Kirtidan Gadhvi Garba Dome Collapse Ahmedabad: અમદાવાદ શહેરના એસ.પી. રિંગ રોડ પર આવેલા પ્રખ્યાત ગોપાલ ફાર્મ ખાતે લોકગાયક કિર્તીદાન ગઢવીના 'પરંપરા' નવરાત્રી નામના ભવ્ય આયોજનમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. નવરાત્રી મહોત્સવ શરૂ થવાના બરાબર એક દિવસ પહેલાં જ આયોજન સ્થળે તૈયાર કરવામાં આવી રહેલો વિશાળ એર કન્ડીશન્ડ (AC) ડોમ અચાનક જ ધરાશાયી થઈ ગયો હતો. સદનસીબે આ દુર્ઘટના ગરબા રમઝટ શરૂ થાય તે પહેલાં જ બની જતાં એક મોટી જાનહાનિ ટળી ગઈ છે. આ ઘટનાને પગલે આયોજકો અને ફેન્સમાં ભારે ચિંતા વ્યાપી ગઈ હતી, પરંતુ તાત્કાલિક ધોરણે આયોજનમાં ફેરફાર કરીને ગરબારસિકો માટે રાહતના સમાચાર આપવામાં આવ્યા છે.
બે મહિનાની મહેનતથી બનેલો 9 લાખ સ્કવેર ફૂટનો વિશાળ ડોમ તૂટી પડ્યો
ગોપાલ ફાર્મ ખાતે યોજાનારા આ નવરાત્રી મહોત્સવ માટે અંદાજે 9 લાખ સ્કવેર ફૂટ જેટલી વિશાળ જગ્યામાં ભવ્ય એસી ડોમ તૈયાર કરવામાં આવ્યો હતો. આ ડોમ બનાવવાની કામગીરી છેલ્લા બે મહિનાથી સતત ચાલી રહી હતી અને તેમાં એક સાથે 12,000થી વધુ ખેલૈયાઓ તથા દર્શકો એકસાથે ગરબા નિહાળી અને રમી શકે તેવી ક્ષમતા રાખવામાં આવી હતી. આખો ડોમ સંપૂર્ણપણે તૈયાર થઈ ચૂક્યો હતો અને તેમાં આધુનિક સાઉન્ડ સિસ્ટમ, લાઈટિંગ અને સુશોભનનું કામ પણ પૂરું થઈ ગયું હતું. આ દરમિયાન કેટલાક શ્રમિકો આખરી ઓપ આપી રહ્યા હતા ત્યારે અચાનક આખો ડોમ ધરાશાયી થયો હતો, જેમાં કેટલાક કામદારોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.
કિર્તીદાન ગઢવીએ સોશિયલ મીડિયા રીલ દ્વારા ખુલ્લામાં ગરબા યોજવાની જાહેરાત કરી
ડોમ ધરાશાયી થયા બાદ ખેલૈયાઓમાં ગરબા આયોજનને લઈને અનેક આશંકાઓ સેવાઈ રહી હતી. આ પરિસ્થિતિ વચ્ચે ખ્યાતનામ લોકગાયક કિર્તીદાન ગઢવીએ પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ખાસ રીલ વીડિયો પોસ્ટ કરીને ગરબારસિકોને મોટી રાહત આપી છે. તેમણે જાહેરાત કરી છે કે, અકસ્માતને કારણે હવે AC ડોમની જગ્યાએ પરંપરાગતો મુજબ ખુલ્લા મેદાનમાં જ ખેલૈયાઓ માટે ગરબાનું સુંદર આયોજન કરવામાં આવશે. આ ગરબા મહોત્સવ હવે 12 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર દરમિયાન ગોપાલ ફાર્મ ખાતે જ યોજાશે.
જો બે દિવસ પછી આ ઘટના બની હોત તો થાત ભયાનક હોનારત
આ દુર્ઘટના બાદ ઘટનાસ્થળે હાજર લોકો અને આયોજકોએ રાહતનો શ્વાસ લીધો હતો કારણ કે, જો આ ઘટના નવરાત્રીના મુખ્ય દિવસો દરમિયાન રમઝટ બોલી રહી હોત ત્યારે બની હોત તો હજારો ખેલૈયાઓના જીવ જોખમમાં મુકાઈ શક્યા હોત. સુરક્ષા અને સલામતીને પ્રાથમિકતા આપતા આયોજકોએ હવે ખુલ્લા ગ્રાઉન્ડમાં મજબૂત સ્ટેજ અને વિશિષ્ટ લાઈટિંગ સાથે ખેલૈયાઓ માટે સુરક્ષિત વાતાવરણ ઊભું કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દીધી છે.
અમદાવાદના ગરબા મહોત્સવોમાં સુરક્ષાના નિયમો પર ઉઠ્યા સવાલો
અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં નવરાત્રી દરમિયાન કરોડો રૂપિયાના ખર્ચે આવા મોટા ડોમ અને મંડપો તૈયાર કરવામાં આવે છે પરંતુ, આ રીતે બે મહિનાની મહેનત બાદ અચાનક આખો ડોમ ધરાશાયી થવાની ઘટનાએ વહીવટી તંત્ર અને આયોજકોના સેફ્ટી ઓડિટ અને કન્સ્ટ્રક્શનની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. સ્થાનિક તંત્ર દ્વારા હવે શહેરના અન્ય મોટા ગરબા આયોજનોમાં પણ ડોમ અને ફિટનેસ સર્ટિફિકેટ ચકાસવાની કામગીરી સઘન બનાવવામાં આવી છે.








