Revive Dry skin Naturally With a DIY Pack: શિયાળો શરૂ થતાં જ વાતાવરણમાં ઠંડી અને ભેજનું પ્રમાણ ઘટી જાય છે, જેની સીધી અસર આપણી ત્વચા પર જોવા મળે છે. ચહેરાની સાથે-સાથે હાથ અને પગની ત્વચા પણ કુદરતી ભેજ અને ચમક ગુમાવવા લાગે છે. જ્યારે આપણે શોર્ટ કે હાફ કપડાં પહેરીએ છીએ, ત્યારે હાથ અને પગ પર રહેલી ડ્રાય અને નિર્જીવ ત્વચા સ્પષ્ટ દેખાઈ આવે છે. બજારમાં મળતા મોંઘા મોઇશ્ચરાઇઝર કે ક્રીમ થોડીવાર માટે રાહત આપે છે, પરંતુ લાંબા સમય સુધી ત્વચાને સોફ્ટ રાખી શકતા નથી. આ સમસ્યામાંથી કાયમી છુટકારો મેળવવા માટે રસોડામાં ઉપલબ્ધ કુદરતી ચીજવસ્તુઓથી બનેલો પેક શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે.
ઘરેલું માસ્ક બનાવવા માટે જરૂરી કુદરતી સામગ્રી
હાથ અને પગની ત્વચાને કુદરતી પોષણ પૂરું પાડવા માટે તમારે કોઈ મોંઘી પ્રોડક્ટ્સની જરૂર નથી. રસોડામાં રહેલી આ ચાર વસ્તુઓ જ પૂરતી છે:
દહીં (2 ચમચી): ત્વચાને કુદરતી રીતે ચમકદાર અને મુલાયમ બનાવે છે.
ઓટ્સ (1 ચમચી): ત્વચાના મૃત કોષો (ડ્રાય સ્કિન) દૂર કરીને હળવું એક્સ્ફોલિયેશન કરે છે.
મધ (1 ચમચી): ત્વચાની અંદર ભેજ (મોઈશ્ચર) લૉક કરવાનું કામ કરે છે.
નારિયેળ તેલ (1 ચમચી): ત્વચાને ઊંડાણપૂર્વક પોષણ અને સુરક્ષા આપે છે.
આ સ્ટેપ્સ ફોલો કરીને મેળવો નરમ અને મુલાયમ ત્વચા
સૌપ્રથમ એક સ્વચ્છ બાઉલમાં દહીં, પીસેલા ઓટ્સ, મધ અને નારિયેળ તેલને સારી રીતે મિક્સ કરી લો, જેથી એક સુંવાળી અને ઘટ્ટ પેસ્ટ તૈયાર થઈ જાય. હવે હાથ કે પગ પર આ પેસ્ટ લગાવતા પહેલાં ત્વચાના નાના ભાગ પર પેચ ટેસ્ટ અવશ્ય કરો. જો કોઈ પ્રકારની બળતરા ન થાય, તો આ મિશ્રણને તમારા હાથ અને પગ પર સરખી રીતે લગાવીને 15 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ ત્વચાને હૂંફાળા પાણીથી સાફ કરી લો. ખાસ ધ્યાન રાખો કે આ પેસ્ટને ત્વચા પર ઘસવાની નથી. સફાઈ કર્યા બાદ હળવા હાથે લૂછીને મોઇશ્ચરાઇઝર લગાવી લો, જેથી ભેજ લાંબો સમય સુધી ટકી રહે.
ક્યારે અને કેવી રીતે કરવો આ ઉપાયનો ઉપયોગ?
રાત્રે સૂતા પહેલા આ ઘરેલું પ્રયોગ કરવો સૌથી વધુ ફાયદાકારક સાબિત થાય છે, કારણ કે રાત્રે ત્વચા ઝડપથી રિપેર થાય છે. અઠવાડિયામાં માત્ર એક કે બે વાર આ માસ્કનો ઉપયોગ કરવાથી ત્વચાની શુષ્કતા સંપૂર્ણપણે દૂર થઈ જાય છે અને હાથ-પગ ચમકદાર તેમજ સ્વચ્છ બને છે. જો તમારી ત્વચા અત્યંત સંવેદનશીલ હોય કે કોઈ પ્રકારની એલર્જી કે ઘા હોય, તો આ પેકનો ઉપયોગ કરવાનું ટાળવું અને ત્વચા નિષ્ણાતની સલાહ લેવી હિતાવહ છે.








