AMC PMAY EWS housing scheme Ahmedabad 2026: દિન-પ્રતિદિન અમદાવાદ શહેરમાં આકાશને આંબતી હાઇરાઇઝ બિલ્ડિંગો બની રહી છે અને મકાનોની કિંમતો સામાન્ય માણસની પહોંચની બહાર જઈ રહી છે ત્યારે આર્થિક રીતે નબળા વર્ગના પરિવારોનું 'ઘરના ઘર'નું સપનું સાકાર કરવા માટે સરકાર દ્વારા સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ દિશામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 5 વર્ષ પહેલાં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત તૈયાર કરવામાં આવેલા ફ્લેટમાંથી ખાલી રહેલા 434 જેટલા ફ્લેટનો ફરીથી કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો કરીને ફાળવવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. શહેરના થલતેજ, સોલા, નિકોલ, ઓઢવ, ગોતા, અસલાલી, ચાંદખેડા અને મકરબા જેવા વિકસિત અને પોશ વિસ્તારોમાં આવેલા આ EWS આવાસ યોજનાના ફ્લેટ મેઈન્ટેનન્સ સહિત માત્ર ₹3.30 લાખમાં આપવામાં આવશે.
18 આવાસ યોજનાઓના 434 ખાલી પડેલા મકાનો માટે નાગરિકો ભરી શકશે ઓનલાઇન ફોર્મ
ખાનગી બિલ્ડરોના ફ્લેટોની કિંમત કરતાં અડધી કે તેનાથી પણ ઓછી કિંમતમાં પ્રાઈવેટ ફ્લેટ જેવી જ આધુનિક સુવિધાઓ ધરાવતા EWS પ્રકારના 1 BHK ફ્લેટો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવ્યા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ પામેલા કુલ 13,243 મકાનોમાંથી અલગ-અલગ 18 જેટલી આવાસ યોજનાઓમાં જે લાભાર્થીઓને અગાઉ મકાન ફાળવાયું હતું પરંતુ, નિયત સમયમર્યાદામાં પૈસા ન ભરવાના કારણે અથવા વેઇટિંગ લિસ્ટ બાદ પણ કોઈ કારણોસર ફાળવણી થઈ શકી ન હોય એવા કુલ 434 મકાનો હાલ ખાલી છે. આ ખાલી મકાનો માટે હવે નવેસરથી અરજીઓ સ્વીકારવામાં આવી રહી છે.
આવાસ યોજનાના મકાનોમાં મળશે પ્રાઈવેટ જેવી સુવિધાઓ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્મિત આ મકાનો 28 ચોરસ મીટર કાર્પેટ એરિયા અને 33થી 35 ચોરસ મીટર બિલ્ટ-અપ એરિયા ધરાવે છે. દરેક ફ્લેટમાં એક ડ્રોઈંગ રૂમ, એક બેડરૂમ, કિચન અને કોમન ટોઇલેટની સુવિધા આપવામાં આવી છે. રહેવાસીઓની સુવિધા માટે દરેક બ્લોકમાં લિફ્ટ મૂકવામાં આવી છે. આ ઉપરાંત સંકુલમાં આંગણવાડી, ગ્રીન એરિયા, બાળકોને રમવા માટેનો ગાર્ડન, વિશાળ પાર્કિંગ અને અત્યાધુનિક ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ છે. મોટાભાગની આવાસ યોજનાઓના પરિસરની બહાર દુકાનો પણ બનાવવામાં આવી છે, જેથી જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ રહીશોને ઘરઆંગણે જ મળી રહે.
AMCની સત્તાવાર વેબસાઈટ પર 3 જાન્યુઆરી સુધી કરી શકાશે ઓનલાઇન અરજી
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાલી રહેલા આ ફ્લેટોની ફાળવણી માટે 20 નવેમ્બર, 2026થી ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે, જે આગામી 3 જાન્યુઆરી, 2027 સુધી ચાલુ રહેશે. ઇચ્છુક નાગરિકો AMCની સત્તાવાર વેબસાઈટ [https://housingapplicationform.ahmedabadcity.gov.in/](https://housingapplicationform.ahmedabadcity.gov.in/) પર જઈને ઓનલાઇન ફોર્મ ભરી શકશે. વેબસાઈટ પર અરજી કરવા માટે જરૂરી સોગંદનામાનો નમૂનો અને દરેક વિસ્તારના ફ્લેટોની વિગતવાર માહિતી દર્શાવતું બ્રોશર પણ મૂકવામાં આવ્યું છે.
₹3 લાખથી ઓછી વાર્ષિક આવક ધરાવતા પરિવારોને જ મળશે લાભ
આ યોજનાનો લાભ માત્ર આર્થિક રીતે નબળા વર્ગના એવા પરિવારોને જ મળશે, જેમની સંયુક્ત વાર્ષિક આવક ત્રણ લાખ કે તેથી ઓછી હોય. અરજદારે ઓનલાઇન અરજી ફોર્મ ભરતી વખતે ₹7,500 ડિપોઝિટ પેટે ભરવાના રહેશે. કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રોમાં સફળ થયા બાદ AMC દ્વારા જાણ કરવામાં આવે ત્યારથી ત્રણ મહિનાની અંદર અરજદારે મકાનની કુલ કિંમતના ઓછામાં ઓછા 20 ટકા રકમ (અગાઉ ભરેલી ₹7,500 ડિપોઝિટ બાદ કરતાં બાકીની રકમ) અચૂકપણે ભરવાની રહેશે.
