Gujarat Dam Water Levels 2026: ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન થયેલા સારા વરસાદના કારણે રાજ્યના જળાશયો અને ડેમોમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. સતત મેઘમહેરના પગલે રાજ્યના જળસ્તરમાં વધારો નોંધાતા પાણીની સ્થિતિમાં સુધારો થયો છે.
રાજ્યના ડેમોમાં સરેરાશ જળસ્તર 69.96 ટકા
રાજ્યના 206 જળાશયોમાં હાલ સરેરાશ જળસ્તર 69.96 ટકા સુધી પહોંચી ગયું છે. આ ઉપરાંત, 43 જળાશયોમાં જળસ્તર 90 ટકાથી વધુ થઈ ગયું છે, જેના કારણે તેમને હાઈ એલર્ટ હેઠળ રાખવામાં આવ્યા છે. બીજી તરફ, રાજ્યના 28 જળાશયો સંપૂર્ણપણે છલોછલ ભરાઈ ગયા છે.
39 જળાશયોમાં 70થી 100 ટકા પાણી
રાજ્યના 39 જળાશયોમાં જળસ્તર 70થી 100 ટકા વચ્ચે છે, જ્યારે 25 જળાશયોમાં 50થી 70 ટકા અને 41 જળાશયોમાં 25થી 50 ટકા વચ્ચે પાણીનો સંગ્રહ નોંધાયો છે. જોકે, હજુ પણ 73 જળાશયોમાં જળસ્તર 25 ટકાથી નીચે છે. જિલ્લાવાર સ્થિતિની વાત કરીએ તો ભાવનગરના 5, અમરેલીના 4, જ્યારે બોટાદ, દાહોદ, નર્મદા, નવસારી અને રાજકોટના 2-2 જળાશયો છલોછલ ભરાયા છે. આ ઉપરાંત કચ્છ, મહીસાગર, અરવલ્લી, સુરત, સુરેન્દ્રનગર અને તાપીના 1-1 જળાશયમાં પણ 100 ટકા જળસંગ્રહ નોંધાયો છે.
સરદાર સરોવરમાં પણ એક સપ્તાહમાં મોટો વધારો
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ 75.65 ટકા જળસ્તર નોંધાયું છે. એક સપ્તાહ અગાઉ એટલે કે 11 સપ્ટેમ્બરે સરદાર સરોવરનું જળસ્તર 63.23 ટકા હતું. આમ, એક સપ્તાહમાં તેમાં નોંધપાત્ર વધારો થયો છે. તે જ રીતે 11 સપ્ટેમ્બરે રાજ્યના 206 જળાશયોમાં સરેરાશ જળસ્તર 65.29 ટકા હતું, જે હવે વધીને 69.96 ટકા થયું છે. સતત વરસાદને કારણે એક જ સપ્તાહમાં રાજ્યના જળાશયોની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે.








