Richie Rich Pan Parlour Owner Bhavik Gajjar Bopal Ahmedabad: ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલા સનાવડ ગામની સીમમાં કાંતમ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા ‘ફોક રાસ’ ગરબા દરમિયાન એક ભયાનક અને લોહિયાળ હુમલાની ઘટના સામે આવી છે. ગત 16 ઓક્ટોબરના રોજ રાત્રિના અઢી વાગ્યાના અરસામાં ગરબા પૂર્ણ થયા બાદ અમદાવાદના સોલા ખાતે રહેતા અને સ્ટોક માર્કેટના વ્યવસાય સાથે સંકળાયેલા 24 વર્ષીય તનીષ હરેશકુમાર પટેલ પોતાના મિત્રો સાથે બહાર આવ્યા હતા. મુખ્ય ગેટ બહાર કાળા રંગની નંબર પ્લેટ વગરની ગાડી યુ-ટર્ન લઈ રહી હોવાથી તનીષે રોડ ક્રોસ કરવા માટે હાથથી ઈશારો કરી ગાડી ઊભી રાખવા જણાવ્યું હતું. આ બાબતે ઉશ્કેરાઈને કારમાં બેઠેલા અમદાવાદના બોપલ સ્થિત જાણીતા 'રિચી રીચ' પાન પાર્લરના માલિક ભાવિક ગજ્જરે ગાડીમાંથી નીચે ઉતરીને તનીષ સાથે ગાળાગાળી શરૂ કરી દીધી હતી.
શરીર પર બચકાં ભર્યા અને કાનની બૂટ કાપી નાખી
તનીષ પટેલે સામાન્ય ઈશારો કર્યો હોવાનું જણાવતાં જ આરોપી ભાવિક ગજ્જરે ઉશ્કેરાઈને પોતાના ઝભ્ભાના ખિસ્સામાંથી લોખંડનો પંચ કાઢીને જાનથી મારી નાખવાના ઈરાદા સાથે તનીષ પર હુમલો કરી દીધો હતો. ભાવિકે તનીષની ડાબી આંખ નીચે ગાલ પર અને નાક પર લોખંડનો પંચ મારી દેતા ગંભીર ફ્રેક્ચર થયું હતું અને લોહી વહેવા લાગ્યું હતું. ત્યારબાદ આરોપીએ તનીષનું ગળું દબાવીને બરડાના ભાગે બે-ત્રણ જગ્યાએ દાંત વડે બચકાં ભર્યા હતા અને જમણા કાનની બૂટ પર એટલા જોરથી બચકું ભર્યું હતું કે કાનની બૂટ કપાઈ ગઈ હતી. તનીષના મિત્રો સિદ બ્રહ્મભટ્ટ, સ્પર્શ પટેલ અને નિર્મય શાહ દોડી આવતા ભાવિક ગજ્જર પોતાની કાળા રંગની મર્સીડીઝ કારમાં સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

સિમ્સ હોસ્પિટલમાં સારવાર અને સાંતેજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ
લોહીલુહાણ હાલતમાં તનીષ પટેલને તેની મિત્ર રાધવી ભટ્ટ દ્વારા એમ્બ્યુલન્સ મારફતે સોલા સ્થિત CIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તબીબી તપાસમાં નાકમાં ફ્રેક્ચર, આંખ નીચે ગંભીર સોજો અને કાનની બૂટ કપાઈ જવાથી કાયમી ખોડ પહોંચી હોવાનું નિદાન થયું હતું. ભોગ બનનાર તનીષ પટેલે જણાવ્યું કે સામાન્ય બાબતે થયેલી બોલાચાલીમાં ભાવિક ગજ્જરે પાકીટમાંથી પદાર્થ કાઢી હુમલો કર્યો હતો અને કાન કાપી નાખ્યો હતો. આંગણે ન્યાયની માંગ સાથે તનીષ પટેલની ફરિયાદના આધારે સાંતેજ પોલીસ સ્ટેશને ભાવિક ગજ્જર વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
ડંફાસ મારી પોતાની સફાઈ આપી
ઘટના બાદથી પોલીસ પકડથી દૂર ભાગતા મુખ્ય આરોપી ભાવિક ગજ્જરે પોતાનો બચાવ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. વીડિયોમાં આરોપી એવો દાવો કરતો નજરે પડે છે કે તેને "ગાંજો કે ડ્રગ્સ કેવું હોય તેની ખબર નથી" અને "પંચ કેવો હોય તે પણ જાણતો નથી." સાથે જ તેણે આક્ષેપ કર્યો છે કે સામેવાળા લોકો નશામાં હતા અને ચાર લોકોએ તેના પર હુમલો કર્યો હતો તથા સોશિયલ મીડિયામાં સંપૂર્ણ CCTV ફૂટેજ દર્શાવવામાં આવ્યા નથી.
2 વર્ષ જૂના હુમલાનો આરોપ
બીજી તરફ, ચાંદલોડિયાના ભાજપ કોર્પોરેટર નંદુભાઈ પટેલે ભાવિક ગજ્જર સામે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે બે વર્ષ પહેલાં પણ ભાવિક ગજ્જરે તેમના ભત્રીજાના માથામાં કડું મારીને ગંભીર ઈજા પહોંચાડી હતી અને તે સમયે પણ તે નશાની હાલતમાં જણાઈ આવતો હતો. નંદુભાઈ પટેલે માગ કરી છે કે આવા અસામાજિક તત્વોનો સમાજમાંથી બહિષ્કાર થવો જોઈએ અને તેની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. આ ઉપરાંત ભાવિક ગજ્જર ભાજપનો આમંત્રિત સભ્ય હોવાના દાવાઓને ફગાવતા તેમણે સ્પષ્ટ કર્યું કે ભાજપ આવા તત્વોને ક્યારેય પાર્ટીમાં સ્થાન આપતું નથી અને ભાવિક ખોટી અફવાઓ ફેલાવે છે.
વર્ષ 2019માં પણ મહિલા પોલીસકર્મી સાથે કરી હતી ઉદ્ધતાઈ
ભાવિક ગજ્જરનો ગુનાહિત ઈતિહાસ તપાસતા સામે આવ્યું છે કે, વર્ષ 2019માં પણ તેણે દાદાગીરી કરી હતી. ચાંદખેડા-ઝુંડાલ સર્કલ પાસે ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન હેલ્મેટ વગર સ્કૂટર ચલાવતી પોતાની બહેનને દંડવા રોકવામાં આવતા પાછળ કારમાં આવેલા ભાવિક ગજ્જરે મહિલા પોલીસકર્મી સાથે ઉદ્ધતાઈપૂર્વક બબાલ કરી હતી. તે વખતે પોલીસકર્મીનો વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપવાનો આક્ષેપ પણ તેના પર થયો હતો.
વધારાની માહિતી:
તીક્ષ્ણ શસ્ત્ર અને કાયમી વિકલાંગતા માટે કલમો: તનીષ પટેલના કાનની બૂટ કાપી નાખવા અને નાકમાં ફ્રેક્ચર કરવાના મામલે સાંતેજ પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની ગંભીર ઈજા પહોંચાડવા, સ્વેચ્છાએ શસ્ત્ર કે સાધનથી હુમલો કરવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ગુનો નોંધ્યો છે.
ફરાર આરોપી સામે પોલીસ સર્ચ ઓપરેશન: કાળા રંગની મર્સીડીઝ ગાડી સાથે ફરાર થયેલા ભાવિક ગજ્જરને પકડવા માટે ગાંધનગર અને અમદાવાદ પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા સીસીટીવી ફુટેજ મેળવીને સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.








