Moong Dal Sprouts: ભારતીય રસોડામાં મગની દાળને 'સુપરફૂડ'નો દરજ્જો આપવામાં આવ્યો છે. સદીઓથી ખીચડીના રૂપમાં પચાતી આ દાળ હવે સોશિયલ મીડિયા અને ફિટનેસ ઇન્ફ્લુએન્ઝર્સના કારણે 'સ્પ્રાઉટ્સ' એટલે કે ફણગાવેલા કઠોળ તરીકે વધુ લોકપ્રિય બની છે. વજન ઘટાડવાથી લઈને ડાયાબિટીસ નિયંત્રણ સુધીના અગણિત ફાયદાઓને કારણે લોકો તેને સવારના નાસ્તામાં લેવાનું પસંદ કરે છે. પરંતુ, શું આ ઉચ્ચ પ્રોટીનયુક્ત આહાર દરરોજ ખાવો ખરેખર સુરક્ષિત છે? સ્વાસ્થ્ય નિષ્ણાતો અને ડાયેટિશિયન્સે આ બાબતે કેટલાક ચોંકાવનારા અને મહત્વના ખુલાસા કર્યા છે.
મગની દાળ: પોષક તત્વોનું પાવરહાઉસ
મગની દાળ માત્ર પ્રોટીનનો જ સ્ત્રોત નથી, પરંતુ તે સ્નાયુઓના નિર્માણ અને કોષોના વિકાસ માટે જરૂરી એવા વિટામિન્સ અને મિનરલ્સથી પણ ભરપૂર છે. તેમાં વિટામિન B1, B2, B3 અને B9 (ફોલેટ) ની સાથે આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા ખનિજો હોય છે. તેમાં રહેલું ફાઈબર પાચનતંત્રને મજબૂત બનાવે છે, જ્યારે એન્ટીઑકિસડન્ટો શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આ દાળ હલકી હોવાથી પેટ માટે 'વરદાન' સમાન ગણાય છે.
દરરોજ સ્પ્રાઉટ્સ ખાવા જોઈએ કે નહીં?
નિષ્ણાતોના મતે, જો તમે સંપૂર્ણ સ્વસ્થ છો અને તમને કોઈ ગંભીર તબીબી સમસ્યા નથી, તો તમે દરરોજ મગની દાળના ફણગાવેલા કઠોળ ખાઈ શકો છો. જોકે, તેના માટે કેટલાક ચોક્કસ નિયમો છે. ડાયેટિશિયન સૂચવે છે કે દિવસમાં 100 ગ્રામ સ્પ્રાઉટ્સ ખાવું આદર્શ છે. પરંતુ, તેને ખાતી વખતે વિટામિન-સી (જેમ કે લીંબુ) ઉમેરવું જરૂરી છે, કારણ કે તે પ્રોટીન અને આયર્નના શોષણમાં મદદ કરે છે.
કોણે સાવધાન રહેવાની જરૂર છે?
મગની દાળ અત્યંત ફાયદાકારક હોવા છતાં, તે દરેક માટે યોગ્ય નથી. જે લોકોને યુરિક એસિડનું પ્રમાણ વધુ હોય, તેમણે ઉચ્ચ પ્રોટીન ધરાવતા આ સ્પ્રાઉટ્સ ખાવાનું ટાળવું જોઈએ અથવા ડોક્ટરની સલાહ બાદ જ લેવા જોઈએ. પ્રોટીનનું વધુ સેવન હાડકા અને સાંધાના દુખાવાને વધારી શકે છે. જો તમને કાચા ફણગાવેલા મગ ખાવાથી ગેસ કે બ્લોટિંગ થતું હોય, તો તેને કાચા ખાવાને બદલે થોડા ઉકાળીને ખાવા જોઈએ. ઉકાળવાથી તે વધુ સુપાચ્ય બને છે.
ખાવાનો સાચો સમય અને રીત
સ્પ્રાઉટ્સ ખાવાનો શ્રેષ્ઠ સમય સવારનો નાસ્તો છે. સવારના સમયે શરીરનું મેટાબોલિઝમ (ચયાપચય) ઝડપી હોય છે, જેથી પ્રોટીનનું પાચન યોગ્ય રીતે થાય છે. નિષ્ણાતો માત્ર મગ પર નિર્ભર રહેવાને બદલે પ્રોટીનના અન્ય સ્ત્રોતો જેમ કે પનીર, ટોફુ, સોયાબીન અથવા માંસાહારી લોકો માટે ઈંડા અને ચિકનનો પણ આહારમાં સમાવેશ કરવાની સલાહ આપે છે. મગની દાળના ફણગાવેલા કઠોળ ચોક્કસપણે સ્વાસ્થ્ય માટે 10 માંથી 10 રેટિંગ ધરાવે છે, પરંતુ 'અતિ સર્વત્ર વર્જયેત'ના ન્યાયે તેને યોગ્ય રીતે ખાવું અનિવાર્ય છે. સંતુલિત આહાર અને શારીરિક સક્રિયતા સાથે સ્પ્રાઉટ્સનું સેવન તમને લાંબા સમય સુધી નીરોગી રાખી શકે છે.








