Winter Geyser Safety Tips: ગુજરાતમાં ઠંડીનો ચમકારો અનુભવાતાં જ દરેક ઘરમાં સવારે ગરમ પાણીની જરૂરિયાત વધી જતી હોય છે. બાળકોને શાળાએ મોકલવાના હોય કે સવારે નાહવાનું હોય, ગીઝર આપણા દૈનિક જીવનનું મહત્ત્વનું સાધન બની જાય છે. જોકે, ચોમાસા અને ઉનાળાના લાંબા સમયગાળા દરમિયાન બંધ રહેલા ગીઝરને શિયાળાની શરૂઆતમાં સીધું જ પ્લગિન કરીને ચાલુ કરી દેવું અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. મહિનાઓ સુધી બંધ રહેવાને કારણે ઉપકરણમાં ભેજ, વાયરિંગની ખામી કે અન્ય યાંત્રિક સમસ્યાઓ સર્જાઈ હોવાની પૂરી શક્યતા રહે છે. તેથી, ગીઝરનો નિયમિત ઉપયોગ શરૂ કરતા પહેલાં કેટલીક પ્રાથમિક તપાસ કરવી અનિવાર્ય છે.
વાયરિંગ, સ્વિચ અને ઇલેક્ટ્રિકલ કનેક્શનની વિગતવાર તપાસ
ઇલેક્ટ્રિક ગીઝરનો ઉપયોગ શરૂ કરતાં પહેલાં સૌથી પહેલું કામ બહાર દેખાતા વાયર, પ્લગ અને સ્વિચ બોર્ડનું નિરીક્ષણ કરવાનું છે. જો ક્યાંય વાયર પ્લાસ્ટિક ઊખડી ગયેલું દેખાય, તાર ખુલ્લા હોય, સ્વિચ ઢીલી પડી ગઈ હોય અથવા સ્વિચ બોર્ડ પાસેથી બળવાની ગંધ આવતી હોય તો ગીઝર ભૂલથી પણ ચાલુ કરશો નહીં. બાથરૂમ એ એવી જગ્યા છે જ્યાં સતત ભેજ અને પાણીની હાજરી રહે છે, તેથી વીજળીના નાના સરખા શોર્ટ સર્કિટથી પણ મોટો અકસ્માત સર્જાઈ શકે છે. ગીઝર માટે હંમેશાં યોગ્ય ક્ષમતાનું પાવર સોકેટ વાપરવું જોઈએ અને મજબૂતી વગરના એક્સ્ટેન્શન બોર્ડનો ઉપયોગ ટાળવો જોઈએ.
અર્થિંગ અને સેફ્ટી સ્વિચની ચકાસણી શા માટે જરૂરી છે?
વીજળીથી ચાલતા સાધનોમાં યોગ્ય અર્થિંગ હોવું સૌથી મોટું સૂરક્ષા કવચ છે. જો ઘરમાં અર્થિંગમાં કોઈ ખામી હશે તો ઇલેક્ટ્રિક લીકેજ થવાના કિસ્સામાં પાણી કે ગીઝરની બોડી સ્પર્શવાથી કરંટ લાગવાનું ગંભીર જોખમ રહે છે. તેથી શિયાળો શરૂ થતાં જ અર્થિંગ બરાબર કામ કરે છે કે નહીં તે ઇલેક્ટ્રિશિયન પાસે ચેક કરાવી લેવું હિતાવહ છે. આ ઉપરાંત, ઘરના ઇલેક્ટ્રિકલ સર્કિટમાં RCCB (રેસિડ્યુઅલ કરંટ પ્રોટેક્શન) જેવું સેફ્ટી ડિવાઇસ લગાવેલું હોવું જોઈએ, જે પાવર લીક થતાં તરત જ વીજ પુરવઠો બંધ કરી દે છે.
