Urology Myths and Facts: સાંપ્રત સમયમાં અસંતુલિત લાઈફસ્ટાઈલ, ખરાબ આહારશૈલી અને ઓછું પાણી પીવાની ટેવને કારણે કિડની અને મૂત્રમાર્ગ (યૂરિનરી ટ્રેક્ટ) સંબંધિત સમસ્યાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આ ઉપરાંત વ્યક્તિગત સ્વચ્છતાનો અભાવ અને ઈન્ફેક્શનને કારણે યુરોલોજિકલ સમસ્યાઓ ગંભીર સ્વરૂપ ધારણ કરતી હોય છે.
સામાન્ય રીતે લોકો આવી સમસ્યાઓ અંગે જાહેરમાં વાત કરતાં અચકાતા હોય છે, જેના પરિણામે સમાજમાં અનેક ગેરસમજો ફેલાયેલી છે. તબીબી નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, નાની ગણાતી સમસ્યાઓ પણ યોગ્ય માહિતીના અભાવે ભવિષ્યમાં મોટી બીમારીનું રૂપ લઈ શકે છે. યુરોલોજિકલ સ્વાસ્થ્ય સાથે જોડાયેલા 5 સૌથી મોટા ભ્રમ અને તેનું વાસ્તવિક સત્ય અહીં આપેલું છે:
ભ્રમ 1: યુરોલોજીકલ સમસ્યાઓ માત્ર પુરુષોને જ થાય છે
સત્ય: સામાન્ય રીતે લોકો યુરોલોજીને માત્ર પુરુષોના સ્વાસ્થ્ય કે પ્રોસ્ટેટની બીમારીઓ સાથે જોડીને જોતા હોય છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે મહિલાઓ પણ યુરોલોજિકલ રોગોથી એટલી જ પ્રભાવિત થાય છે. મહિલાઓમાં યુરિનરી ઇનકોન્ટિનન્સ (પેશાબ રોકી ન શકવો), વારંવાર થતા UTI (યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન), કિડની સ્ટોન (પથરી) અને બ્લેડર પ્રોલેપ્સ જેવી સમસ્યાઓ ખૂબ જ સામાન્ય છે, જેના માટે મહિલાઓએ પણ યુરોલોજિસ્ટનો સંપર્ક કરવો અત્યંત જરૂરી છે.
ભ્રમ 2: આ માત્ર વૃદ્ધો સાથે જોડાયેલી બીમારી છે
સત્ય: આ એક મોટી ગેરસમજ છે કે કિડની કે પેશાબ સંબંધિત તકલીફો માત્ર મોટી ઉંમરના લોકોને જ થાય છે. વૃદ્ધોમાં બિનાઇન પ્રોસ્ટેટિક હાઇપરપ્લેસિયા (BPH) કે પેશાબ પર કાબૂ ન રહેવો જેવી બાબતો સામાન્ય છે, પરંતુ આજના સમયમાં 20 થી 30 વર્ષના યુવાનોમાં પણ કિડની સ્ટોન, યુટીઆઈ અને બ્લેડર ઇન્ફેક્શન ઝડપથી વધી રહ્યા છે.
ભ્રમ 3: ક્રેનબેરી જ્યુસ પીવાથી UTI સંપૂર્ણ મટી જાય છે
સત્ય: ક્રેનબેરી જ્યુસ મૂત્રાશય (બ્લેડર)ની દીવાલ પર બેક્ટેરિયાને ચોંટતા અટકાવવામાં ચોક્કસ મદદ કરે છે, જેથી વારંવાર થતા ઇન્ફેક્શનનું જોખમ ઘટે છે. પરંતુ, તે કોઈ સક્રિય (એક્ટિવ) UTI નો ઇલાજ નથી. એકવાર ઇન્ફેક્શન થઈ ગયા પછી યોગ્ય એન્ટિબાયોટિક્સ અને ડૉક્ટરની સલાહ લેવી જ અનિવાર્ય છે.
ભ્રમ 4: 50 વર્ષની ઉંમર પછી જ યુરોલોજિસ્ટ પાસે જવું જોઈએ
સત્ય: ઉંમર ગમે તે હોય, જો લક્ષણો દેખાય તો તરત જ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. હાલના સમયમાં યુવાનો પેલ્વિક પેઇન (પેડૂનો દુખાવો) અને બ્લેડરની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. શરૂઆતના તબક્કે જ તબીબી તપાસ કરાવવાથી ગંભીર પરિણામોથી બચી શકાય છે.
ભ્રમ 5: લાંબા સમય સુધી પેશાબ રોકી રાખવો નુકસાનકારક નથી
સત્ય: મુસાફરી દરમિયાન કે કામના અતિશય બોજ હેઠળ ઘણા લોકો લાંબા સમય સુધી પેશાબ રોકી રાખે છે, જે સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે. આમ કરવાથી બ્લેડર પર દબાણ વધે છે, યુરિન રિટેન્શન (પેશાબ અટકાઈ જવો) ની સમસ્યા થાય છે અને યુટીઆઈનું જોખમ અનેકગણું વધી જાય છે.
કિડની અને યુરોલોજિકલ સ્વાસ્થ્ય જાળવવા માટેના મહત્વપૂર્ણ સૂચનો
શારીરિક રીતે સ્વસ્થ રહેવા અને કિડનીને સુરક્ષિત રાખવા માટે માત્ર ભ્રમ દૂર કરવા પૂરતા નથી, પરંતુ રોજના વ્યવહારમાં નીચે મુજબના ફેરફારો કરવા પણ ખૂબ જરૂરી છે:
પૂરતું પાણી પીવું: દિવસ દરમિયાન ઓછામાં ઓછું 2.5 થી 3 લિટર (8-10 ગ્લાસ) પાણી પીવું જોઈએ. આનાથી શરીરમાંથી વિષ (ટોક્સિન્સ) બહાર નીકળી જાય છે અને પથરી થવાની શક્યતા ઘટે છે.
મીઠું (સોડિયમ) અને પ્રોસેસ્ડ ફૂડનું ઓછું સેવન: ખોરાકમાં વધુ પડતું મીઠું કિડની પર દબાણ લાવે છે અને હાઈ બ્લડ પ્રેશરનું કારણ બને છે, જે કિડની ફેલ્યોરનું મુખ્ય કારણ છે.
પેઇનકિલર્સનો વિવેકપૂર્ણ ઉપયોગ: વારંવાર ડૉક્ટરની સલાહ વગર ઓવર-ધ-કાઉન્ટર પેઇનકિલર્સ (દુખાવાની દવાઓ) લેવાથી કિડનીને કાયમી નુકસાન થઈ શકે છે.
ડાયાબિટીસ અને બીપી પર નિયંત્રણ: જો તમને ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર હોય, તો તેને નિયંત્રણમાં રાખવું જરૂરી છે, કારણ કે આ બંને બીમારીઓ કિડનીને સૌથી વધુ નુકસાન પહોંચાડે છે. જો તમને પેશાબ કરતી વખતે બળતરા, રંગમાં ફેરફાર, કમર કે પેડૂમાં દુખાવો કે વારંવાર પેશાબ જવું પડે તેવી સમસ્યા જણાય તો તરત જ યુરોલોજિસ્ટનો સંપર્ક કરવો જોઈએ.








