Air Fryer vs Deep Frying: આજકાલ એર ફ્રાયરમાં ખોરાક બનાવવાનો ટ્રેન્ડ ઘણો વધી ગયો છે.ઘણા એક્સપર્ટ્સ અને ઇન્ફ્લુએન્સર્સ કહે છે કે, એર ફ્રાયરમાં બનેલો ખોરાક હેલ્ધી હોય છે, પરંતુ તાજેતરમાં એક નિષ્ણાત ડૉક્ટરે ચેતવણી આપી છે કે જો એર ફ્રાયરનો ખોટો ઉપયોગ કરવામાં આવે તો તે નુકસાનકારક સાબિત થઈ શકે છે. એર ફ્રાયરમાં તેલ ખૂબ ઓછું વપરાય છે અને કેટલીક હાનિકારક વસ્તુઓની માત્રા ઘટે છે, પરંતુ તે અનહેલ્ધી ખોરાકને હેલ્ધી બનાવી શકતું નથી.ચાલો જાણીએ કે નિષ્ણાતો એર ફ્રાયર વિશે શું કહે છે?
એર ફ્રાયર ખરેખર હેલ્ધી છે?
એર ફ્રાયરને હેલ્ધી માનવામાં આવે છે અને તેનું કારણ એ છે કે, ડીપ ફ્રાઈંગની તુલનામાં તેમાં 70થી 90 ટકા ઓછું તેલ વપરાય છે. તેના કારણે કેલરી અને ફેટની માત્રા ઘણી ઓછી થઈ જાય છે. સાથે જ તેલને વારંવાર ગરમ કરવાની જરૂર પણ પડતી નથી. એર ફ્રાઈંગથી એક્રેલામાઇડ નામના હાનિકારક પદાર્થનું શરીરમાં જમા થવાનું પણ ઓછું થાય છે. આ પદાર્થ સંભવિત રીતે કેન્સર પેદા કરી શકે છે અને સ્ટાર્ચવાળા ખોરાકને ખૂબ ઊંચા તાપમાને પકવવાથી બને છે. ફૂડ સેફ્ટી રિસર્ચ, ફૂડ કેમિસ્ટ્રી અને 'ક્રિટિકલ રિવ્યૂઝ ઇન ફૂડ સાયન્સ એન્ડ ન્યુટ્રિશન' જેવી મેગેઝીનમાં પણ આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
એર ફ્રાઈંગ ડીપ ફ્રાઈંગ કરતાં સારું છે?
એર ફ્રાયર ડીપ ફ્રાઈંગ કરતાં વધારે સારો વિકલ્પ છે, કારણ કે તેમાં સ્વાસ્થ્યને થતું નુકસાન ઓછું હોય છે. મેડિકલ સાયન્સની દ્રષ્ટિએ ઓછું નુકસાનનો અર્થ એ છે કે, ઓછી હાનિકારક રીત પસંદ કરવી,સંપૂર્ણ નિર્દોષ રીત અપનાવવી નહીં. એર ફ્રાયર ત્યારે જ મદદરૂપ થાય છે જ્યારે તમે પહેલેથી જ સંતુલિત આહાર લો છો. જો તમે વધારે પ્રોસેસ્ડ, સ્ટાર્ચવાળો અને વધારે મીઠું ધરાવતો ખોરાક ખાઓ છો, તો એર ફ્રાયર કોઈ ખાસ ફાયદો નથી કરતું.
એર ફ્રાઈંગ અને જંક ફૂડ
મોમોઝ, ચિકન નગેટ્સ, ફ્રાઈઝ અથવા પનીર ટિક્કા જેવા વધુ પ્રોસેસ્ડ ખોરાકને એર ફ્રાયરમાં બનાવવાથી તે હેલ્ધી બની જતાં નથી. પ્રોસેસ્ડ કાર્બોહાઇડ્રેટ, પ્રિઝર્વેટિવ્સ અને વધારે સોડિયમની માત્રા તેમાં જેવી હતી તેવી જ રહે છે. રિસર્ચમાં વારંવાર સાબિત થયું છે કે વધુ પ્રોસેસ્ડ ખોરાકને ભલે કેવી પણ રીતે બનાવવામાં આવે, તેનાથી મેદસ્વિતા, મેટાબોલિક સમસ્યાઓ અને હૃદય સંબંધિત બીમારીઓ થતી જ રહે છે.
એર ફ્રાયર અને તેની સાથે જોડાયેલા ભ્રમ
એર ફ્રાયર એટલા માટે લોકપ્રિય થયા છે કારણ કે, તે ખોરાક બનાવવાની ઓછી નુકસાનકારક રીત છે.તે ડીપ ફ્રાઈંગ કરતાં હેલ્ધી છે, લોકો માનવા લાગે છે કે તેમાં બનેલો દરેક ખોરાક હેલ્ધી જ હશે, ભલે તે જંક ફૂડ કેમ ન હોય. આવો ભ્રમ લોકોને વધારે ખાવા, વારંવાર નાસ્તો કરવા અને પ્રોસેસ્ડ તૈયાર ખોરાક પર વધુ નિર્ભર બનવા તરફ ધકેલે છે, જેના કારણે સ્વાસ્થ્ય બગડે છે. આવી વિચારધારા વજન ઘટાડવામાં પણ અડચણ બની શકે છે અને મેટાબોલિક બીમારીઓનું કારણ બની શકે છે.
એર ફ્રાયર ક્યારે ફાયદાકારક સાબિત થાય છે?
એર ફ્રાયર ત્યારે ફાયદાકારક બને છે જ્યારે તમે સંતુલિત ભોજન લો, ઓછું ફેટ ખાઓ, પૂરતું પ્રોટીન લો, ફાઈબરવાળી શાકભાજી ખાઓ અને ઓછામાં ઓછો પ્રોસેસ્ડ ખોરાક લો. શાકભાજી, ગ્રિલ્ડ માછલી, પનીર, ટોફૂ, ઈંડા, દાળ અથવા ઓછા મીઠા અને ફેટવાળા ઘરગથ્થુ નાસ્તા એર ફ્રાયરમાં બનાવી શકાય છે.
એર ફ્રાયર ક્યારે નુકસાનકારક બની શકે છે?
જ્યારે એર ફ્રાયર જંક ફૂડ બનાવવાની મશીન બની જાય અને તમને એવું લાગવા લાગે કે જંક ફૂડને એર ફ્રાયરમાં બનાવીને ખાવાથી કોઈ નુકસાન નહીં થાય, ત્યારે તે હાનિકારક સાબિત થાય છે. વારંવાર એર-ફ્રાઈડ ફ્રોઝન નાસ્તા ખાવા, જરૂર કરતાં વધારે ખાવું અને માત્ર ખોરાક બનાવવાની રીતને જ હેલ્ધી માનવી, આ બધું એર ફ્રાયર સાથે જોડાયેલા નુકસાનમાં આવે છે. એર ફ્રાયરથી મળતા પરિણામો તેના પર આધાર રાખે છે કે તમે શું ખાઓ છો,કેટલું ખાઓ છો અને કેટલી વાર ખાઓ છો.








