Unhealthy Weight Gain:આજકાલ ઘણા લોકોની ફરિયાદ એકસરખી છે, “અમે તો હેલ્ધી ખાઈએ છીએ, છતાં વજન ઝડપથી વધે છે.” સત્ય એ છે કે માત્ર હેલ્ધી ખાવું પૂરતું નથી, પરંતુ જીવનશૈલીના ઘણા બીજા પાસાઓ પણ વજન નિયંત્રણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા મુજબ વધતું વજન અને ઓબેસિટી આજે વિશ્વભરમાં ગંભીર આરોગ્ય સમસ્યા બની ગઈ છે, જે ડાયાબિટીસ, હૃદયરોગ અને અન્ય નોન-કમ્યુનિકેબલ બીમારીઓનું જોખમ વધારી રહી છે.
હેલ્ધી ખાવા છતાં વજન વધવું
ઘણા લોકો એવું માને છે, કે જો તેઓ ડ્રાયફ્રૂટ્સ, સલાડ, ઓટ્સ, ફળો અને હેલ્ધી ફૂડ લે છે, તો વજન ક્યારેય નહીં વધે. પરંતુ હકીકત એ છે, કે હેલ્ધી ખોરાક પણ જો વધારે માત્રામાં લેવાય તો તે શરીરમાં વધારાની કેલરી તરીકે જ સંગ્રહિત થાય છે. ઉદાહરણ તરીકે બદામ, કાજુ, અખરોટ જેવા ડ્રાયફ્રૂટ્સ ખૂબ પોષક હોય છે, પરંતુ તેમાં કેલરી પણ વધારે હોય છે. એ જ રીતે “શુગર ફ્રી” પ્રોડક્ટ્સ પણ ઘણીવાર લોકોને વધુ ખાવા માટે પ્રોત્સાહિત કરે છે, જેના કારણે કુલ કેલરી ઇન્ટેક વધી જાય છે.
ઓવર ઇટિંગ કરવું
દિવસ દરમિયાન વધુ કેલરી ઇન્ટેક. ઘણા લોકો ચા-કોફીમાં ખાંડ, ક્રીમ અથવા બિસ્કિટ સાથે વારંવાર નાસ્તો લે છે. પેકેજ્ડ જ્યુસ, કોલ્ડ ડ્રિંક્સ અથવા ફાસ્ટ ફૂડનો નાનો-નાનો ઉપયોગ પણ રોજિંદા કેલરી વધારતો જાય છે. આપણે ધ્યાન આપતા નથી, પરંતુ આ નાની ભૂલો ધીમે ધીમે વજન વધારવામાં મોટો ભાગ ભજવે છે.
ફિઝિકલી એક્ટિવિટી ન કરવી
ફિઝિકલ એક્ટિવિટીનો અભાવ પણ એક મુખ્ય કારણ છે. આજે મોટાભાગના લોકો લાંબા સમય સુધી બેસીને કામ કરે છે. કલાકો સુધી એક જ જગ્યાએ બેસી રહેવું મેટાબોલિઝમને ધીમું કરી દે છે. જો તમે સારો આહાર લો છો, પરંતુ રોજ ઓછામાં ઓછા 30 મિનિટ ચાલતા નથી, શરીરને હલનચલન આપતા નથી, તો પણ કેલરી બર્ન થતી નથી અને વજન વધે છે. સરળ શબ્દોમાં કહીએ તો “હેલ્ધી ખોરાક અને શારીરિક ક્રિયા” બંને સાથે જ અસરકારક બને છે.
પૂરતી ઊંગ ન લેવી
ઊંગ ની અછત પણ આજના સમયમાં મોટો મુદ્દો છે. જ્યારે વ્યક્તિ પૂરતી ઊંઘ લેતો નથી ત્યારે શરીરના હોર્મોન્સ અસંતુલિત થઈ જાય છે. ખાસ કરીને ભૂખ વધારનાર હોર્મોન વધી જાય છે, જેના કારણે વધુ ખાવાની ઈચ્છા થાય છે. ઘણી વખત લોકોને મોડી રાતે જંક ફૂડ અથવા મીઠું ખાવાની ક્રેવિંગ થાય છે. લાંબા સમય સુધી આવું ચાલે તો વજન વધવાનું શરૂ થઈ જાય છે.
વધુ સ્ટ્રેસ લેવું
સ્ટ્રેસ પણ વજન વધારવાનું એક છુપું કારણ છે. સતત તણાવમાં રહેતા લોકોમાં “કોર્ટિસોલ” નામનો હોર્મોન વધે છે, જેના કારણે શરીરમાં ખાસ કરીને પેટના ભાગે ચરબી બને છે. સાથે સાથે સ્ટ્રેસમાં લોકો વધુ ખાવાની ટેવ પણ પાડે છે, ખાસ કરીને મીઠું અને તળેલું ખાવાની આદત પાડે છે.
વજન કંટ્રોલ કરવા શું કરવું?
વજન કંટ્રોલ માટે કેટલીક સરળ જીવનશૈલીની આદતો અપનાવવી જરૂરી છે. દરરોજ ઓછામાં ઓછું 30 થી 45 મિનિટ ચાલવું અથવા કોઈપણ ફિઝિકલ એક્ટિવિટી કરવી જોઈએ. લાંબા સમય સુધી બેસી રહેવાનું ટાળવું જોઈએ. ડાયેટમાં પ્રોટીન અને ફાઈબર વધારવા જોઈએ જેથી પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે. પાણી પૂરતું પીવું અને રાત્રે સારી ઊંઘ લેવી પણ એટલી જ જરૂરી છે. અંતમાં સમજવું જોઈએ કે વજન નિયંત્રણ માત્ર ડાયેટથી શક્ય નથી. તે એક સંપૂર્ણ જીવનશૈલીનો ભાગ છે. જો આપણે ખાવાની સાથે સાથે હલનચલન, ઊંઘ અને માનસિક આરોગ્ય પર ધ્યાન આપીએ, તો હેલ્ધી ખાઈને પણ ફિટ અને સ્વસ્થ રહી શકાય છે.








