Thigh Muscle Health Benefits: આજના સમયમાં મોટાભાગના લોકો શરીરનું વજન ઘટાડીને પાતળા થવાને જ શ્રેષ્ઠ સ્વાસ્થ્ય માનવાની ભૂલ કરી બેસે છે પરંતુ, વાસ્તવમાં તંદુરસ્ત શરીરનો આધાર માત્ર પાતળા કે જાડા હોવા પર નહીં પણ શરીરમાં રહેલા મસલ્સ માસ (માંસપેશીઓની તાકાત) પર રહેલો છે. કેલિફોર્નિયાના જાણીતા ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ (પેટ અને લિવર રોગ નિષ્ણાત) ડો. સૌરભ સેઠીએ સાથળના સ્નાયુઓનું સ્વાસ્થ્યમાં શું યોગદાન છે અને તેને કેવી રીતે મજબૂત બનાવી શકાય તે અંગે મહત્વપૂર્ણ માહિતી આપી છે.
પાતળી સાથળ અને સ્વાસ્થ્ય વચ્ચેનો સંબંધ
વિવિધ વૈજ્ઞાનિક સંશોધનોમાં સામે આવ્યું છે કે, જે લોકોની સાથળનો ઘેરાવો ઓછો હોય છે અથવા જેમના પગના સ્નાયુઓ ખૂબ નબળા હોય છે, તેમનામાં હૃદય સંબંધિત બીમારીઓ અને અકાળે મૃત્યુનો ભય વધુ જોવા મળે છે. જોકે, એનો અર્થ એવો બિલકુલ નથી કે શરીર પર ચરબી વધારવી સારી છે. મૂળ વાત એ છે કે તમારી સાથળમાં સ્નાયુઓનું પ્રમાણ (Muscle Mass) કેટલું છે. મજબૂત સ્નાયુઓ શરીરને અનેક ગંભીર બીમારીઓથી દૂર રાખવામાં કવચ તરીકે કામ કરે છે.
સાથળના સ્નાયુઓનું શારીરિક મહત્વ
માનવ શરીરમાં સાથળની માસપેશીઓ સૌથી મોટી અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેના મુખ્ય ફાયદાઓ નીચે મુજબ છે.
મેટાબોલિઝમ અને ઇન્સ્યુલિન સેન્સિટિવિટી: મજબૂત સ્નાયુઓ શરીરમાં ગ્લુકોઝનો યોગ્ય ઉપયોગ કરવામાં મદદ કરે છે. આનાથી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી સુધરે છે, જે ટાઇપ-2 ડાયાબિટીસના જોખમને ઘટાડે છે.
હૃદયનું સ્વાસ્થ્ય: પગના સ્નાયુઓનો સક્રિય ઉપયોગ કરવાથી સમગ્ર શરીરમાં રક્ત પરિભ્રમણ (Blood Circulation) સુધરે છે. આનાથી બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે, જેથી હૃદયરોગનો હુમલો આવવાનું જોખમ ઘટે છે.
શરીરનું સંતુલન અને ઉંમર: વધતી ઉંમર સાથે સ્નાયુઓની તાકાત જાળવી રાખવી જરૂરી છે, જેથી શરીરનું સંતુલન જળવાય અને હાડકાં નબળાં પડતાં અટકે.
સાથળના સ્નાયુઓને મજબૂત રાખવાના સરળ ઉપાયો
સાથળના સ્નાયુઓને મજબૂત બનાવવા માટે જીમમાં જઈને ભારે વજન ઊંચકવું જ જરૂરી નથી. દૈનિક જીવનમાં નીચે મુજબની સરળ પ્રવૃત્તિઓ કરીને પણ સ્નાયુઓ મજબૂત કરી શકાય છે:
લિફ્ટનો ઉપયોગ કરવાના બદલે સીડીઓ ચઢવી.
ઢાળવાળા રસ્તા કે ટેકરીઓ પર ચાલવાની ટેવ પાડવી.
કોઈપણ વજન વગર બોડીવેટ સ્ક્વોટ્સ (Squats) કરવા.
ખુરશી પર હાથના સહારા વગર વારંવાર બેસવું અને ઊભા થવું.
દરરોજ નિયમિતપણે ઝડપી ચાલવું (Brisk Walking).
સાથળના સ્નાયુઓ અને સ્વાસ્થ્ય અંગે વિશેષ માહિતી
સરકોપેનિયા (Sarcopenia)નું જોખમ: 40 વર્ષની ઉંમર પછી માનવ શરીરમાંથી દર વર્ષે કુદરતી રીતે 1% સુધી સ્નાયુઓ ઘટવા લાગે છે. આ પ્રક્રિયાને સરકોપેનિયા કહે છે. જો પગના સ્નાયુઓ મજબૂત ન રાખવામાં આવે તો વૃદ્ધાવસ્થામાં ચાલવામાં તકલીફ અને પડવાનો ભય વધી જાય છે.
માયોકાઇન્સ (Myokines) હોર્મોન: જ્યારે આપણે સાથળના સ્નાયુઓનો ઉપયોગ કરીને કસરત કરીએ છીએ ત્યારે મસલ્સમાંથી 'માયોકાઇન્સ' નામના પ્રોટીન મુક્ત થાય છે. આ પ્રોટીન શરીરમાં સોજો (Inflammation) ઓછો કરે છે અને મગજના કાર્યરત રહેવામાં મદદ કરે છે.
પ્રોટીનયુક્ત આહારનું મહત્વ: મસલ્સ માસ જાળવી રાખવા માટે માત્ર કસરત જ નહીં, પરંતુ ખોરાકમાં યોગ્ય માત્રામાં પ્રોટીન (જેમ કે કઠોળ, પનીર, ઈંડાં, પનીર કે દાળ) લેવું અત્યંત જરૂરી છે.