બાકીની 80 ટકા રકમ 10 સરખા હપ્તામાં ભરવાની સગવડ
ડ્રોમાં સફળ થયેલા લાભાર્થીઓએ 20 ટકા રકમ ભર્યા બાદ બાકી રહેતી 80 ટકા રકમ એકસરખા 10 હપ્તામાં (અંદાજે એક વર્ષમાં પૂરી રકમ ભરપાઈ થાય તે રીતે) સમયાંતરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જમા કરાવવાની રહેશે. છેલ્લા હપ્તાની સાથે મેન્ટેનન્સ ડિપોઝિટ તથા અન્ય વહીવટી ચાર્જ પણ ભરવાના રહેશે. અરજદારે શરૂઆતની 20 ટકા રકમ જે નિર્ધારિત બેંકમાં ભરી હોય, તે જ બેંકમાં બાકીના 80 ટકા હપ્તા જમા કરાવવાના રહેશે. મકાનની નક્કી થયેલી સંપૂર્ણ કિંમત ભરપાઈ થયા બાદ દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ થયેથી જ અરજદારને મકાનનો કાયદેસર કબજો સોંપવામાં આવશે.
ક્યાંય પાકું મકાન કે જમીનનો પ્લોટ ન ધરાવતા નાગરિકો જ અરજી કરવા પાત્ર
યોજનાની પાત્રતાના નિયમો મુજબ અરજદારના કુટુંબના તમામ સભ્યોની મળીને કુલ વાર્ષિક આવક ₹3 લાખથી ઓછી હોવી ફરજિયાત છે. આ યોજના હેઠળ 'કુટુંબ'ની વ્યાખ્યામાં અરજદાર પોતે, તેમના પતિ/પત્ની અને તેમના અપરિણીત બાળકોનો સમાવેશ થાય છે. જો કોઈ પુખ્ત વયની વ્યક્તિ ભારત દેશમાં ક્યાંય પણ પોતાના કે પરિવારના નામે પાકું મકાન કે રહેણાંક જમીનનો પ્લોટ ન ધરાવતી હોય તો તે પોતાના વૈવાહિક દરજ્જાને ધ્યાનમાં લીધા વિના આ મકાન મેળવવા માટે હકદાર ગણાશે.
મુખ્યમંત્રી ગૃહ યોજનામાંથી અગાઉ લાભ લીધો હશે તો ફાળવણી થશે રદ
પ્રધાનમંત્રી આવાસ યોજનાના ચાર મુખ્ય ઘટકો — AHP (એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ), BLC (બેનિફિશિયરી લેડ કન્સ્ટ્રક્શન), CLSS (ક્રેડિટ લિન્ક્ડ સબસિડી સ્કીમ) અને ISSR (ઇન-સિટુ સ્લમ રિહેબિલિટેશન) — પૈકી કોઈપણ એક જ ઘટકમાં લાભાર્થી સહાય મેળવવા પાત્ર છે. જે પરિવારોએ આ ચાર ઘટકમાંથી કોઈપણ એકમાં અથવા રાજ્ય સરકારની મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ અગાઉ મકાન કે સબસિડીનો લાભ લીધો હશે, તેઓ આ યોજના માટે અયોગ્ય ગણાશે. જો ભવિષ્યમાં પણ કોઈ લાભાર્થીએ બેવડો લાભ લીધો હોવાનું ધ્યાને આવશે, તો કોર્પોરેશન દ્વારા મકાનની ફાળવણી તાત્કાલિક રદ કરવામાં આવશે.
મકાન મળ્યા બાદ 6 મહિનામાં રહેવા જવું ફરજિયાત
લાભાર્થીને મકાનનું પઝેશન સોંપી દીધા બાદ મહત્તમ 6 મહિનાની અંદર તેમાં રહેવાનું (વપરાશ) શરૂ કરવું ફરજિયાત છે. જો કોઈ અનિવાર્ય કારણોસર વપરાશ શરૂ કરવામાં વિલંબ થાય તેમ હોય, તો તેની આગોતરી લેખિત જાણ AMCને કરવાની રહેશે, જે અંગે કોર્પોરેશનનો નિર્ણય આખરી અને બંધનકર્તા રહેશે. ખાસ ચેતવણી આપતા જણાવાયું છે કે જો સ્થળ તપાસ દરમિયાન લાભાર્થીએ ફાળવેલું મકાન અન્ય કોઈ ત્રાહિત વ્યક્તિને ભાડે આપ્યું હોવાનું કે વપરાશ માટે આપ્યું હોવાનું માલૂમ પડશે, તો AMC દ્વારા સ્થળ પર પંચનામું કરીને તાત્કાલિક ધોરણે મકાન સીલ કરી પઝેશન પરત મેળવવાની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
વિશેષ અને વધારાની માહિતી
અરજી કરવા માટે જરૂરી મુખ્ય દસ્તાવેજો: ઓનલાઇન ફોર્મ ભરતી વખતે અરજદારે પોતાનું અને પરિવારના સભ્યોનું ઓળખપત્ર, રહેઠાણનો પુરાવો, મામલતદાર અથવા સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલ ₹3 લાખથી ઓછી વાર્ષિક આવકનું પ્રમાણપત્ર, બેંક પાસબુકની નકલ અને ભારતમાં ક્યાંય પાકું મકાન ન હોવાનું નિર્ધારિત નમૂનાનું સોગંદનામું તૈયાર રાખવું જરૂરી છે.
ડ્રો પ્રક્રિયાની પારદર્શિતા: અરજીઓની ચકાસણી પૂર્ણ થયા બાદ લાયક ઠરેલા અરજદારોની યાદી વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવે છે અને ત્યારબાદ પારદર્શી રીતે કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો દ્વારા વિસ્તાર મુજબ મકાનોની ફાળવણી કરવામાં આવે છે.








