Dengue Vaccine India:દેશમાં દર વર્ષે ચોમાસા બાદ અનેક રાજ્યોમાં મચ્છરજન્ય રોગ ડેન્ગ્યૂનો ભારે ઉપદ્રવ જોવા મળે છે. પરંતુ આ વખતે દેશના સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને આશાસ્પદ શરુઆત થઈ છે. ભારતમાં પ્રથમ વખત ડેન્ગ્યૂ સામે રક્ષણ આપવા માટે વેક્સિનેશન ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. તમિલનાડુના તેનકાસી જિલ્લાના કડયનલ્લુર ખાતે પાયલટ પ્રોજેક્ટ તરીકે આ અભિયાનનો શુભારંભ થયો છે. આ મહત્વપૂર્ણ પગલાં સાથે જ ભારતમાં ડેન્ગ્યૂ સામેની લડાઈમાં એક નવો અધ્યાય શરૂ થયો છે.
બે ડોઝ અને 80% સુધી સુરક્ષા: સ્વાસ્થ્ય મંત્રીનો દાવો
આ ખાસ અભિયાનની શરુઆત પ્રસંગે રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી કે.જી. અરુણરાજે માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ વેક્સિનેશન ડ્રાઈવ હેઠળ નાગરિકોને 3 મહિનાના સમયગાળા અંતરે કુલ બે ડોઝ આપવામાં આવશે. આ વેક્સિન લેવાથી ડેન્ગ્યૂના સંક્રમણ અને તેના ગંભીર લક્ષણો સામે 80% સુધીની મજબૂત સુરક્ષા મળી શકે છે. આ વેક્સિન માત્ર સામાન્ય તાવથી જ નહીં, પરંતુ દર્દીને હોસ્પિટલમાં ભરતી થવાની કે ગંભીર સ્થિતિમાં પહોંચવાની નોબતથી પણ બચાવશે.
શું છે જાપાની કંપનીની 'Qdenga' વેક્સિન?
આ રસીનું નામ 'Qdenga' છે, જેને જાપાનની જાણીતી ફાર્માસ્યુટિકલ કંપની ટાકેડા (Takeda) દ્વારા તૈયાર કરવામાં આવી છે. ભારતની સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) દ્વારા આ વેક્સિનને 4 થી 60 વર્ષની વયના લોકો માટે ઉપયોગમાં લેવાની મંજૂરી આપવામાં આવી છે. ડેન્ગ્યૂ વાયરસના મુખ્ય ચાર અલગ-અલગ સ્ટ્રેન (વાયરસના પ્રકાર) હોય છે અને આ Qdenga વેક્સિન આ ચારેય સ્ટ્રેન સામે રક્ષણ પૂરું પાડવા સક્ષમ છે.
પાયલટ પ્રોજેક્ટના આધારે ઘડાશે ભવિષ્યની યોજના
હાલના તબક્કે આ રસીકરણ અભિયાન માત્ર પાયલટ પ્રોજેક્ટ તરીકે જ અમલમાં મૂકાયું છે. એટલે કે, તાત્કાલિક ધોરણે સમગ્ર દેશ કે રાજ્યમાં માસ વેક્સિનેશન કરવામાં આવશે નહીં. કડયનલ્લુર ખાતે આ પ્રોજેક્ટના પરિણામો, લોકોમાં રસીથી બનતી એન્ટિબોડીઝ અને તેની અસરકારકતાનું નિરીક્ષણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ સફળ રહ્યા બાદ પ્રાપ્ત થયેલા ડેટાના આધારે ભવિષ્યમાં રાજ્ય અને દેશવ્યાપી રસીકરણ કાર્યક્રમની રૂપરેખા ઘડવામાં આવશે.
ડેન્ગ્યૂનું જોખમ અને શરીર પર તેની અસર
ડેન્ગ્યૂ એ વાયરલ ઇન્ફેક્શન છે, જે સંક્રમિત 'એડીઝ એજિપ્ટી' (Aedes aegypti) નામના મચ્છરના કરડવાથી ફેલાય છે. ડેન્ગ્યૂ થવા પર દર્દીને સખત તાવ, અસહ્ય માથાનો દુઃખાવો, સ્નાયુઓ તેમજ આંખોની પાછળના ભાગમાં તીવ્ર દુઃખાવો થાય છે. કેટલાક કિસ્સાઓમાં ડેન્ગ્યૂ અત્યંત ગંભીર રૂપ ધારણ કરી લે છે, જેનાથી શરીરમાં બ્લડ પ્લેટલેટ્સ ઝડપથી ઘટવા લાગે છે. તેના કારણે ડેન્ગ્યૂ શોક સિન્ડ્રોમ જેવી જીવલેણ સ્થિતિ પણ સર્જાઈ શકે છે. અત્યાર સુધી આ રોગ સામે કોઈ ચોક્કસ વેક્સિન ન હોવાથી માત્ર લક્ષણો આધારિત સારવાર જ વિકલ્પ હતી.
રસી માનવ શરીરમાં કેવી રીતે કામ કરે છે?
અનેક લોકોના મનમાં સવાલ હોય છે કે આ વેક્સિન કઈ રીતે કામ કરે છે. Qdenga વેક્સિનમાં ડેન્ગ્યૂ વાયરસના અત્યંત નબળા પાડેલા સ્વરૂપ (Live Attenuated Virus) નો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે આ વેક્સિન વ્યક્તિને આપવામાં આવે છે, ત્યારે તે સ્વસ્થ શરીરને બીમાર કર્યા વગર જ એક કુદરતી સંક્રમણ જેવી સ્થિતિ ઊભી કરે છે. માનવ શરીરનું રોગપ્રતિકારક તંત્ર આ નબળા વાયરસને ઓળખી લે છે અને તેની સામે રક્ષણાત્મક એન્ટિબોડીઝ બનાવવાનું શરૂ કરે છે. ભવિષ્યમાં જ્યારે કોઈ વાસ્તવિક અને ખતરનાક ડેન્ગ્યૂ વાયરસ શરીર પર હુમલો કરે છે, ત્યારે આ પહેલેથી તૈયાર એન્ટિબોડીઝ તેને તરત જ ઓળખીને નષ્ટ કરી દે છે.








