Diwali bonus Delhi company Diwali gift: દિવાળીનો તહેવાર આવતા જ કોર્પોરેટ સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ જ હોય છે કે, 'કંપની તરફથી આ વખતે દિવાળી ભેટ કે બોનસમાં શું મળશે?' મીઠાઈના બોક્સ કે ડ્રાયફ્રૂટ્સ તો સામાન્ય વાત છે, પરંતુ જો તમારી કંપની તમને દિવાળી ગિફ્ટમાં લેટેસ્ટ આઇફોન-16 આપી દે તો? આવી કલ્પના કરવી જ ખુશી આપે છે. કર્મચારીઓના આ સપનાને દિલ્હીની એક આઈ.ટી. કંપનીએ હકીકતમાં ફેરવી બતાવ્યું છે.
દિલ્હીની કંપની સોશિયલ મીડિયા પર છવાઈ
દિવાળીના તહેવાર પર મોટાભાગની કંપનીઓ પોતાના કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ પ્રકારની ભેટ-સોગાદો અને રોકડ બોનસ આપતી હોય છે પરંતુ, આ વર્ષે દિલ્હીની એક કંપનીએ તમામ હદો વટાવી દીધી છે. રોહિણી વિસ્તારમાં આવેલી આ કંપનીએ પોતાના કર્મચારીઓને અત્યંત મોંઘો અને લેટેસ્ટ iPhone-16 ગિફ્ટમાં આપીને ભારે ચર્ચા જગાવી છે. આ સમાચાર વાયરલ થતાં જ કંપની સોશિયલ મીડિયા પર રાતોરાત ટ્રેન્ડ થવા લાગી છે.
દિવાળી ભેટમાં મળ્યો ₹70,000નો iPhone-16
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજધાની દિલ્હીના રોહિણી વિસ્તારમાં સ્થિત આ કંપનીના બોસે દિવાળીના શુભ અવસરે પોતાના કર્મચારીઓના કામની કદર કરતા અંદાજે 70 હજાર રૂપિયાની કિંમતનો નવોનક્કોર iPhone 16 ગિફ્ટમાં આપ્યો છે. કર્મચારીઓને મળેલી આ શાનદાર ભેટના સોશિયલ મીડિયા પર ખૂબ વખાણ થઈ રહ્યા છે. નેટીઝન્સ કહી રહ્યા છે કે કર્મચારીઓને ખુશ રાખવાની આ સૌથી શ્રેષ્ઠ રીત છે.
ખુશીથી ઝૂમી ઉઠેલા કર્મચારીઓનો વીડિયો વાયરલ
કંપનીના ઉત્સાહિત કર્મચારીઓએ ઇન્સ્ટાગ્રામ પર એક શોર્ટ વીડિયો શેર કરીને પોતાની ખુશી વ્યક્ત કરી છે. આ વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ઓફિસના ડેસ્ક પર દરેક કર્મચારીના લેપટોપ પર એક-એક આઇફોન 16નું સીલબંધ બોક્સ મૂકવામાં આવ્યું છે. ત્યારબાદ વીડિયોમાં એક મહિલા કર્મચારી પોતાના હાથમાં iPhone-16નું બોક્સ બતાવતા અને ખુશીથી નાચતા જોવા મળે છે. કર્મચારીઓના ચહેરા પરનો આનંદ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.
યુઝર્સે મજેદાર કોમેન્ટ્સનો વરસાદ કર્યો
ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા આ વીડિયો પર લોકો તરફથી મજેદાર કમેન્ટ્સ આવી રહી છે. એક યુઝરે રમૂજી અંદાજમાં પૂછ્યું, "ભાઈ, શું તમારી કંપનીમાં કોઈ વેકેન્સી ખાલી છે? મારે અત્યારે જ ઇન્ટરવ્યુ આપવો છે." જ્યારે અન્ય એક યુઝરે પોતાની મજબૂરી વ્યક્ત કરતા લખ્યું, "દિવાળીના દિવસોમાં આવા વીડિયો જોઈને ઇન્સ્ટાગ્રામ ચલાવવાનું જ મન નથી થતું, કારણ કે બીજાની ગિફ્ટ જોઈને અમને ઇર્ષ્યા થાય છે."
કંપનીઓ માટે 'Employee Retention'નો નવો ટ્રેન્ડ
આધુનિક કોર્પોરેટ જગતમાં કુશળ કર્મચારીઓને જાળવી રાખવા કંપનીઓ માટે મોટો પડકાર બની ગયો છે. આથી કંપનીઓ હવે પરંપરાગત બોનસ સિસ્ટમમાંથી બહાર આવીને લક્ઝરી ગિફ્ટ્સ તરફ વળી રહી છે. ભૂતકાળમાં સુરતના ડાયમંડ કિંગ સવજીભાઈ ધોળકિયા પણ પોતાના કર્મચારીઓને ફ્લેટ અને કાર ગિફ્ટમાં આપીને આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યા હતા. એચઆર એક્સપર્ટ્સના મતે, જ્યારે કંપની પોતાના કર્મચારીઓને આવી 'આઉટ ઓફ ધ બોક્સ' ભેટ આપે છે, ત્યારે કર્મચારીઓની કંપની પ્રત્યેની વફાદારી અને પ્રોડક્ટિવિટીમાં અનેકગણો વધારો થાય છે. દિલ્હીની આ કંપનીએ પણ માર્કેટમાં એક સકારાત્મક દાખલો બેસાડ્યો છે.








