Easy Sofa Cleaning Tips Before Diwali:જ્યારે આપણે ઘરની સફાઈ કરવા બેસીએ છીએ, ત્યારે ડ્રોઈંગ રૂમમાં રાખેલો સોફા સૌથી વધુ ધ્યાને આવે છે કારણ કે મહેમાનોની અવરજવરથી તે ખૂબ જલ્દી ગંદો થઈ જાય છે. પરંતુ સફાઈ શરૂ કરતા પહેલા સોફા પર લગાવેલું નાનું લેબલ ચોક્કસ વાંચવું જોઈએ. આ લેબલમાં સોફાને સાફ કરવાની સાચી રીત અને નિર્દેશો લખેલા હોય છે. કેટલાક સોફા વોટર-બેઝ્ડ ક્લીનર માગે છે તો કેટલાક માટે સોલ્વન્ટ કે માત્ર પ્રોફેશનલ ક્લીનિંગ જ યોગ્ય માનવામાં આવે છે. લેબલ વાંચ્યા વગર સફાઈ કરવાથી ફેબ્રિક ખરાબ થવાનું જોખમ રહે છે.
બેકિંગ સોડા અને સફેદ વિનેગરનો જાદુઈ ઉપયોગ
સોફા પર જામેલી અદ્રશ્ય ગંદકી અને ખરાબ દુર્ગંધ દૂર કરવા માટે રસોડામાં રહેલો બેકિંગ સોડા ઉત્તમ ઉપાય છે. આખા સોફા પર બેકિંગ સોડા છાંટીને તેને 15 થી 20 મિનિટ માટે તેમજ છોડી દો અને ત્યારબાદ વેક્યુમ ક્લીનર કે સુકા કપડાથી સાફ કરી લો. આ પ્રક્રિયાથી સોફાની અંદર જામેલી ડસ્ટ અને ગંદકી સરળતાથી શોષાઈ જાય છે. આ ઉપરાંત, એક સ્પ્રે બોટલમાં પાણી અને સફેદ વિનેગર સરખા પ્રમાણમાં ભેળવીને સોફા પર હળવું છાંટીને લૂછવાથી સોફા એકદમ ચળકતો અને નવો બની જાય છે.
ડિટર્જન્ટની મદદથી દૂર કરો સોફાના જિદ્દી ડાઘ
જો સોફા પર ચા, કોફી કે ખાવા-પીવાની કોઈ ચીજવસ્તુના કારણે જિદ્દી ડાઘ પડી ગયા હોય, તો 'સ્પોટ ક્લીનિંગ' પદ્ધતિ અપનાવવી શ્રેષ્ઠ છે. એક વાટકી પાણીમાં હળવું ડિટર્જન્ટ અથવા લિક્વિડ સોપ મિક્સ કરી મિશ્રણ તૈયાર કરો. હવે એક સાફ કપડાને આ પાણીમાં પલાળીને ડાઘવાળી જગ્યા પર હળવા હાથે ગોળાકારમાં ફેરવીને સાફ કરો. ડાઘ છૂટી ગયા બાદ તે ભીની જગ્યાને હેર ડ્રાયર કે પંખાની હવાથી તરત સૂકવી દો જેથી ભેજ ન રહે.
પાળતુ પ્રાણીઓના વાળ અને લેધર સોફાની વિશેષ સંભાળ
ઘરમાં પાળતુ પ્રાણીઓ (કૂતરા કે બિલાડી) હોવાના કારણે સોફા પર તેમના બારીક વાળ ચોંટી જવાની સમસ્યા સામાન્ય છે. આ વાળને સહેલાઈથી દૂર કરવા માટે 'લિન્ટ રોલર' કે ખાસ બ્રશનો ઉપયોગ કરી શકાય છે. બીજી બાજુ, જો તમારો સોફા લેધરનો હોય તો તેની કાળજી ખાસ લેવી પડે છે. લેધર સોફાને રોજ હળવા માઈક્રોફાઈબર કાપડથી લૂછો. જરૂર જણાય તો સાબુના હળવા પાણીવાળા ભીના કપડાથી સ્પોટ ક્લીનિંગ કરો અને લેધરની કુદરતી ચમક તેમજ નરમાશ જાળવી રાખવા માટે 'લેધર કંડિશનર'અચૂક લગાવો.








