Chronic Urticaria Itching Rash Health News Gujarati: ત્વચા પર વારંવાર ચકામા થવા કે સતત ખંજવાળ આવવી એ ઘણીવાર આપણને સામાન્ય સમસ્યા લાગતી હોય છે. ઘણા લોકો એવું વિચારે છે કે આ લક્ષણો પોતાની મેળે જ મટી જશે અથવા કોઈ લોકલ ક્રીમ કે મોઈશ્ચરાઈઝરની એલર્જીના કારણે આવું થયું છે. જોકે, જો આ સમસ્યા તમને વારંવાર પરેશાન કરતી હોય અથવા તમારા રોજિંદા જીવન અને કામકાજમાં અડચણ ઊભી કરતી હોય, તો તે ચોક્કસપણે ચિંતાનો વિષય છે. જો શરીર પર વારંવાર ચકામા થઈ રહ્યા હોય અને ખંજવાળ મટવાનું નામ ન લેતી હોય, તો સમય બગાડ્યા વગર ત્વચા નિષ્ણાતની સલાહ લેવી ખૂબ જ અનિવાર્ય બની જાય છે.
ક્રોનિક યુર્ટિકેરિયા એટલે શું?
આ એક એવી તબીબી સ્થિતિ છે જેમાં શરીર પર ચકામા, સોજા (Hives) અથવા બંનેની સમસ્યા સતત 6 સપ્તાહ એટલે કે દોઢ મહિના કરતાં વધુ સમય સુધી બની રહે છે. આનો જ એક પ્રકાર 'ક્રોનિક સ્પૉન્ટેનિયસ યુર્ટિકેરિયા' છે, જેમાં આ દર્દનાક લક્ષણો અચાનક જ દેખાવા લાગે છે. એટલા માટે એ સમજવું ખૂબ જ જરૂરી છે કે, ડૉક્ટર પાસે ક્યારે જવું જોઈએ, જેથી સમયસર સાચું નિદાન થઈ શકે અને આ કન્ડિશનને વધુ સારી રીતે મેનેજ કરી શકાય. ઘણા લોકો અસલી કારણ જાણ્યા વગર જ જાતે જ ઓવર-ધ-કાઉન્ટર દવાઓ કે ક્રીમ વાપરવા લાગે છે, જે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
ડર્મેટોલોજિસ્ટનો સંપર્ક ક્યારે કરવો જોઈએ?
જ્યારે લક્ષણો વારંવાર પાછા ફરે: ચકામાની નાની-મોટી સમસ્યા ઘણીવાર પોતાની મેળે સારી થઈ જાય છે, પરંતુ જો આ લક્ષણો 6 અઠવાડિયા કે તેથી વધુ સમય સુધી દેખાય તો ચેતી જવું જરૂરી છે. ચકામા કેટલી વાર આવે છે અને તે તમારા રૂટીનને કેવી રીતે પ્રભાવિત કરે છે તે નોંધવું જરૂરી છે.
ઊંઘ અને કામ પર અસર પડે: સતત અને અસહ્ય ખંજવાળના કારણે રાત્રે ઊંઘવામાં મુશ્કેલી, સ્વભાવમાં ચીડિયાપણું, દિવસભર થાક અને ધ્યાન કેન્દ્રિત કરવામાં પરેશાની થઈ શકે છે.
માનસિક અને ભાવનાત્મક અસર: અચાનક થતા ચકામા અને ત્વચાના બગાડના કારણે વ્યક્તિ સામાજિક મેળાવડામાં અસહજ અનુભવી શકે છે. આ માત્ર કોસ્મેટિક સમસ્યા નથી, પરંતુ આત્મવિશ્વાસ અને માનસિક સ્વાસ્થ્યને પણ ગંભીર નુકસાન પહોંચાડે છે.
સેલ્ફ ટ્રીટમેન્ટ ટાળો અને યોગ્ય તબીબી કાળજી લો
ઘણા લોકો ચકામાનું કારણ શોધ્યા વગર જ પોતાના ખાનપાન, સ્કિન કેર પ્રોડક્ટ્સ અને દિનચર્યામાં મનફાવે તેમ બદલાવ કરવા લાગે છે. જો આ બધું કરવા છતાં પણ લક્ષણો યથાવત રહે કે કારણ સમજ ન પડે, તો જાતે પ્રયોગ કરવાને બદલે ત્વચા નિષ્ણાતની મુલાકાત લેવી હિતાવહ છે. જાતે જ ઇલાજ શોધવાના ચક્કરમાં ઘણીવાર સાચી અને સચોટ મેડિકલ કેર લેવામાં ઘણું મોડું થઈ જાય છે, જેનાથી રોગ વધુ ઉગ્ર બની શકે છે. તેથી ડૉક્ટરની સલાહ મુજબ જ આગળ વધવું જોઈએ.








