Bhavnagar Hooch Tragedy: SMC Action After 13 Deaths: ભાવનગરમાં સર્જાયેલા દર્દનાક અને કાળજું કંપાવી દેનારા લઠ્ઠાકાંડના ઘેરા પ્રત્યાઘાતો હજુ શમ્યા નથી. ઝેરી મિથેનોલયુક્ત કેમિકલ પીવાના કારણે 13 જેટલા નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા, જ્યારે 71 થી વધુ લોકો હોસ્પિટલના ખાટલે ધકેલાયા હતા. આ માનવસર્જિત હોનારત બાદ સ્થાનિક પોલીસની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા હતા. સમગ્ર ઘટનાની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ને સોંપવામાં આવતાં જ તપાસ ટીમે આક્રમક વલણ અપનાવીને અત્યાર સુધીમાં મુખ્ય સપ્લાયર સહિત 38 જેટલા ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
ખાખી અને બુટલેગરોની નાપાક મિલીભગતનો પર્દાફાશ
આ આખી સિન્ડિકેટ માત્ર બુટલેગરોના દમ પર નહીં, પરંતુ કાયદાના રક્ષકોની છૂપી મદદથી ચાલતી હોવાનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. SMCના આઈજીપી ગગનદીપ ગંભીરના માર્ગદર્શન હેઠળ જ્યારે લઠ્ઠાકાંડના મુખ્ય સૂત્રધાર અને બુટલેગર ગૌતમ સોલંકીના ફોન કોલ ડિટેલ્સ (CDR)નું ઊંડાણપૂર્વક એનાલિસિસ કરવામાં આવ્યું, ત્યારે પોલીસ બેડાની કાળી બાજુ સામે આવી હતી. ભાવનગર ગ્રામ્ય ડિવિઝનના એએસપી ઘનશ્યામ ગૌતમની ઓફિસ હેઠળના નાસતા-ફરાતા સ્ક્વોર્ડમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહિલ અને બુટલેગર વચ્ચે વારંવાર ટેલિફોનિક સંપર્ક થયો હોવાના મજબૂત પુરાવા મળી આવ્યા હતા.
કોન્સ્ટેબલ રાજદીપસિંહની ધરપકડ, બદલીનો ખેલ પણ નિષ્ફળ રહ્યો
બુટલેગર સાથેની સાઠગાંઠના પૂરતા પુરાવા મળતાં જ SMCની ટીમે મોડી રાત્રે સપાટો બોલાવીને કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલની અટકાયત કરી લીધી હતી. લઠ્ઠાકાંડ સર્જાયા બાદ શંકાના ઘેરામાં આવેલા આ કોન્સ્ટેબલની તાત્કાલિક અસરથી વેળાવદર સનેશ પોલીસ સ્ટેશનમાં બદલી કરી દેવામાં આવી હતી, પરંતુ SMCની તીક્ષ્ણ તપાસ આગળ બદલીનો આ ખેલ પણ નિષ્ફળ સાબિત થયો હતો. SMC દ્વારા આકરી પૂછપરછ બાદ આરોપી પોલીસકર્મી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અદાલતે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા, પોલીસ બેડામાં ફફડાટ
ધરપકડ કરાયેલા કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહિલને SMC દ્વારા ભાવનગર કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. કેસની ગંભીરતા અને રજૂ કરાયેલા મજબૂત પુરાવાઓને ધ્યાને રાખીને અદાલતે આરોપી કોન્સ્ટેબલના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ કાર્યવાહીથી ભાવનગર પોલીસ બેડામાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. SMC દ્વારા અત્યાર સુધીમાં 100થી વધુ પોલીસ કર્મચારીઓ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓના નિવેદનો પણ નોંધવામાં આવ્યા છે, જેનાથી આગામી દિવસોમાં વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.








