Rajkot Talwar Raas Ranjit Vilas Palace Navratri 2026: રંગાતિલા નગરી રાજકોટના પેલેસ રોડ પર આવેલા રાજવી માંધાતાસિંહજીના ઐતિહાસિક રણજિત વિલાસ પેલેસ ખાતે આસો નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે ક્ષત્રિય સમાજની દીકરીઓ અને મહિલાઓ દ્વારા અભૂતપૂર્વ ઉત્સાહ અને ખમીર સાથે તલવાર રાસ રજૂ કરવામાં આવ્યો હતો. આધુનિક ડીજે કે અર્વાચીન ગરબાના ગોંઘાટથી દૂર રહીને પ્રાચીન વિરાસતને જીવંત રાખતા બહેનોએ હાથમાં ધારદાર ખુલ્લી તલવારો ધારણ કરી હતી. બાઇક અને ખુલ્લી જીપ પર સવાર થઈને ક્ષત્રિયાણીઓએ વીરાંગનાઓની યાદ અપાવતા સાહસિક કરતબો રજૂ કરીને ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

વર્ષ 2006થી ચાલી આવતી પરંપરા
રણજિત વિલાસ પેલેસ ખાતે વર્ષ 2006થી દર વર્ષે નવરાત્રિના પાવન પર્વે તલવાર રાસનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ બીજા અને ત્રીજા નોરતે એમ બે દિવસ ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમનું સુંદર આયોજન કરાયું હતું. જેમાં એકસાથે 200 જેટલી ક્ષત્રિય સમાજની બહેનોએ પરંપરાગત રાજપૂતી પોશાકમાં સજ્જ થઈને ભાગ લીધો હતો. ખુલ્લી જીપ અને ચાલતી બાઇક પર ઊભા રહીને તલવારબાજી કરતા બહેનોને જોઈને પ્રેક્ષકોને પ્રાચીન કાળની ઘોડેશ્વાર વીરાંગનાઓની યાદ તાજી થઈ ગઈ હતી. તલવાર રાસ ઉપરાંત બહેનોએ દીવડા રાસ, થાળી રાસ અને ટીપ્પણી રાસની રમઝટ બોલાવી હતી.

મહારાણી કાદંબરીદેવીએ આપ્યો સંસ્કૃતિના જતનનો સંદેશ
રાજકોટના મહારાણી કાદંબરીદેવીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, "બ્રહ્મચારિણી ભગવતી દેવીની આરાધના સાથે આ કાર્યક્રમની શરૂઆત થઈ રહી છે. આ સમગ્ર આયોજન ભગિની સેવા ફાઉન્ડેશન (BSF)ની ક્ષત્રિય બહેનો દ્વારા જ કરવામાં આવ્યું છે. વ્યવસ્થાથી લઈને વિશિષ્ટ સ્ટંટ કરવા સુધીની દરેક કામગીરી પાછળ બહેનોની એક મહિનાની કઠિન મહેનત અને તાલીમ રહેલી છે." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે અર્વાચીન ગરબા સમયની સાથે થઈ રહ્યા છે તે સારી બાબત છે, પરંતુ પોતાની પુરાતન સંસ્કૃતિ અને મર્યાદાને જાળવી રાખવા માટે કેટલાક દિવસો સાચા સાંસ્કૃતિક વારસાને સમર્પિત કરવા જોઈએ જેથી આવનારી પેઢીને આપણી ઉજ્જવળ સંસ્કૃતિની જાણકારી મળે.

એક મહિનાની આકરી તાલીમ અને સાહસિક કરતબો
કાર્યક્રમમાં ભાગ લેનાર દેવ્યાનીબા ઝાલાએ પોતાના અનુભવો શેર કરતા જણાવ્યું હતું કે, "પેલેસની અંદર આયોજિત આ રાસમાં ભાગ લઈને અમને ગર્વની અનુભૂતિ થાય છે. પ્રોપ રાસ, દીવા રાસ અને ચાલતી કાર તથા બાઇક પર સ્ટંટ કરવા માટે અમારા લીડર્સ દ્વારા સતત એક મહિના સુધી સઘન તાલીમ આપવામાં આવી હતી." તેમણે ઉમેર્યું કે વર્તમાન સમયમાં જ્યારે પ્રાચીન વારસો વિસરાઈ રહ્યો છે ત્યારે ભગિની સેવા ફાઉન્ડેશનનું આ આયોજન સમાજ માટે પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલા રહેવાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે.

15 વર્ષથી કાર્યરત ભગિની સેવા ફાઉન્ડેશનનું વિશેષ પ્રદાન
છેલ્લા 15 વર્ષથી હેરિટેજ વોક, સાફા બાંધવાની તાલીમ, પર્યાવરણ જાગૃતિ અને દેશના સીમાડા સાચવતા સૈનિકોને ઇકો-ફ્રેન્ડલી રાખડીઓ મોકલવા જેવી સામાજિક-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરતી 'ભગિની સેવા ફાઉન્ડેશન' દ્વારા આ ખાસ શિબિરનું આયોજન કરાયું હતું. નોંધનીય છે કે, અગાઉના વર્ષોમાં પણ ક્ષત્રિય સમાજની હજારો બહેનોએ એકસાથે તલવાર રાસ રમીને વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો હતો, જે આજે પણ સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય નારી શક્તિના સાહસ અને સ્વરક્ષણના પ્રતીક તરીકે ઓળખાય છે.








