ર કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, PSI અને PI સામે જ કરવામાં આવે છે. આ જ બેદરકારીનું પરિણામ છે કે ગત રાત્રે દાંતીવાડામાં SMC ની ટીમ પર હુમલો થયો અને ખેરાલુમાં એક ફોર્ચ્યુનર ગાડી ચઢાવીને બુટલેગરે સથવારા સમાજના એક વ્યક્તિની હત્યા કરી નાખી. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જેવું કંઈ બચ્યું છે કે નહીં?"

‘તમને સરકારી પગારથી સંતોષ કેમ નથી?’
મેવાણીએ ઉચ્ચ પોલીસ અધિકારીઓને આડેહાથ લેતા આકરા શબ્દોમાં કહ્યું કે, "ગુજરાતના આઈપીએસ અધિકારીઓ, તમને શરમ આવવી જોઈએ! ચરસ, ગાંજા અને દારૂ-ડ્રગ્સની કાળી કમાણી કરનાર સંતાનો જોઈને તમારા માતા-પિતાને પણ દુઃખ થતું હશે. કાલે જ્યારે તમારા સંતાનો મોટા થશે અને શાળા-કોલેજમાં તેમને કહેવામાં આવશે કે 'તારા પિતા દારૂ અને ડ્રગ્સમાંથી કમાણી કરનાર અધિકારી છે', ત્યારે તમને કેવું લાગશે? છેલ્લા પાંચ વર્ષમાં અનેક પોલીસકર્મીઓ પર હુમલા થયા છે. ગાંધી અને સરદારના ગુજરાતને પૈસાની લાલચ માટે બદનામ કરવાનું બંધ કરો."

ચોક્કસ બાતમીના આધારે SMCએ દાંતીવાડામાં ગોઠવી હતી વોચ
ઘટનાની વિગત મુજબ, રાજસ્થાનના મેથીપુરા ગામે આવેલા પ્રદીપ મેવાડાના દારૂના ઠેકા પરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને કેટલીક ફોરવ્હીલ ગાડીઓ દાંતીવાડા થઈને ગુજરાતમાં ઘૂસવાની છે તેવી ચોક્કસ બાતમી SMCને મળી હતી. આ દારૂ ભરેલી ગાડીઓનું પાયલોટિંગ દાંતીવાડાના રામનગર ખાતે રહેતા ગુલાબસિંહ ઉર્ફે વાસુ વાઘેલા દ્વારા કાળા રંગની સ્કોર્પિયો કારથી કરવામાં આવી રહ્યું હતું.
મારવાડા-દાંતીવાડા રોડ પર સર્જાયા ફિલ્મી દ્રશ્યો
બાતમીના આધારે SMCના PI પી. બી. જેબલિયા સહિતની ટીમે મારવાડા અને દાંતીવાડા વિસ્તારમાં વોચ ગોઠવી હતી. આ દરમિયાન કાળી સ્કોર્પિયોની પાછળ ઇનોવા અને બ્રેઝા સહિતની દારૂ ભરેલી ગાડીઓનો કાફલો આવી પહોંચતા પોલીસે તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બુટલેગરોના ચાલકોએ પોલીસકર્મીઓ અને પંચો પર સીધી ગાડીઓ ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો તેમજ પોલીસની ક્રેટા કારને જોરદાર ટક્કર મારીને ફિલ્મી ઢબે નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો.
સ્થાનિક પોલીસ અને LCBની ભૂમિકા શંકાના દાયરામાં
આ ઘટના બાદ સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થયો છે કે જો ગાંધીનગરથી SMCની ટીમ આવીને બનાસકાંઠાની સરહદ પર આટલા મોટા પાયે દારૂની હેરાફેરી પકડી શકતી હોય, તો સ્થાનિક પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) શું કરી રહી હતી? બુટલેગરોની આટલી હિંમત અને સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતાને લઈને વહીવટી તંત્રની કામગીરી શંકાના દાયરામાં આવી ગઈ છે.
વિશેષ અને વધારાની માહિતી
શું છે SMC?: ગુજરાત રાજ્યમાં દારૂ, જુગાર અને ડ્રગ્સ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર સીધી નજર રાખવા અને સ્થાનિક પોલીસની મિલીભગત હોય એવા કિસ્સાઓમાં દરોડા પાડવા માટે રાજ્યના DGPના સીધા નિયંત્રણ હેઠળ સ્ટેટ મોનિટરિંગ સેલની રચના કરવામાં આવી છે.
બનાસકાંઠા સરહદની સંવેદનશીલતા: બનાસકાંઠા જિલ્લો રાજસ્થાન સાથે લાંબી સરહદ ધરાવે છે, જેના કારણે અમીરગઢ, દાંતીવાડા, થરાદ અને વાવ વિસ્તારના કાચા રસ્તાઓ પરથી બુટલેગરો મોંઘીદાટ SUV ગાડીઓમાં 'પાયલોટિંગ' સિસ્ટમનો ઉપયોગ કરીને દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરતા હોય છે.








