Surat to Udaipur Vande Bharat Express: દક્ષિણ ગુજરાતના ટેક્સટાઇલ અને ડાયમંડ સીટી સુરત તેમજ રાજસ્થાનના પ્રખ્યાત પ્રવાસન સ્થળ 'લેક સિટી' ઉદયપુર વચ્ચે મુસાફરી કરતા લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. રેલવે મંત્રાલય દ્વારા સુરતથી ઉદયપુર સિટી વચ્ચે નવી અદ્યતન વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે. શનિ-રવિ કે તહેવારોની રજાઓમાં પરિવાર કે મિત્રો સાથે ઉદયપુરનો પ્લાન બનાવતા પ્રવાસીઓ માટે આ ટ્રેન સૌથી શ્રેષ્ઠ અને ઝડપી વિકલ્પ સાબિત થશે.
13 કલાકના બદલે સાડા સાત કલાકમાં પહોંચશો
હાલના સમયે સુરત અને ઉદયપુર વચ્ચે માત્ર એક જ ડાયરેક્ટ ટ્રેન (ઉદયપુર સિટી - બાંદ્રા સુપરફાસ્ટ એક્સપ્રેસ) ચાલે છે. આ ટ્રેન મારફતે 694 કિલોમીટરનું અંતર કાપવામાં મુસાફરોને લગભગ 13 કલાક જેટલો લાંબો સમય લાગી જાય છે. જોકે, નવી શરૂ થનારી વંદે ભારત એક્સપ્રેસ આ 694 કિલોમીટરની સફર માત્ર 7 કલાક અને 30 મિનિટમાં જ પૂર્ણ કરી દેશે. આનાથી મુસાફરોના સમયની મોટી બચત થશે અને મુસાફરી પણ એકદમ આરામદાયક બનશે.
11 ઓક્ટોબર આસપાસ શરૂ થવાની શક્યતા
આ નવી સુવિધા આગામી તહેવારોની મોસમમાં મુસાફરો માટે મોટી ભેટ સમાન બનશે. મળતી માહિતી મુજબ, ઉદયપુર અને સુરત વચ્ચેની આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન નવરાત્રિના પ્રથમ નોરતા એટલે કે 11 ઓક્ટોબરની આસપાસ શરૂ કરવામાં આવી શકે છે. રેલવે તંત્ર દ્વારા ભારતીય રેલવેની હયાત ઉદયપુર સિટી - અસારવા વંદે ભારત એક્સપ્રેસને જ નવા નામ અને નંબર સાથે સુરત સુધી લંબાવવામાં આવી રહી છે.
ટ્રેનનો નંબર અને અઠવાડિયામાં કેટલા દિવસ દોડશે?
સુરતથી ઉદયપુર સિટી તરફ જતી વંદે ભારત એક્સપ્રેસનો નંબર 26903 રહેશે. જ્યારે ઉદયપુર સિટીથી પરત સુરત આવતી ટ્રેનનો નંબર 26904 આપવામાં આવ્યો છે. આ હાઇ-સ્પીડ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ દોડશે, જ્યારે મંગળવારે આ ટ્રેનની સેવા બંધ રહેશે જેથી ટ્રેનનું મેન્ટેનન્સ અને જાળવણીનું કામ થઈ શકે.
સુરત-ઉદયપુર વંદે ભારતનું સમયપત્રક
સમયપત્રકની વાત કરીએ તો, ટ્રેન નંબર 26903 સુરત રેલવે સ્ટેશનથી સવારે 06.10 વાગ્યે પ્રસ્થાન કરશે અને બપોરે 01.40 વાગ્યે ઉદયપુર સિટી પહોંચાડી દેશે. ત્યારબાદ પરત ફરતી વખતે, ટ્રેન નંબર 26904 ઉદયપુરથી બપોરે 03.35 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે રાત્રે 11.00 વાગ્યે સુરત પરત પહોંચશે. દિવસ દરમિયાન જ સફર પૂરી થતી હોવાથી બિઝનેસમેન અને પ્રવાસીઓ બંને માટે આ સમય ખૂબ જ અનુકૂળ રહેશે.
રૂટ અને મહત્વના સ્ટેશનો
સુરત અને ઉદયપુર વચ્ચેની આ મુસાફરી દરમિયાન વંદે ભારત એક્સપ્રેસ ગુજરાત અને રાજસ્થાનના મુખ્ય સ્ટેશનોને સાંકળી લેશે. આ ટ્રેન ભરૂચ, વડોદરા, આણંદ, મણિનગર, અસારવા, હિંમતનગર, શામળાજી રોડ, ડુંગરપુર અને ઝવેર રેલવે સ્ટેશનો પર રોકાણ લેશે. આ સ્ટેશનો પર રોકાણ હોવાને કારણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના મુસાફરોને પણ રાજસ્થાન જવામાં મોટી સુવિધા મળશે.








