Narmada Ashram School Incident: નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના મોસ્કુટ ગામની મહાત્મા ગાંધી આશ્રમશાળામાં એક પછી એક આશરે 11 બાળકો અચાનક ધ્રુજવા અને ધુણવા લાગતાં ખળભળાટ મચી ગયો હતો. ઘટના 9 સપ્ટેમ્બરની હોવાનું સામે આવ્યું છે, જ્યારે તેનો વીડિયો હવે સામે આવ્યો છે. શરૂઆતમાં ફૂડ પોઈઝનિંગની આશંકાએ બાળકોને હોસ્પિટલ લઈ જવાયા હતા, જોકે તબીબી તપાસમાં ઝાડા, ઉલટી કે પેટમાં દુખાવા જેવા લક્ષણો જોવા મળ્યા નહોતા.
18 સેકન્ડના વીડિયોમાં બાળકોની વિચિત્ર મૂવમેન્ટ
સામે આવેલા 18 સેકન્ડના વીડિયોમાં એક બાળકને જમીન પર સુવડાવવામાં આવ્યો છે અને તેનું માથું એક વિદ્યાર્થિનીના ખોળામાં રાખવામાં આવ્યું છે. તેની આસપાસ અન્ય વિદ્યાર્થિનીઓ બેઠી છે અને કેટલાકે તેના હાથ પકડી રાખ્યા છે. તેમ છતાં બાળક માથું ઉપર-નીચે કરતો અને વિચિત્ર પ્રકારની મૂવમેન્ટ કરતો જોવા મળે છે. વીડિયોમાં અન્ય એક વિદ્યાર્થીને પણ કેટલાક વિદ્યાર્થીઓએ પકડી રાખ્યો હોવાનું જોવા મળે છે. એક વિદ્યાર્થિનીને બે વિદ્યાર્થીઓએ પકડી રાખી હતી, જ્યારે કેટલીક વિદ્યાર્થિનીઓ જમીન પર સુવડાવેલી જોવા મળે છે. સમગ્ર ઘટનામાં બાળકોમાં એકસરખા પ્રકારની શારીરિક મૂવમેન્ટ જોવા મળી રહી છે.
ફૂડ પોઈઝનિંગની આશંકાએ હોસ્પિટલ ખસેડાયા
બાળકોની સ્થિતિ જોઈ આશ્રમશાળાના મુખ્ય શિક્ષકને શરૂઆતમાં ફૂડ પોઈઝનિંગની આશંકા થઈ હતી. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી અને બાળકોને પહેલા દેડિયાપાડાની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ત્યારબાદ વધુ તબીબી દેખરેખ માટે તેમને રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તબીબી તપાસ દરમિયાન કોઈ બાળકને ઝાડા, ઉલટી કે પેટમાં દુખાવાની ફરિયાદ ન હોવાનું સામે આવ્યું હતું. ઓબ્ઝર્વેશનમાં રાખ્યા બાદ બીજા દિવસે બાળકોને રજા આપવામાં આવી હતી. હાલ તમામ 11 બાળકો સ્વસ્થ હોવાનું જણાવાયું છે.
આરોગ્ય અધિકારીએ કહ્યું- વળગાડ કે બીમારી નથી
નર્મદા જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે બાળકોમાં એકબીજાને જોઈને સમાન વર્તનની નકલ કરવાની સ્થિતિ જોવા મળી હતી. તેમણે સ્પષ્ટતા કરી કે આ કોઈ અભિશાપ, શાપ, વળગાડ કે ભૂત-પ્રેતની બાબત નથી. તેમના જણાવ્યા મુજબ બાળકો માનસિક કે શારીરિક બીમારીથી પીડિત નથી અને તેઓ સામાન્ય તથા નિર્દોષ બાળકો છે. સ્થાનિક અહેવાલોમાં પણ બાળકો એકબીજાને જોઈને ધુણતા હોવાની વાત સામે આવી છે અને ફૂડ પોઈઝનિંગની શક્યતા તબીબી તપાસમાં નકારી કાઢવામાં આવી હોવાનું જણાવાયું છે.
