Who Should Avoid Fenugreek Seeds?: ભારતીય રસોઈઘરમાં મેથીના દાણાનો ઉપયોગ સામાન્ય રીતે શાક કે દાળમાં વઘાર કરવા માટે કરવામાં આવે છે. પરંતુ આજના સમયમાં લોકો સ્વાસ્થ્ય જાગરૂકતાના ભાગરૂપે વજન ઘટાડવા અને સુગર કંટ્રોલ કરવા માટે સવારે ખાલી પેટે મેથીનું પાણી પીતા હોય છે અથવા પલાળેલી મેથી ખાતા હોય છે. ફાઈબર, આયર્ન, મેંગેનીઝ, મેગ્નેશિયમ અને વિટામિન-સી જેવા મહત્વપૂર્ણ પોષક તત્વોથી ભરપૂર હોવા છતાં, મેથીના દાણા દરેક વ્યક્તિ માટે ફાયદાકારક હોતા નથી. તબીબી નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, અમુક ચોક્કસ પરિસ્થિતિ ધરાવતા લોકો માટે મેથીનું સેવન ઔષધિને બદલે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
સગર્ભા અને સ્તનપાન કરાવતી મહિલાઓ માટે ચેતવણી
ગર્ભાવસ્થા (Pregnancy) દરમિયાન મહિલાઓએ મેથીના દાણાનું વધુ પડતું કે ઔષધીય માત્રામાં સેવન કરવાનું ટાળવું જોઈએ. નિષ્ણાતોના મતે મેથીના દાણા યુટ્રસ એટલે કે ગર્ભાશયમાં સંકોચન (Uterine Stimulations) પેદા કરી શકે છે, જે સગર્ભા સ્ત્રીઓ માટે જોખમી બની શકે છે. આ ઉપરાંત, જે મહિલાઓ નવજાત શિશુને સ્તનપાન (Breastfeeding) કરાવતી હોય, તેમણે પણ પોતાના આહારમાં મેથીના દાણાનો ઉપયોગ દવાની જેમ કરતા પહેલાં ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે.
સર્જરી કે લોહી પાતળું કરવાની દવાઓ લેતા દર્દીઓ
જો તમારી કોઈ નાની કે મોટી સર્જરી (ઓપરેશન) નક્કી થઈ હોય, તો તેના ઓછામાં ઓછા બે અઠવાડિયા પહેલાં જ મેથીના દાણાનું સેવન સંપૂર્ણપણે બંધ કરી દેવું જોઈએ. મેથી શરીરના બ્લડ ક્લોટિંગ (લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયા) પર અસર કરે છે. ખાસ કરીને જે લોકો લોહી પાતળું કરવાની દવાઓ (જેમ કે Warfarin કે Acitrom) લઈ રહ્યા હોય, તેમણે મેથીના દાણા ન ખાવા જોઈએ. આ દવાઓ સાથે મેથીનું સેવન કરવાથી બ્લીડિંગ (રક્તસ્રાવ) થવાનું જોખમ વધી જાય છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે હાઈપોગ્લાયસેમિયાનું જોખમ
સામાન્ય રીતે મેથીના દાણા બ્લડ સુગરને નિયંત્રિત કરવા માટે ખૂબ ઉપયોગી માનવામાં આવે છે. પરંતુ જો તમે ઈન્સ્યુલિન (Insulin) લઈ રહ્યા છો અથવા સુગર કંટ્રોલ માટે Glimepiride જેવી શક્તિશાળી દવાઓનો ઉપયોગ કરો છો, તો અતિશય મેથીનું સેવન તમારા માટે ચિંતાનું કારણ બની શકે છે. દવાઓ અને મેથી બંને ભેગા થવાથી બ્લડ સુગર લેવલ અચાનક ખૂબ જ ઘટી શકે છે (Hypoglycemia), જેનાથી ચક્કર આવવા, નબળાઈ અનુભવવી કે બેભાન થઈ જવા જેવી ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે.
સંવેદનશીલ પાચનતંત્ર અને IBS ની સમસ્યા
સામાન્ય પેટના ગેસ કે અપચામાં મેથીના દાણા રાહત આપે છે, પરંતુ જો તમારું પાચનતંત્ર ખૂબ જ સંવેદનશીલ હોય અથવા તમે 'ઈરીટેબલ બાઉલ સિન્ડ્રોમ' (IBS) ની સમસ્યાથી પીડાતા હોવ, તો દરરોજ મેથીના દાણા ખાવાથી બચવું જોઈએ. મેથીની ગરમ તાસીર અને ઉચ્ચ ફાઈબરના કારણે sensitive digeston ધરાવતા લોકોને પેટમાં દુખાવો, મરડો, ઝાડા કે ગેસની તકલીફ ઘટી જવાને બદલે વધી શકે છે.
આરોગ્યપ્રદ ટેવો અપનાવતા પહેલાં ડૉક્ટરની સલાહ જરૂરી
કોઈપણ કુદરતી કે ઘરગથ્થુ ઉપચાર સ્વાસ્થ્ય માટે ત્યારે જ ફાયદાકારક નીવડે છે જ્યારે તે તમારા શરીરની પ્રકૃતિને અનુકૂળ હોય. જો તમે આમાંથી કોઈ પણ રોગ કે શારીરિક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હોવ, તો મેથીના દાણાનો ઉપયોગ દવાની જેમ શરૂ કરતા પહેલાં તમારા ફિઝિશિયન અથવા ડાયબિટોલોજિસ્ટની યોગ્ય સલાહ ચોક્કસ લો. સંતુલિત આહાર અને યોગ્ય તબીબી માર્ગદર્શન જ તમને લાંબા ગાળે સ્વસ્થ રાખી શકે છે.








