Dermatologist Skin Care Tips: ચહેરાની સુંદરતા અને ચમક જાળવી રાખવા માટે લોકો બજારમાં મળતા મોંઘા-મોંઘા સ્કિન કેર પ્રોડક્ટ્સનો આડેધડ ઉપયોગ કરતા હોય છે પરંતુ, આ પ્રોડક્ટ્સ ઉપરાંત રસોડામાં કે ઘરમાં જ રહેલી કેટલીક સામાન્ય ચીજો પણ ત્વચાની યોગ્ય સંભાળ રાખવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. આ બધી ચીજોમાં દહીંનું નામ સૌથી ઉપર આવે છે. દહીં ખાવાનો સ્વાદ તો વધારવાની સાથેસાથે સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ માનવામાં આવે છે, પરંતુ આ બધાથી અલગ તે ત્વચાનો નિખાર વધારવામાં પણ જાદુઈ અસર કરે છે. પ્રખ્યાત ડર્મેટોલોજિસ્ટે ચહેરા પર દહીં લગાવવાના અદ્ભુત ફાયદાઓ વિશે વિગતવાર જણાવ્યું છે.
ચહેરા પર દહીં લગાવવાથી ત્વચા પર શું અસર થાય છે?
ડર્મેટોલોજિસ્ટના જણાવ્યા અનુસાર, દહીંમાં ભરપૂર પ્રમાણમાં લેક્ટિક એસિડ મળી આવે છે. આ એક હળવું એક્સ્ફોલિયેટિંગ એસિડ છે, જે ત્વચાની ઉપરની સપાટી પર જામેલા મૃત કોષોને દૂર કરવામાં ખૂબ જ મદદ કરે છે. જેના કારણે ત્વચા અંદરથી સાફ થાય છે અને એકદમ મુલાયમ અનુભવાય છે. આ સિવાય દહીંમાં રહેલું કુદરતી ફેટ અને પ્રોટીન ત્વચાને અંદરથી પોષણ અને ભેજ પૂરો પાડે છે. જો તમારી ત્વચા શુષ્ક અને નિસ્તેજ દેખાઈ રહી છે, તો નિયમિત દહીં લગાવવાથી ત્વચા હેલ્ધી, ગ્લોઈંગ અને સાફ બની શકે છે.
આ ઘરેલુ નુસ્ખા પણ ત્વચા માટે છે અત્યંત ફાયદાકારક
દહીં ઉપરાંત ડર્મેટોલોજિસ્ટ દ્વારા ત્વચાને સ્વસ્થ રાખવા માટે અન્ય બે મહત્વના ઘરેલુ નુસ્ખા પણ જણાવવામાં આવ્યા છે, જેને તમે સરળતાથી અપનાવી શકો છો.
ગ્લિસરીન અને ગુલાબ જળનો પ્રયોગ કરો
અંકિતા વ્યાસ જણાવે છે કે ચહેરા પર ગ્લિસરીન અને શુદ્ધ ગુલાબ જળ મિક્સ કરીને લગાવવાથી ત્વચાને બેજોડ ફાયદો થાય છે. ગ્લિસરીન એક ઉત્તમ હ્યુમેક્ટન્ટ છે એટલે કે તે ત્વચાની અંદર ભેજને ખેંચીને જાળવી રાખવામાં મદદ કરે છે. તેને સ્ટીમ-ડિસ્ટીલ્ડ ગુલાબ જળ સાથે મિક્સ કરીને લગાવવાથી સૂકી કે ડિહાઇડ્રેટ થયેલી ત્વચાને તાત્કાલિક રાહત અને મોઇશ્ચરાઈઝેશન મળે છે.
બેસન અને મધનો ફેસ પેક
આ બધા વિકલ્પો ઉપરાંત તમે તમારા ચહેરા પર બેસન અને મધનો ઉપયોગ કરીને પણ હોમમેઇડ ફેસ પેક બનાવીને લગાવી શકો છો. સ્કિન એક્સપર્ટના મતે, બેસન ત્વચાને કુદરતી રીતે એક્સ્ફોલિયેટ કરવામાં મદદ કરે છે, જ્યારે મધ ત્વચામાં ભેજ અને નરમાશ જાળવી રાખવાનું કામ કરે છે. આ બંનેનું મિશ્રણ ત્વચા માટે ખૂબ જ ગુણકારી સાબિત થાય છે.
આ ખાસ બાબતોનું ચોક્કસ ધ્યાન રાખો
ડર્મેટોલોજિસ્ટ સલાહ આપે છે કે આ ઘરેલુ નુસ્ખા ભલે ખૂબ જ ફાયદાકારક હોય, પરંતુ દરેક વ્યક્તિની ત્વચાનો પ્રકાર અલગ-અલગ હોય છે. તેથી ચહેરા પર સીધો કોઈપણ નુસ્ખો અજમાવતા પહેલા પેચ ટેસ્ટ અવશ્ય કરો. જો આ પ્રયોગો કરવાથી ત્વચા પર લાલાશ, બળતરા કે વધુ પડતી ખુલી જેવી સમસ્યા જણાય, તો આ ચીજોનો ચહેરા પર ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.