પાણીનું લીકેજ અને પાઇપલાઇનની સ્થિતિ પર નજર રાખો
ગીઝરમાં વીજળી જેટલું જ ધ્યાન પાણીના કનેક્શન પર પણ આપવું જરૂરી છે. ગીઝર ચાલુ કરતાં પહેલાં તેની સાથે જોડાયેલી ઇનલેટ અને આઉટલેટ પાઇપ, વાલ્વ અને કનેક્શન પોઇન્ટ્સ બહારથી તપાસી લો. જો પાઇપમાંથી પાણી ટપકતું હોય, પાઇપમાં તિરાડ પડી ગઈ હોય કે સાંધા પર ભેજ જમા થતો હોય તો તેને તાત્કાલિક રીપેર કરાવવું જોઈએ. પાણી અને વીજળીનું ભેગા થવું અત્યંત જોખમી છે, તેથી જો પાણીનું લીકેજ દેખાય તો ગીઝર બંધ રાખીને ટેક્નિશિયનની મદદ લેવી જોઈએ અને જાતે ગીઝર ખોલવાનો પ્રયાસ ન કરવો જોઈએ.
થર્મોસ્ટેટ અને સેફ્ટી વાલ્વની કામગીરી
ગીઝરની અંદર બે સૌથી મહત્ત્વના સૂરક્ષા ભાગો હોય છે: થર્મોસ્ટેટ અને સેફ્ટી વાલ્વ. થર્મોસ્ટેટ પાણી વધારે પડતું ગરમ ન થઈ જાય તે માટે તાપમાન નિયંત્રિત કરે છે, જ્યારે સેફ્ટી વાલ્વ ટાંકીની અંદરનું પ્રેશર (દબાણ) વધવા દેતો નથી. જો થર્મોસ્ટેટ ખરાબ થઈ જાય તો ગીઝર સતત ગરમ થયા કરે છે અને ટાંકી ફાટવાનો ભય રહે છે. તેથી જ લાંબા સમય પછી ગીઝર ચાલુ કરતી વખતે નિષ્ણાત ટેક્નિશિયન પાસે આ બંને સેફ્ટી પાર્ટ્સની ચકાસણી કરાવવી ખૂબ જ જરૂરી છે.
ગેસ ગીઝર વાપરનારાઓ માટે વેન્ટિલેશન સૌથી મહત્ત્વનું
જો તમારા ઘરમાં ગેસથી ચાલતું ગીઝર હોય તો તમારે ખાસ સાવધાની રાખવાની જરૂર છે. ગેસ ગીઝરમાં એલપીજી બળવાની પ્રક્રિયા દરમિયાન કાર્બન મોનોક્સાઇડ જેવો ઘાતક વાયુ ઉત્પન્ન થાય છે. આ વાયુ રંગહીન અને ગંધહીન હોવાથી બાથરૂમમાં ફેલાઈ જાય તો પણ ખબર પડતી નથી અને વ્યક્તિ બેભાન થઈ શકે છે. તેથી ગેસ ગીઝરને ક્યારેય સંપૂર્ણ બંધ બાથરૂમમાં ન ચલાવવું જોઈએ અને બાથરૂમમાં હવાની અવરજવર (વેન્ટિલેશન) માટે બારી કે એક્ઝોસ્ટ ફેન હોવો અનિવાર્ય છે. ગેસ લીકેજની ગંધ આવે તો તરત જ ગેસ સપ્લાય બંધ કરી દેવો જોઈએ.
સમયસર સર્વિસિંગ અને અસામાન્ય લક્ષણો પ્રત્યે જાગૃતિ
પાણીમાં રહેલા ક્ષાર અને ખનિજોને કારણે સમય જતાં ગીઝરની ટાંકી અને હીટિંગ એલિમેન્ટ પર સ્કેલિંગ (ક્ષારનું થર) જામી જાય છે, જેનાથી પાણી ગરમ થવામાં વધુ સમય લાગે છે અને લાઈટબિલ પણ વધારે આવે છે. આથી દર વર્ષે શિયાળા પહેલાં ગીઝરની પ્રોપર સર્વિસિંગ કરાવવી જોઈએ. જો ગીઝર ચાલુ કર્યા પછી તેમાંથી વિચિત્ર અવાજ આવે, બળવાની ગંધ આવે, વારંવાર એમસીબી (MCB) ટ્રિપ થઈ જાય કે પાણી અસામાન્ય રીતે વધુ ગરમ થવા લાગે તો તરત જ પાવર ઓફ કરી દેવો અને અનુભવી ટેક્નિશિયન બોલાવીને જ આગળનો ઉપયોગ કરવો.








