Cabbage Cleaning Tips: આજકાલ સ્વાસ્થ્યપ્રત્યે જાગૃત લોકો પોતાના આહારમાં લીલી શાકભાજીને વિશેષ સ્થાન આપે છે. ખાસ કરીને કોબીજ એવી શાકભાજી છે, જે મંચુરિયન, સલાડ, પરાઠા, સૂપ અને અનેક વાનગીઓમાં મોટા પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે. ફાઇબર, વિટામિન-C અને એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર કોબીજ શરીર માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં કોબીજમાં જોવા મળતા બારીક જીવાતો અને જંતુઓ અંગે લોકોમાં ભય પણ વધ્યો છે. ખાસ કરીને “ટેપવર્મ” જેવી ચર્ચાઓને કારણે ઘણા લોકો કોબીજ ખાવાથી દૂર રહેવા લાગ્યા છે. તબીબો અને ફૂડ એક્સપર્ટ્સનું માનવું છે કે ગંદકી, પ્રદૂષિત માટી અને યોગ્ય રીતે ન ધોવાયેલી શાકભાજીથી ઈન્ફેક્શન ફેલાવાનો ખતરો વધી શકે છે. જોકે, યોગ્ય સફાઈ અને કુકિંગ પદ્ધતિ અપનાવવામાં આવે તો કોબીજ સંપૂર્ણ સુરક્ષિત રીતે ખાઈ શકાય છે. મહત્વનું એ છે કે કોબીજને યોગ્ય રીતે ઓળખવી, સાફ કરવી અને પછી જ રસોઈમાં ઉપયોગ કરવો.
કોબીજમાં જીવાતો હોઈ શકે છે
કોબીજની રચના એવી હોય છે કે તેની અનેક પરતો વચ્ચે બારીક જીવાતો સરળતાથી છુપાઈ જાય છે. ઘણીવાર બહારથી શાક સંપૂર્ણ સ્વચ્છ દેખાતું હોવા છતાં અંદરની લેયરમાં જીવાતો અથવા માઇક્રોબ્સ હોઈ શકે છે. નિષ્ણાતોના કહેવા પ્રમાણે, જો કોબીજની બહારની પાંદડીઓ પર નાના છિદ્રો જોવા મળે, તો તે જીવાતો હોવાનો સંકેત હોઈ શકે છે. આવા જીવાતો પાંદડાં ખાતાં ખાતાં અંદર સુધી પહોંચી જાય છે. તે સિવાય, જો પાંદડાંની વચ્ચે કાળા કે ભૂરા ડાઘ જોવા મળે, તો તે જીવાતોના કચરાનું નિશાન હોઈ શકે છે. કેટલાક કિસ્સામાં પાંદડાં સામાન્ય કરતાં વધુ ચિપચિપા લાગે છે, જે બેક્ટેરિયા અથવા સૂક્ષ્મ જીવાણુઓની હાજરી બતાવે છે. આવી સ્થિતિમાં તે ભાગ તરત દૂર કરી દેવો જોઈએ. ફૂડ સેફ્ટી નિષ્ણાતો કોબીજને સાફ કરવાની કેટલીક અસરકારક રીતો સૂચવે છે.
બહારની પરતો કાઢી નાખો
સૌપ્રથમ કોબીજની બહારની બે થી ત્રણ પરતો કાઢી નાખવી જોઈએ, કારણ કે આ ભાગ સીધો માટી, ધૂળ અને પેસ્ટિસાઇડ્સના સંપર્કમાં હોય છે. ત્યારબાદ કોબીજને મોટા ટુકડામાં નહીં પરંતુ બારીક સમારી અથવા લચ્છા અલગ કરીને ધોવી જોઈએ. આમ કરવાથી અંદર છુપાયેલા જીવાતો બહાર આવી જાય છે.
હૂંફાળા પાણીનો ઉપયોગ કરો
સૌથી અસરકારક રીત તરીકે હૂંફાળા પાણીમાં મીઠું ઉમેરી કોબીજને 15થી 20 મિનિટ સુધી પલાળી રાખવાની સલાહ આપવામાં આવે છે. એક મોટા વાસણમાં હુંફાળું પાણી લઈને તેમાં બે ચમચી મીઠું ઉમેરવું. ત્યારબાદ સમારેલી કોબીજ તેમાં નાખવાથી જીવાતો મરીને ઉપર તરવા લાગે છે.
કોબીજને હળદર વાળા પાણીમાં ધોવો
જો આ પાણીમાં અડધી ચમચી હળદર ઉમેરવામાં આવે, તો હળદરના એન્ટી-બેક્ટેરિયલ ગુણ સૂક્ષ્મ જીવાણુઓને પણ નષ્ટ કરવામાં મદદ કરે છે.
કોબીજને વહેતા પાણીમાં ધોવો
આ પ્રક્રિયા પછી કોબીજને સ્વચ્છ વહેતા પાણી નીચે સારી રીતે ધોવી ખૂબ જરૂરી છે. જેથી મીઠું, ગંદકી અને જીવાતોના અંશ સંપૂર્ણપણે દૂર થઈ જાય. નિષ્ણાતો જણાવે છે કે જો કોબીજ સલાડ તરીકે કાચી ખાવાની હોય, તો આ તમામ સ્ટેપ્સ ફરજિયાત અનુસરવા જોઈએ.
શું કોબીજને ઉકાળવી જોઈએ?
જો શાકભાજી રાંધીને ખાવાની હોય, તો તેને ઊંચા તાપમાને સારી રીતે કુક કરવું સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. લગભગ 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રસોઈ થવાથી મોટાભાગના પરજીવી અને તેમના ઈંડા નષ્ટ થઈ જાય છે. એટલે જ નિષ્ણાતો અડધું કાચું શાક ખાવાથી બચવાની સલાહ આપે છે. કોબીજ માત્ર સ્વાદિષ્ટ જ નહીં પરંતુ વજન નિયંત્રણ, પાચનશક્તિ સુધારવા અને ઈમ્યુનિટી મજબૂત બનાવવા માટે પણ ખૂબ ઉપયોગી છે. તેમાં રહેલું ફાઇબર પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે, જ્યારે વિટામિન-C શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ બને છે. તેથી માત્ર જીવાતોના ભયને કારણે આ પૌષ્ટિક શાકભાજીને આહારમાંથી દૂર કરવી યોગ્ય નથી. થોડી સાવચેતી અને યોગ્ય સફાઈની રીત અપનાવીને કોબીજનો સ્વાદ અને તેના આરોગ્યલાભ બંનેનો સુરક્ષિત રીતે આનંદ માણી શકાય છે. આજના સમયમાં જ્યાં ફૂડ સેફ્ટી સૌથી મોટો મુદ્દો બની રહ્યો છે, ત્યાં રસોડામાં આવી નાની કાળજી આખા પરિવારના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.








