Turmeric milk benefits: શિયાળાની ઋતુ શરૂ થતા જ આપણા ઘરોમાં દાદી-નાનીના નુસખા યાદ આવવા લાગે છે અને તેમાં સૌથી પહેલું નામ આવે છે, હળદરવાળું દૂધ. વિદેશોમાં તેને આજે ભલે 'ગોલ્ડન મિલ્ક' કહેવાય, પરંતુ ભારતમાં તે સદીઓથી સ્વાસ્થ્યનો ખજાનો માનવામાં આવે છે. ઘણા લોકો સ્વાદને કારણે હળદરવાળું દૂધ પીવાથી દૂર રહે છે, પરંતુ જો તમે તેના અદભૂત ફાયદાઓ જાણી લેશો, તો આજ રાતથી જ તેને પીવાનું શરૂ કરી દેશો. જાણી લો કે, એક ચપટી હળદર તમારી તંદુરસ્તી કઈ રીતે બદલી શકે છે?
સાંધાના દુખાવાનો રામબાણ ઈલાજ
શિયાળામાં ઘણીવાર જૂના દુખાવા ફરી ઊભા થાય છે, ખાસ કરીને ઘૂંટણ અને સાંધાનો દુખાવો વધી જાય છે. હળદરમાં કુદરતી રીતે 'એન્ટી-ઇન્ફ્લેમેટરી' ગુણ હોય છે, એટલે કે તે શરીરના સોજા અને દુખાવો ઘટાડવામાં મદદ કરે છે. દરરોજ રાત્રે ગરમ દૂધમાં હળદર ઉમેરીને પીવાથી તે એક કુદરતી પેઇનકિલર જેવું કામ કરે છે અને હાડકાંને મજબૂત બનાવે છે.
ખાંસી-શરદીને અલવિદા
ઋતુ બદલાતાં ઇમ્યુનિટી નબળી પડી જાય છે, જેના કારણે ખાંસી-શરદી ઝડપથી લાગી જાય છે. હળદરવાળું દૂધ શરીરમાં ગરમાહટ પેદા કરે છે અને કફ બહાર કાઢવામાં મદદ કરે છે. તેમાં રહેલા એન્ટી-બેક્ટેરિયલ ગુણ ગળાની ખંજવાળ અને છાતીની જકડણમાંથી તરત રાહત આપે છે. આ દૂધ તમને અંદરથી એટલા મજબૂત બનાવે છે કે નાની-મોટી બીમારીઓ નજીક પણ નથી આવતી.
ઊંઘની ગોળી કરતાં પણ સારો ઉપાય
શું તમને રાત્રે ઊંઘ નથી આવતી અને તમે આખી રાત પડખાં ફેરવતા રહો છો? તો દવાઓ લેવાને બદલે આજ રાત્રે હળદરવાળું દૂધ પીને જુઓ. દૂધમાં રહેલું ટ્રિપ્ટોફેન અને હળદરમાં આવેલા તત્વો મનને શાંત કરે છે અને તણાવ ઘટાડે છે. તેને પીધા પછી થોડા જ સમયમાં તમને સુખદ ઊંઘ આવી જશે.
ચહેરા પર આવશે કુદરતી તેજ
મોંઘી ક્રીમ લગાવવાને બદલે તમારા શરીરને અંદરથી સાફ કરો. હળદર એક ઉત્તમ 'બ્લડ પ્યુરિફાયર' છે. તે લોહીમાંથી ઝેરી તત્વોને બહાર કાઢે છે, જેના કારણે ખીલ ઘટે છે. નિયમિત સેવનથી ત્વચામાં એક અલગ જ તેજ આવે છે, જે કોઈ પણ મેકઅપ કરતાં વધારે સુંદરતા આપે છે.
પેટ રહેશે ફિટ, તો તમે રહેશો હિટ
શિયાળામાં આપણે ઘણીવાર તળેલું ખાઈ લઈએ છીએ, જેના કારણે પાચન બગડી જાય છે. હળદરવાળું દૂધ પાચનતંત્રને સુધારવામાં મદદ કરે છે. તે પેટમાં ગેસ અને અપચા જેવી સમસ્યાઓથી બચાવે છે. એટલું જ નહીં, તે શરીરના મેટાબોલિઝમને પણ વધારે છે, જેથી શિયાળામાં વજન વધવાનો ડર પણ ઓછો થાય છે. સ્વસ્થ રહેવા માટે વધારે કઈ કરવાનું નથી, બસ રાત્રે સુતા પહેલાં એક ગ્લાસ હૂંફાળા દૂધમાં એક ચપટી હળદર મિક્સ કરીને પી લો. આ નાની આદત તમને શિયાળામાં બીમારીઓ અને દુખાવાથી દૂર રાખશે.








