Blood test fasting rules: જ્યારે પણ આપણે કોઈ બ્લડ ટેસ્ટ કરાવવા જઈએ છીએ ત્યારે ડોક્ટર કે લેબોરેટરી ટેકનિશિયન સામાન્ય રીતે 10થી 12 કલાક ભૂખ્યા (Fasting) રહેવાની સલાહ આપે છે. દશકો પહેલાં એવું જોવામાં આવ્યું હતું કે ખોરાક લીધા પછી લોહીમાં શુગર અને ટ્રાઇગ્લિસરાઇડ્સનું પ્રમાણ તાત્કાલિક વધી જાય છે, તેથી ફાસ્ટિંગનો નિયમ બનાવવામાં આવ્યો હતો. સમય જતાં લેબોરેટરીઓએ પોતાની સુવિધા માટે આ નિયમ તમામ પ્રકારના બ્લડ ટેસ્ટ માટે સામાન્ય બનાવી દીધો. પરંતુ સવારે લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાને કારણે ઘણા દર્દીઓને માથાનો દુખાવો, ચક્કર આવવા કે નબળાઈ જેવી સમસ્યાઓ થાય છે. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે આટલા કલાક ભૂખ્યા રહેવું અત્યંત મુશ્કેલ બની જાય છે.
JAMA ઇન્ટરનલ મેડિસિનનું નવું સંશોધન શું કહે છે?
તાજેતરમાં પ્રખ્યાત મેડિકલ જર્નલ 'JAMA Internal Medicine' માં પ્રકાશિત થયેલા એક વ્યાપક સંશોધને આ જૂની માન્યતાને પડકારી છે. સંશોધકોએ લોહીની તપાસમાં વપરાતા 121 અલગ-અલગ બ્લડ માર્કર્સનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો. આ રિસર્ચમાં બહાર આવ્યું કે 121માંથી 111થી વધુ ટેસ્ટના પરિણામો પર દર્દીએ ખોરાક લીધો છે કે નહીં તેનાથી કોઈ જ ખાસ ફરક પડતો નથી. એટલે કે માત્ર 10 જેટલા જ ટેસ્ટ એવા છે જેમાં ફાસ્ટિંગ રાખવું વૈજ્ઞાનિક રીતે જરૂરી છે, બાકીના મોટાભાગના ટેસ્ટ દિવસના કોઈપણ સમયે જમ્યા પછી પણ કરાવી શકાય છે.
માત્ર આ ચોક્કસ ટેસ્ટ માટે જ ફાસ્ટિંગ અનિવાર્ય
નવા સંશોધન અનુસાર, કેટલાક ચોક્કસ ટેસ્ટમાં ખોરાકની સીધી અસર થતી હોવાથી તેમાં 8થી 12 કલાકનું ફાસ્ટિંગ રાખવું હજુ પણ જરૂરી છે:
ફાસ્ટિંગ બ્લડ શુગર ટેસ્ટ (Fasting Blood Sugar): ડાયાબિટીસના ચોક્કસ નિદાન માટે.
લિપિડ પ્રોફાઇલ (Lipid Profile): ખાસ કરીને ટ્રાઇગ્લિસરાઇડ્સ (Triglycerides) ના સચોટ માપન માટે.
જીજીટી (GGT - Gamma-Glutamyl Transferase): લિવર સંબંધિત તપાસ માટે.
લાઇપેસ (Lipase): પેનક્રિયાસ (સ્વાદુપિંડ) ના ઉત્સેચકોની તપાસ માટે.
જમ્યા પછી પણ કરાવી શકાય એવા મહત્વના ટેસ્ટ
સંશોધનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, નીચે મુજબના રૂટિન હેલ્થ ચેકઅપ ટેસ્ટ માટે ભૂખ્યા રહેવાની બિલકુલ જરૂર નથી:
સીબીસી (Complete Blood Count - CBC): હિમોગ્લોબિન, ડબલ્યુબીસી અને પ્લેટલેટ્સની તપાસ.
ઇલેક્ટ્રોલાઇટ્સ (Electrolytes): સોડિયમ, પોટેશિયમ અને ક્લોરાઇડનું પ્રમાણ.
થાઇરોઇડ પ્રોફાઇલ (Thyroid Test): T3, T4 અને TSH લેવલ.
એચબીએ1સી (HbA1c): 3 મહિનાનું સરેરાશ શુગર લેવલ.
વિટામિન અને હોર્મોન ટેસ્ટ: વિટામિન D, વિટામિન B12 તેમજ અન્ય હોર્મોનલ પ્રોફાઇલ.
HbA1c અને હાઇડ્રેશનનું વૈજ્ઞાનિક મહત્વ
સામાન્ય રીતે લોકો એચબીએ૧સી (HbA1c) ટેસ્ટ માટે પણ ભૂખ્યા રહેતા હોય છે, પરંતુ વૈજ્ઞાનિક રીતે HbA1c ટેસ્ટ રક્તકણો (RBC) માં રહેલા હિમોગ્લોબિન સાથે જોડાયેલી શુગરના આધારે પાછલા ૨ થી ૩ મહિનાનું સરેરાશ બ્લડ શુગર લેવલ બતાવે છે, તેથી તાત્કાલિક લીધેલા ખોરાકની તેના પર કોઈ અસર થતી નથી. આ ઉપરાંત, બ્લડ ટેસ્ટ કરાવતા પહેલાં પૂરતું પાણી પીવું (Hydration) ખૂબ જ ફાયદાકારક છે. પૂરતું પાણી પીવાથી લોહીની નસો (Veins) સ્પષ્ટ દેખાય છે, જેથી બ્લડ સેમ્પલ સરળતાથી લઈ શકાય છે અને ડિહાઇડ્રેશનને કારણે આવતા ખોટા પરિણામોથી બચી શકાય છે.
દર્દીઓ માટે મહત્વની સાવચેતી અને ડોક્ટરની સલાહ
સંશોધકોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, આ રિસર્ચનો હેતુ દર્દીઓમાં જાગૃતિ લાવવાનો છે, પરંતુ દર્દીઓએ પોતાની મેળે ફાસ્ટિંગ બંધ કરવાનો નિર્ણય લેવો જોઈએ નહીં. દરેક દર્દીની શારીરિક સ્થિતિ અને રોગના લક્ષણો અલગ-અલગ હોય છે. તેથી જ્યારે પણ ડોક્ટર કોઈ બ્લડ ટેસ્ટ લખી આપે, ત્યારે જ દર્દીએ સામેથી પૂછી લેવું જોઈએ કે "શું આ ચોક્કસ ટેસ્ટ માટે ભૂખ્યા રહેવું જરૂરી છે કે નહીં?" જેથી બિનજરૂરી ભૂખ્યા રહેવાની તકલીફમાંથી મુક્તિ મેળવી શકાય.








