Pomegranate health risks: દાડમને સામાન્ય રીતે સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયક માનવામાં આવે છે, પરંતુ કેટલાક લોકો માટે તેનું સેવન નુકસાનકારક પણ થઈ શકે છે. જો તમે દવાઓ લો છો, તમારું બ્લડ પ્રેશર ઓછું રહેતું હોય અથવા તમારી સર્જરી થવાની હોય, તો દાડમ ખાતા પહેલાં આ માહિતી જરૂર જાણો.
દાડમ ખાવાથી ફાયદો થાય કે નુકસાન?
દાડમ એવું ફળ છે, જે લગભગ દરેકને ખાવું ગમે છે. તે માત્ર સ્વાદિષ્ટ જ નથી, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ બહુ લાભદાયક માનવામાં આવે છે. દાડમમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ્સ, વિટામિન્સ અને હૃદયને સ્વસ્થ રાખનારા પોષક તત્વો હોય છે. આ કારણથી જ વડીલો ઘણીવાર દાડમ ખાવાની સલાહ આપે છે, પરંતુ દરેક સ્વસ્થ વસ્તુ દરેક વ્યક્તિ માટે યોગ્ય હોય જ એવું જરૂરી નથી. કેટલાક લોકો માટે દાડમ ખાવું ફાયદાની જગ્યાએ નુકસાનકારક સાબિત થઈ શકે છે. ખાસ કરીને જો કોઈને પહેલેથી કોઈ બીમારી હોય અથવા તે દવાઓ લેતું હોય, તો દાડમ સાવધાનીપૂર્વક ખાવું જોઈએ. ચાલો જાણીએ એવા કયા લોકો છે જેમને દાડમથી દૂર રહેવું જોઈએ?
જેમની સર્જરી થવાની હોય તે લોકો
જો તમારી કોઈ સર્જરી થવાની હોય, તો દાડમ ખાતા પહેલાં સાવધાન થવું જરૂરી છે. ડૉક્ટર મુજબ દાડમ કેટલીક દવાઓ અને એનેસ્થેસિયા સાથે પ્રતિક્રિયા કરી શકે છે અને લોહી જામવાની પ્રક્રિયા પર પણ અસર કરી શકે છે. આ કારણે ઓપરેશન દરમિયાન વધારે બ્લીડિંગ થવાનું જોખમ વધી શકે છે. તેથી મોટાભાગના ડૉક્ટરો સર્જરીથી ઓછામાં ઓછા બે અઠવાડિયા પહેલાં દાડમ ન ખાવાની સલાહ આપે છે.
જે લોકો કેટલીક ખાસ દવાઓ લેતા હોય
જો તમે બ્લડ પ્રેશર, હૃદય, લોહી પાતળું કરવાની કે કોલેસ્ટ્રોલની દવાઓ લો છો, તો દાડમ ખાતા પહેલાં ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે. દાડમ શરીરમાં દવાઓને તોડનારા લિવરના એન્ઝાઇમ્સ પર અસર કરી શકે છે, જેના કારણે દવા લાંબા સમય સુધી શરીરમાં રહી જાય છે. આથી સાઇડ ઇફેક્ટ્સ વધવાનું જોખમ રહે છે.
જેમનુ બ્લડ પ્રેશર પહેલાથી જ ઓછું રહેતું હોય
દાડમ ઊંચા બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ થાય છે, પરંતુ જેમનું બ્લડ પ્રેશર પહેલેથી જ ઓછું હોય, તેમના માટે તે મુશ્કેલી ઊભી કરી શકે છે. વધારે દાડમ ખાવાથી ચક્કર આવવા, નબળાઈ લાગવી, આંખો સામે અંધારું આવવું કે બેભાન જેવી સમસ્યાઓ થઈ શકે છે. આવા લોકોએ દાડમ મર્યાદિત માત્રામાં જ ખાવું જોઈએ.
જેમને પેટ સંબંધિત સમસ્યાઓ રહેતી હોય
દાડમામાં ફાઇબર સારી માત્રામાં હોય છે, જે સામાન્ય રીતે પાચન માટે લાભદાયક છે. પરંતુ જેમનું પેટ ખૂબ સંવેદનશીલ હોય અથવા જેમને IBS જેવી સમસ્યા હોય, તેમને દાડમ ખાવાથી ગેસ અથવા પેટમાં દુખાવો થઈ શકે છે. કેટલાક લોકોને થોડી માત્રામાં પણ તકલીફ અનુભવાય છે.
જેમને દાડમથી એલર્જી હોય
કેટલાક લોકોને દાડમથી એલર્જી પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં દાડમ ખાધા પછી ખંજવાળ, ચામડી પર લાલાશ, હોઠ અથવા ગળામાં સોજો અને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. જો દાડમ ખાધા પછી તમને બળતરા, ખંજવાળ અથવા કોઈ પણ અસહજ લક્ષણો દેખાય, તો તરત દાડમ ખાવાનું બંધ કરો અને ડૉક્ટરનો સંપર્ક કરો.








