Extreme heat and high temperature increase heart attack: દેશના અનેક ભાગોમાં તાપમાન સતત નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. બપોરના સમયે રસ્તાઓ સૂમસામ દેખાય છે, લોકો ઘરમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે અને હોસ્પિટલોમાં ગરમીથી બીમાર થતાં દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. ડિહાઇડ્રેશન, હીટ સ્ટ્રોક અને થાક જેવી સમસ્યાઓ વચ્ચે હવે એક વધુ ગંભીર પ્રશ્ન લોકોમાં ચિંતા વધારી રહ્યો છે. શું આ તીવ્ર ગરમી હૃદયરોગના હુમલાનું જોખમ પણ વધારી શકે? ખાસ કરીને જેમને પહેલાથી હૃદય સંબંધિત બીમારીઓ છે, તેમના માટે ઉનાળાની આ કાળઝાળ ગરમી કેટલો ખતરો બની શકે છે તે અંગે તબીબોએ મહત્વપૂર્ણ ચેતવણી આપી છે.
વધતી જતી ગરમીથી થતી અસરો
વધતી ગરમી સીધી રીતે હાર્ટ એટેકનું કારણ નથી બનતી, પરંતુ તે હૃદય પર વધારાનો દબાણ જરૂર ઊભો કરે છે. જ્યારે બહારનું તાપમાન સામાન્ય કરતાં ઘણું વધી જાય છે ત્યારે શરીર પોતાને ઠંડુ રાખવા માટે સતત મહેનત કરતું રહે છે. શરીરનું તાપમાન સંતુલિત રાખવા માટે હૃદયને વધુ ઝડપથી લોહી પંપ કરવું પડે છે, જેના કારણે હૃદય પર ભાર વધી જાય છે. વધુ પરસેવો થવાથી શરીરમાંથી પાણી અને જરૂરી મિનરલ્સ બહાર નીકળી જાય છે, જે ડિહાઇડ્રેશનનું કારણ બની શકે છે. ડિહાઇડ્રેશનના કારણે બ્લડ પ્રેશરમાં અસ્થિરતા આવી શકે છે. અને હૃદયના ધબકારા પણ અસામાન્ય રીતે વધી શકે છે. એક્સપર્ટના જણાવ્યા અનુસાર લાંબા સમય સુધી પાણીની અછત રહે, તો લોહી જાડું થવાનું જોખમ રહે છે, જેના કારણે હૃદયની ધમનીઓમાં લોહીની ગાંઠો બનવાની શક્યતા વધી શકે છે. આ પરિસ્થિતિ ગંભીર બને તો હાર્ટ એટેક જેવી જીવલેણ સ્થિતિ પણ સર્જાઈ શકે છે.
કયા લોકોમાં વધારે જોખમ જોવા મળે છે
ગરમી દરમિયાન દરેક વ્યક્તિએ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સાવચેત રહેવાની જરૂર છે, પરંતુ કેટલીક વ્યક્તિઓમાં જોખમ વધુ જોવા મળે છે. તેમાં વૃદ્ધો, ગંભીર હૃદયરોગ ધરાવતા દર્દીઓ, હાઈ બ્લડ પ્રેશર અથવા ડાયાબિટીસથી પીડાતા લોકો તેમજ લાંબા સમય સુધી તીવ્ર તડકામાં કામ કરતા લોકોનો સમાવેશ થાય છે. ખાસ કરીને બાંધકામ સાઇટ, ટ્રાફિક, ડિલિવરી અથવા ખુલ્લી જગ્યાએ કલાકો સુધી કામ કરતા લોકો માટે આ ગરમી ખતરનાક સાબિત થઈ શકે છે. શરીર કેટલાક મહત્વપૂર્ણ સંકેતો પણ આપે છે જેને અવગણવા ન જોઈએ. ખાસ કરીને હૃદયરોગ ધરાવતા લોકોએ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સાવચેત રહેવું જોઈએ. થોડું ધ્યાન અને યોગ્ય કાળજી રાખીને ઉનાળાની આ અસહ્ય ગરમી વચ્ચે પણ હૃદયને સુરક્ષિત રાખી શકાય છે.
શું હોય છે આના લક્ષણ
અચાનક ભારે પરસેવો થવો, સતત થાક લાગવો, હૃદયના ધબકારા વધી જવા, છાતીમાં ભાર કે દુખાવો અનુભવવો અને શ્વાસ લેવામાં તકલીફ થવી જેવા લક્ષણો ગંભીર સમસ્યાના સંકેત બની શકે છે. આવી સ્થિતિમાં તરત જ આરામ કરવો. અને તબીબી સલાહ લેવી જરૂરી બને છે. ઘણી વખત લોકો આ લક્ષણોને સામાન્ય ગરમીનો પ્રભાવ માનીને અવગણે છે, પરંતુ સમયસર સારવાર ન મળે તો પરિસ્થિતિ ગંભીર બની શકે છે. ઉનાળામાં દિવસભર પૂરતું પાણી પીવું, ORS અથવા લીંબુ પાણી જેવા પ્રવાહી લેતા રહેવું અને બપોરના કડકડતા તડકામાં બહાર જવાનું ટાળવું જોઈએ. હળવા અને કોટનના કપડાં પહેરવા, વધુ તેલિયું ખાવાનું ટાળવું અને નિયમિત દવાઓ સમયસર લેવી પણ એટલી જ જરૂરી બાબતો છે.