'એક બાળક ધૂણે એટલે બે-ત્રણ બીજા પણ ધૂણવા લાગતા'
નર્મદા જિલ્લાના સિંચાઈ સમિતિના પૂર્વ ચેરમેન ફતેસિંગ વસાવાના જણાવ્યા મુજબ, તેમને ઘટનાની જાણ થતાં તેઓ આશ્રમશાળાએ પહોંચ્યા હતા. તેમના કહેવા પ્રમાણે એક બાળક વધુ ધુણતું હોય ત્યારે તેની સાથે બે-ત્રણ અન્ય બાળકો પણ ધુણવા લાગતા હતા. કન્યાઓના રહેણાંક વિસ્તારમાં પણ પાંચ-છ વિદ્યાર્થિનીઓમાં આવી જ સ્થિતિ જોવા મળી હતી. તેમણે એમ પણ જણાવ્યું કે ઘટનાસ્થળે કેટલાક લોકો દ્વારા પરંપરાગત માન્યતા મુજબ અગરબત્તી કરવામાં આવી હતી, પરંતુ બાળકોની સ્થિતિ અંગે તબીબી તપાસ કરાવવી જરૂરી હતી.
શિક્ષકોએ બાળકોને સંભાળ્યા, ફૂડ પોઈઝનિંગની વાતને અફવા ગણાવી
આશ્રમશાળાના શિક્ષક કલ્પનાબેન વસાવાના જણાવ્યા મુજબ, એક વિદ્યાર્થિની પાણી પીવા ગયા બાદ ધીમે ધીમે ચાલીને પરત આવી અને અચાનક ધ્રુજવા લાગી હતી. ત્યારબાદ તેને રૂમમાં લઈ જઈ પગની માલિશ કરવામાં આવી હતી. એક ધોરણ-8નો વિદ્યાર્થી પણ આવી સ્થિતિમાં આવ્યો હતો, જેને અલગ રૂમમાં સુવડાવી પાણી અને સરબત આપવામાં આવ્યું હતું. તેમના જણાવ્યા મુજબ ગામમાં મરણ પ્રસંગ હોવાથી ત્યાં અવાજ પણ વધુ હતો અને ઘટનાની જાણ થતાં ગ્રામજનો તથા વાલીઓના સંબંધીઓ સ્થળ પર પહોંચ્યા હતા. બાળકોને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ જવાયા હતા. મેડિકલ ઓફિસર અને ડોક્ટરો દ્વારા તપાસ કરવામાં આવ્યા બાદ તમામ બાળકોના રિપોર્ટ સામાન્ય હોવાનું જણાવાયું હતું. શિક્ષકે ફૂડ પોઈઝનિંગની વાતને અફવા ગણાવી હતી.
મનોચિકિત્સકે પણ બાળકોની તપાસ કરી
શિક્ષકના જણાવ્યા મુજબ, ત્યારબાદ મનોચિકિત્સક દ્વારા પણ બાળકો સાથે વાતચીત કરવામાં આવી હતી અને બાળકોના જવાબ સંતોષકારક હોવાનું જણાવાયું હતું. આશ્રમશાળાના જણાવ્યા મુજબ તમામ 11 બાળકો હવે નિયમિત અભ્યાસ કરી રહ્યા છે અને તેમની સ્થિતિ સામાન્ય છે. આ ઘટનાને લઈને શિક્ષકો વચ્ચેના આંતરિક મતભેદ અંગે પણ ફતેસિંગ વસાવાએ આક્ષેપો કર્યા હતા અને બાળકોના હિતમાં શાળાના સ્ટાફ વચ્ચે સંકલન રહેવું જરૂરી હોવાનું જણાવ્યું હતું.








