Ahmedabad Navratri Women Safety: નવરાત્રિના ગરબા મહોત્સવ દરમિયાન મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અમદાવાદ પોલીસની ‘શી ટીમ’ સક્રિય બની છે. મહિલા ક્રાઈમ બ્રાન્ચની પોલીસ ટીમે અનોખી રીતે સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. મહિલા ક્રાઈમના PI અને તેમની ટીમે સરખેજના AC ડોમમાં ટ્રેડિશનલ કપડાં પહેરીને ગરબામાં હાજરી આપી હતી. ટીમે ગરબા સ્થળે ફરીને સુરક્ષા વ્યવસ્થા તપાસી હતી અને CCTV કેમેરાનું નિરીક્ષણ કરીને મહિલાઓની છેડતી કરનારા તથા શંકાસ્પદ પ્રવૃત્તિઓ કરતા લોકો પર નજર રાખી હતી.
ગરબા સ્થળે ફરીને સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ
અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા AC ડોમમાં આયોજિત ગરબા દરમિયાન મહિલા ક્રાઈમ બ્રાન્ચની ટીમે સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી હતી. ટીમે શરૂઆતમાં લગભગ એક કલાક સુધી સમગ્ર ડોમ વિસ્તારમાં ફરીને નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ સર્વેલન્સ રૂમમાં જઈને એક પછી એક CCTV કેમેરા અને સુરક્ષા બંદોબસ્તની તપાસ કરી હતી. આ કામગીરીનો હેતુ ગરબા સ્થળે મહિલાઓને સુરક્ષિત વાતાવરણ મળી રહે અને કોઈ અયોગ્ય પ્રવૃત્તિ થાય તો સમયસર કાર્યવાહી કરી શકાય તે હતો.
ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબા રમીને રાખી નજર
CCTV કેમેરાની તપાસ કર્યા બાદ મહિલા ક્રાઈમના PI પોતાની ટીમ સાથે ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ઘૂમ્યા હતા. ગરબામાં સામાન્ય લોકોની જેમ હાજર રહીને ટીમે આસપાસની પ્રવૃત્તિઓ પર નજર રાખી હતી. ખાસ કરીને મહિલાઓની છેડતી કરતા, રોમિયોગીરી કરતા અથવા ખાનગી વીડિયો ઉતારતા લોકો પર વોચ રાખવામાં આવી હતી. આ દરમિયાન એક યુવક વીડિયો ઉતારતો જોવા મળતાં તેનો મોબાઈલ સ્થળ પર જ તપાસવામાં આવ્યો હતો. તપાસમાં તે પોતાના જ ગ્રુપનો વીડિયો ઉતારતો હોવાનું સામે આવ્યું હતું.
પશ્ચિમ અમદાવાદમાં 8 શી ટીમો તહેનાત
નવરાત્રિ દરમિયાન અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં એસ.જી. હાઈવેથી એસ.પી. રિંગ રોડ સુધી અનેક સ્થળોએ મોટા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. પાર્ટી પ્લોટ, AC ડોમ, ક્લબ અને શેરી ગરબામાં સુરક્ષા તપાસ માટે આશરે 8 શી ટીમો તહેનાત કરવામાં આવી હતી. મહિલા ક્રાઈમના PI સહિતની ટીમોએ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબા સ્થળોએ હાજરી આપીને સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. આ રીતે સામાન્ય લોકોની વચ્ચે રહીને શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી રહી છે.
રાત્રે 8 વાગ્યાથી ગરબા પૂર્ણ થાય ત્યાં સુધી વોચ
પોલીસના જણાવ્યા અનુસાર, નવરાત્રિના તમામ દિવસો દરમિયાન અલગ-અલગ શી ટીમો રાત્રે 8 વાગ્યાથી ગરબા પૂર્ણ થાય ત્યાં સુધી વિવિધ સ્થળોએ ફરજ બજાવશે. ફિલ્ડમાં હાજર રહીને ટીમો એ બાબતનું ધ્યાન રાખશે કે કોઈ વ્યક્તિ રોમિયોગીરી કરતો જોવા મળે અથવા કોઈ મહિલાને મદદની જરૂર પડે તો તાત્કાલિક યોગ્ય કાર્યવાહી થઈ શકે. આ પહેલનો હેતુ ગરબા મહોત્સવ દરમિયાન મહિલાઓની સુરક્ષા વધારવાનો અને તેમને નિર્ભય બનીને ઉત્સવમાં ભાગ લેવા માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડવાનો છે.








