Vitamin D deficiency symptoms: વિટામિન Dની કમી શરીરને ધીમે-ધીમે કમજોરી તરફ લઈ જાય છે. હાડકાંમાં દુખાવો, નબળી ઈમ્યુનિટી અને મૂડ ખરાબ રહેવો તેના સામાન્ય સંકેતો છે, જેને લોકો ઘણીવાર અવગણે છે. જાણો વિટામિન Dની ઉણપના લક્ષણો અને તેને સમયસર ઓળખવાની સાચી રીત.
સનશાઇન વિટામિન
વિટામિન Dને ઘણીવાર 'સનશાઇન વિટામિન' કહેવાય છે કારણ કે આ વિટામિન તડકામાંથી મળે છે. તડકાથી મફતમાં મળતું આ વિટામિન આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. વિટામિન D હાડકાં મજબૂત રાખવામાં, મસલ્સને યોગ્ય રીતે કામ કરવામાં, ઈમ્યુનિટી વધારવામાં અને માનસિક સંતુલન જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પરંતુ જ્યારે શરીરમાં વિટામિન Dની કમી થવા લાગે છે, ત્યારે શરીર આપણને અનેક પ્રકારના સંકેતો આપવા લાગે છે.
વિટામિનની કમીના લક્ષણોને યોગ્ય સમયે ઓળખવું ખૂબ જ જરૂરી
આ સંકેતો ઘણીવાર એટલા હળવા હોય છે કે આપણે તેને અવગણી દઈએ છીએ, પરંતુ સમય જતાં આ સમસ્યા ગંભીર બની શકે છે. હેલ્થ એક્સપર્ટ્સ અનુસાર, વિટામિન Dની કમી કેટલાક શારીરિક લક્ષણો દ્વારા સામે આવે છે. જોકે, તેને યોગ્ય સમયે ઓળખવું ખૂબ જ જરૂરી છે. જો આ શરૂઆતના સંકેતોને સમયસર ઓળખી લેવામાં આવે, તો યોગ્ય આહાર, તડકો અને જરૂર પડે ત્યારે ડૉક્ટરની સલાહથી આ ઉણપને સહેલાઈથી દૂર કરી શકાય છે. તેથી શરીરના આ ઇશારાઓને સમજવા અને તેને હળવાશથી ન લેવા ખૂબ જ જરૂરી છે.
હાડકાંની મજબૂતી ઘટવા લાગે છે:
લાંબા સમય સુધી વિટામિન Dની કમી રહે તો બોન ડેન્સિટી ઘટવા લાગે છે. પરિણામે હાડકાં નબળા બની જાય છે. ઉંમર વધતાં આ સમસ્યા ઓસ્ટિઓપોરોસિસનું સ્વરૂપ પણ લઈ શકે છે, જેના કારણે ચાલવામાં-ફરવામાં મુશ્કેલી પડી શકે છે.
હાડકાં અને સાંધામાં દુખાવો:
જો કોઈ ખાસ કારણ વગર હાડકાંમાં દુખાવો રહેતો હોય અથવા શરીર વારંવાર જકડાય જાય અને દુખાવો અનુભવાતો હોય, તો તે વિટામિન Dની ઉણપનો સંકેત હોઈ શકે છે. કારણ કે વિટામિન D ઓછું હોય ત્યારે શરીર કેલ્શિયમને યોગ્ય રીતે શોષી શકતું નથી.
મૂડ ખરાબ રહેવો અને માથું ભારે લાગવું
વિટામિન D માત્ર શરીર માટે જ નહીં, પરંતુ મગજ માટે પણ જરૂરી છે. તેની કમીથી ચિડચિડાપણું, ઉદાસીનતા, થાક, ધ્યાન ન લાગવું અને બ્રેઈન ફોગ જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ બધું ત્યારે પણ થઈ શકે છે જ્યારે તમે પૂરતી ઊંઘ લેતા હો.
વારંવાર બીમાર પડવું:
જો તમને વારંવાર શરદી, ઉધરસ અથવા કોઈ ઇન્ફેક્શન થતું રહે છે, તો તેના પાછળ વિટામિન Dની કમી હોઈ શકે છે. વિટામિન D ઈમ્યુનિટી મજબૂત બનાવે છે. તેની ઉણપથી શરીર બીમારીઓ સામે લડવામાં નબળું પડી જાય છે.
મસલ્સમાં નબળાઈ અથવા આંચકો:
વિટામિન Dની કમીથી મસલ્સમાં નબળાઈ, ખેંચાણ અથવા અચાનક આંચકો આવી શકે છે. ઘણી વખત થોડું કામ કરવાથી પણ થાક લાગે છે અથવા સીડીઓ ચઢવી મુશ્કેલ લાગે છે.
ત્વચા અને વાળ સંબંધિત સમસ્યાઓ:
વિટામિન D ત્વચાની રિપેર પ્રક્રિયા અને વાળની તંદુરસ્તી માટે પણ જરૂરી છે. તેની કમીથી ઘા મોડા ભરાય છે, ત્વચા સુકી રહેવા લાગે છે અને વાળ વધુ ખરવા લાગે છે.
ડૉક્ટરની સલાહ લેવી જરૂરી
વિટામિન Dની ઉણપ ધીમે-ધીમે વધે છે, પરંતુ તેના લક્ષણો શરીર પહેલેથી જ બતાવવા લાગે છે. જો તમને ઉપર જણાવેલા સંકેતો વારંવાર અનુભવાય છે, તો વિટામિન Dની તપાસ કરાવવી અને ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. યોગ્ય સમયે ધ્યાન આપવાથી સ્વાસ્થ્યને વધુ સારું રાખી શકાય છે.








