Gujarat Diwali Pollution: દિવાળી એટલે દીવડાઓ અને રોશનીનો તહેવાર પરંતુ, ખુશીઓ વહેંચવાના આ અવસરમાં મોટા પાયે ફોડવામાં આવતા ફટાકડાઓ આપણા શહેરની હવાને ગંભીર નુકસાન પહોંચાડે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીની રાત્રે અમદાવાદ, સુરત, રાજકોટ સહિત ગુજરાતનાં મોટાં શહેરોમાં હવાનું સ્તર ચિંતાજનક રીતે બગડ્યું છે. ફટાકડાનો ધુમાડો, વાહનોનો એક્ઝોસ્ટ અને બાંધકામની ધૂળ ભેગા થઈને વાતાવરણને 'દમઘોટૂ' બનાવી રહ્યા છે.
રાજકોટમાં AQI 1078 નોંધાયો, સુરત-અમદાવાદમાં પણ ખરાબ સ્થિતિ
દિવાળીની રાત્રે ભારે આતશબાજીના કારણે વાયુ પ્રદૂષણ ભયજનક સપાટીએ પહોંચી ગયું હતું. રાત્રિના 12 વાગ્યા આસપાસ રાજકોટનો એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 1078 નોંધાયો હતો, જે અત્યંત 'ગંભીર' અને જીવલેણ શ્રેણીમાં આવે છે. રાજકોટમાં ધુમાડા અને ધુમ્મસના કારણે 200 મીટર દૂરથી પણ કંઈ દેખાતું નહોતું. બીજી તરફ સુરતમાં AQI 759 અને અમદાવાદમાં 608 નોંધાયો હતો. અમદાવાદના રખિયાલ અને રાયખડ જેવા વિસ્તારોમાં તો રાત્રે 10 વાગ્યે જ AQI 200 થી 280 વચ્ચે પહોંચી ગયો હતો.
એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) શું છે?
AQI એ હવામાં રહેલા વિવિધ પ્રદૂષકો (PM 2.5, PM 10 વગેરે) ની માત્રા માપવાનો એક પ્રમાણભૂત માપદંડ છે. AQI 0 થી 500+ ની રેન્જમાં હોય છે. આંકડો જેટલો નીચો, હવા એટલી શુદ્ધ. AQI વધે તેનો અર્થ એ છે કે હવામાં ઝેરી તત્વો ભળ્યા છે. દરેક સ્તર માટે કલર કોડ પણ નક્કી કરાયા છે (જેમ કે સંતોષકારક માટે લીલો, ખરાબ માટે લાલ), જેથી સામાન્ય નાગરિકો હવાની શુદ્ધતા સરળતાથી સમજી શકે.
શિયાળામાં જ શા માટે પ્રદૂષણ વધે છે?
શિયાળાની ઋતુમાં દિવસ દરમિયાન જમીન, રસ્તાઓ અને ઈમારતો ગરમ થાય છે અને રાત્રે તે ગરમી બહાર ફેંકે છે. આ ગરમી જમીનથી થોડે ઉપર જઈને એક 'લોકેબલ લેયર' (પડ) બનાવી દે છે. શિયાળાની હવા ઠંડી અને ભારે હોવાથી તે ઉપર ઉઠી શકતી નથી. પરિણામે, ફટાકડા અને વાહનોનો ધુમાડો તથા ધૂળના કણો (Particulate Matter) આ નીચલા સ્તરમાં જ કેદ થઈ જાય છે, જેને વૈજ્ઞાનિક ભાષામાં 'ટેમ્પરેચર ઇન્વર્ઝન' કહેવાય છે. આ જ સ્મોગ (Smog) નું મુખ્ય કારણ બને છે.
પ્રદૂષણ માટે માત્ર ફટાકડા જવાબદાર નથી: પર્યાવરણવિદ્દ
પર્યાવરણવિદ્દ મહેશ પંડ્યા જણાવે છે કે, અમદાવાદ જેવા મેટ્રો શહેરોમાં ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી હવાની ગુણવત્તા બગડેલી જ રહે છે. દિવાળીના દિવસોમાં માત્ર ફટાકડાથી જ AQI વધતો નથી; રોજબરોજ દોડતા હજારો વાહનો, અવિરત ચાલતા બાંધકામો (Construction) અને રસ્તાની ઉડતી ધૂળ પણ એટલી જ જવાબદાર છે. વર્ષ 2021 માં અમદાવાદનો AQI 250 ની આસપાસ રહેતો હતો, જે 2025-26 આવતા સુધીમાં ઘણીવાર 350-400 સુધી પહોંચી જાય છે.
લંડનની જેમ સામૂહિક ઉજવણી અને સ્વાસ્થ્યની ચિંતા
ફટાકડાનો ઝેરી ધુમાડો અસ્થમાના દર્દીઓ, વૃદ્ધો અને નવજાત શિશુઓ માટે પ્રાણઘાતક સાબિત થઈ શકે છે. તેનાથી આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. મહેશ પંડ્યાએ લંડનના વેમ્બલીનું ઉદાહરણ આપતા સૂચન કર્યું કે, ત્યાં લોકો એક નક્કી કરેલી ખુલ્લી જગ્યાએ ભેગા થઈને સામૂહિક રીતે ફટાકડા ફોડે છે. ગુજરાતના શહેરોમાં પણ તંત્રની મંજૂરી અને ફાયર સેફ્ટી સાથે આવા સામૂહિક આયોજનો કરી શકાય, જેથી રહેણાંક વિસ્તારોમાં પ્રદૂષણ ઘટે. દિવાળી એ ખુશીઓ અને રોશનીનો તહેવાર છે, અન્યના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડવાનો નહીં.
GPCB અને નાગરિકોની સૈયારી જવાબદારી
વાયુ પ્રદૂષણને નાથવા માત્ર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) પર આધાર રાખવો પૂરતો નથી. મહાનગરપાલિકાઓએ રસ્તા પરની ધૂળ ઉડતી અટકાવવા સ્પ્રિંકલર (પાણીનો છંટકાવ) અને મિકેનિકલ સ્વીપરનો ઉપયોગ વધારવો જોઈએ. ટ્રાફિક પોલીસે જૂના અને વધુ ધુમાડો કાઢતા વાહનો સામે કડક ઝુંબેશ ચલાવવી જોઈએ. સાથે જ, નાગરિકોએ પણ પોતાની જવાબદારી સમજીને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો અને 'ગ્રીન ફટાકડા' (ઓછો ધુમાડો કાઢતા) નો આગ્રહ રાખવો જોઈએ, તો જ આવનારી પેઢી શુદ્ધ હવામાં શ્વાસ લઈ શકશે.








