Divya Vinekar Passes Away: ભારતીય સિનેમા અને મનોરંજન ક્ષેત્રમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. આલિયા ભટ્ટની લોકપ્રિય ફિલ્મ 'ડાર્લિંગ્સ'માં પોતાની સહજ અદાકારીથી દર્શકોનું ધ્યાન ખેંચનાર પ્રતિભાશાળી અભિનેત્રી દિવ્યા વિનેકરનું અચાનક અવસાન થયું છે. માત્ર 40 વર્ષની નાની વયે તેમણે દુનિયાને અલવિદા કહી દેતાં સમગ્ર બોલિવૂડ અને ડિજિટલ ક્રિએટર જગતમાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે. અચાનક બનેલી આ ઘટનાથી તેમના પરિવારજનો, સાથી કલાકારો અને ચાહકો ભારે સ્તબ્ધતા અનુભવી રહ્યા છે.
RJ રોહિણી રામનાથને આપી આઘાતજનક માહિતી
દિવ્યાના આકસ્મિક નિધનના સમાચાર તેમની નજીકની મિત્ર અને જાણીતી રેડિયો જોકી (RJ) રોહિણી રામનાથને સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. એક અત્યંત ભાવુક પોસ્ટમાં રોહિણીએ જણાવ્યું કે દિવ્યાનું આપણી વચ્ચેથી ચાલ્યા જવું સાવ અણધાર્યું અને આઘાતજનક હતું. તેમણે દિવ્યાને સ્નેહપૂર્વક 'DV' કહીને સંબોધતાં લખ્યું કે તે અંગત અને વ્યાવસાયિક બંને સ્તરે તેમની માટે એક મજબૂત આધારસ્તંભ સમાન હતી. કામ પ્રત્યેનું સમર્પણ, દયાળુ સ્વભાવ અને ઊંડી સમજણ તેને અન્યો કરતાં સાવ અલગ બનાવતા હતા. આ સાથે જ તેમણે આ મુશ્કેલ સમયમાં દિવ્યાના પરિવારની પ્રાઈવસીનું સન્માન કરવાની નમ્ર અપીલ પણ કરી હતી.
'ડાર્લિંગ્સ' અને 'જલસા' ફિલ્મોમાં બતાવી પોતાની ઓળખ
વર્ષ 2022માં નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ડાર્ક કોમેડી-ડ્રામા ફિલ્મ 'ડાર્લિંગ્સ'માં દિવ્યા વિનેકરે એક લેડી કોન્સ્ટેબલની ભૂમિકા ભજવી હતી. જસ્મીત કે. રીનના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, શેફાલી શાહ, વિજય વર્મા અને રોશન મેથ્યુ મુખ્ય ભૂમિકાઓમાં હતા. નાનું પાત્ર હોવા છતાં તેમણે પોતાના અભિનયથી આ પાત્રમાં પ્રાણ પૂરી દીધા હતા. આ સિવાય દિવ્યા વિદ્યા બાલન અને શેફાલી શાહ અભિનીત ચર્ચિત ફિલ્મ 'જલસા'માં પણ સ્ક્રીન ક્રેડિટ્સનો ભાગ બની હતી.
ડિજિટલ માર્કેટિંગથી એક્ટિંગ ક્ષેત્ર સુધીની અનોખી સફર|
દિવ્યા માત્ર એક અભિનેત્રી પૂરતી મર્યાદિત નહોતી. તે એક સર્જનાત્મક ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર, ફ્રીલાન્સ રાઈટર, કવયિત્રી અને થિયેટર કલાકાર પણ હતી. મનોરંજન ક્ષેત્રે પ્રવેશતા પહેલાં તેણે લગભગ એક દાયકા સુધી ડિજિટલ માર્કેટિંગ અને કોર્પોરેટ ક્ષેત્રમાં સેવાઓ આપી હતી. ત્યારબાદ વર્ષ 2018માં પોતાના જુસ્સાને અનુસરીને તેણે પર્ફોર્મિંગ આર્ટ્સમાં કદમ મૂક્યો અને થિયેટર સાથે જોડાયા બાદ કેમેરા સામે કામ કરવાનું શરૂ કર્યું હતું.
મોતનું ચોક્કસ કારણ હજુ પણ અકબંધ
દિવ્યા વિનેકરના અચાનક અવસાનના ચોક્કસ કારણ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કે વિગતો સામે આવી નથી. મુંબઈના શિવાજી પાર્ક હિન્દુ સ્મશાનગૃહ ખાતે તેમનો અંતિમ સંસ્કાર વિધિ સંપન્ન થયો હતો. આટલી નાની વયે અને અચાનક એક પ્રતિભાશાળી કલાકારની વિદાયથી તેમના ચાહકો અને મનોરંજન જગતમાં ભારે દુઃખ વ્યક્ત થઈ રહ્યું છે.








