Ahmedabad BJP Office: અમદાવાદના ખાનપુર વિસ્તારમાં આવેલા ભાજપ કાર્યાલય સહિત ગુજરાતના કેટલાક મહત્વપૂર્ણ સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેઇલ મળ્યાના અહેવાલ બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ છે. ધમકી મળતાં પોલીસ, ફાયર બ્રિગેડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમોએ સ્થળો પર તપાસ હાથ ધરી હોવાનું સામે આવ્યું છે.
સોમનાથ મંદિર સહિત અનેક સ્થળોનો ઉલ્લેખ
મળતી માહિતી મુજબ, ગુજરાત પ્રદેશ ભાજપ અને અમદાવાદ શહેરના ખાનપુર સ્થિત ભાજપ કાર્યાલય ઉપરાંત સોમનાથ મંદિર, કોબા કાર્યાલય અને ભાજપની સેન્ટ્રલ ઓફિસને નિશાન બનાવવાની ધમકી ઈમેઇલ દ્વારા આપવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ધમકી બાદ સુરક્ષાના ભાગરૂપે સંબંધિત સ્થળોએ પોલીસ બંદોબસ્ત વધારીને તપાસ હાથ ધરવામાં આવી છે.
બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડે તપાસ કરી
ધમકીભર્યો ઈમેઇલ મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ દ્વારા સાવચેતીના ભાગરૂપે સ્થળોની સઘન તપાસ કરવામાં આવી રહી છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી પરિસરની ચકાસણી કરવામાં આવી રહી છે. હાલ આ ધમકીની ગંભીરતા અને ઈમેઇલના સ્ત્રોત અંગે તપાસ ચાલી રહી છે.
અગાઉ પણ મળી ચૂકી છે આવી ધમકીઓ
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સરકારી કચેરીઓ, કોર્ટ અને શૈક્ષણિક સંસ્થાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈમેઇલ મળવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. સપ્ટેમ્બરમાં ગુજરાત પોલીસની તપાસમાં આવા ઈમેઇલના નેટવર્ક સાથે સંકળાયેલા બે આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી. પોલીસને 5,13,847 ઈમેઇલ આઈડી અને પાસવર્ડની યાદી મળી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. હાલમાં મળેલી નવી ધમકી બાદ પણ સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ વધુ સઘન બનાવવામાં આવી છે અને ઈમેઇલ ક્યાંથી મોકલાયો તથા તેની પાછળ કોણ છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.








