Does sindhav mithu control blood pressure: હાલના સમયમાં હાઈ બ્લડ પ્રેશર (બીપી) ની સમસ્યા ખૂબ સામાન્ય બની ગઈ છે અને લાઈફસ્ટાઈલ સંબંધિત આ સમસ્યાને નિયંત્રણમાં રાખવા લોકો સૌથી પહેલા ખોરાકમાં ફેરફાર કરે છે. સોશિયલ મીડિયા પર એવા દાવા વારંવાર જોવા મળે છે કે બીપીના દર્દીઓ માટે સામાન્ય મીઠાં કરતાં સિંધવ મીઠું વધુ ફાયદાકારક છે અને તેનાથી બીપી વધતું નથી. જોકે, વિજ્ઞાન અને તબીબી દ્રષ્ટિએ આ માન્યતામાં કેટલું તથ્ય છે, તે અંગે એક નિષ્ણાંતે સોશિયલ મીડિયા પોસ્ટ મારફતે સ્પષ્ટતા કરી છે.
શું સિંધવ મીઠું ખાવાથી બીપી ઓછું થાય છે?
ઘણા લોકો એવું માને છે કે હાઈ બીપીના દર્દીઓ માટે સામાન્ય મીઠાંની સરખામણીએ સિંધવ મીઠું વધુ સારું છે, પરંતુ નિષ્ણાંતના મતે વિજ્ઞાન અનુસાર આવું નથી. બ્લડ પ્રેશર મુખ્યત્વે મીઠાંમાં રહેલા સોડિયમ ને કારણે વધે છે. સામાન્ય મીઠું અને સિંધવ મીઠું બંનેમાં સોડિયમનું પ્રમાણ લગભગ સમાન રહે છે. તેથી કોઈ પણ પ્રકારનું મીઠું ખાવામાં આવે, બંનેની બ્લડ પ્રેશર પર સમાન અસર પડે છે. આ સ્થિતિમાં સિંધવ મીઠું વધુ બહેતર હોવાનો દાવો યોગ્ય નથી.
સોડિયમનું પ્રમાણ નિયંત્રિત રાખવું જરૂરી
નિષ્ણાંતના જણાવ્યા મુજબ, હાઈ બીપીના દર્દીઓ માટે સૌથી મહત્વની બાબત દૈનિક આહારમાં સોડિયમની માત્રા ને કાબૂમાં રાખવાની છે. બંને પ્રકારના મીઠાંમાં સોડિયમનું સ્તર લગભગ સરખું હોવાથી તેનો ઉપયોગ કરતી વખતે પ્રમાણનું ધ્યાન રાખવું જરૂરી છે. દર્દીઓ માટે સામાન્ય નમક બદલીને સિંધવ મીઠું અપનાવવાથી કોઈ વધારાનો ફાયદો થતો નથી.
Instagram Embed
A post shared by Dr. (Prof.) Rohit Gupta (@drrohitgupta_neurologist)
વધુ પડતું મીઠું ખાવાના ગેરફાયદા
રોજિંદા ખોરાકમાં નમકનું પ્રમાણ વધુ રહે તો હાઈ બ્લડ પ્રેશર (હાઈપરટેન્શન) ની સમસ્યા યથાવત રહી શકે છે. આ ઉપરાંત વધુ પડતા મીઠાંના સેવનથી હૃદયરોગ, બ્રેઈન સ્ટ્રોક, પેરાલિસિસ અને કિડની સંબંધિત બીમારીઓ થવાનું જોખમ પણ વધી શકે છે.
દિવસમાં કેટલું મીઠું ખાવું જોઈએ?
વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) ના નિયમ મુજબ, એક પુખ્ત વ્યક્તિએ દિવસમાં 5 ગ્રામ કરતાં ઓછું નમક ખાવું જોઈએ, જે આશરે એક નાની ચમચી જેટલું થાય છે.
હાઈ બીપીના દર્દીઓએ ધ્યાનમાં રાખવાની બાબતો
સામાન્ય હોય કે સિંધવ મીઠું, ખોરાકમાં મીઠાંની માત્રા ઓછી રાખવી.
અથાણાં, પાપડ, ચિપ્સ, ફરસાણ/નમકીન અને પેકેજ્ડ ફૂડનું સેવન ઘટાડવું, કારણ કે તેમાં મીઠાંનું પ્રમાણ ખૂબ વધુ હોય છે.
નિયમિત રીતે બ્લડ પ્રેશર તપાસતા રહેવું.
નિષ્ણાંતની સલાહ મુજબ દવાઓ લેવી અને પોતાની રીતે દવા બંધ કરવી નહીં.








