The Paradise Beats Baahubali and War Record: દક્ષિણ ભારતીય સિનેમાના નેચરલ સ્ટાર નાનીની મોસ્ટ અવેટેડ માસ એક્શન એન્ટરટેનર ફિલ્મ 'ધ પેરેડાઇઝ' સિનેમાઘરોમાં રિલીઝ થતાં જ બોક્સ ઓફિસ પર મોટો ધમાકો કર્યો છે. આ ફિલ્મે પહેલા જ દિવસે કમાણીના તમામ જુના રેકોર્ડ ધ્વસ્ત કરી દીધા છે. વિશ્વભરમાંથી મળેલા આંકડાઓ અનુસાર, ફિલ્મે પોતાના ઓપનિંગ ડે પર અંદાજે રૂ. 75 થી 76 કરોડનું ગ્લોબલ બોક્સ ઓફિસ કલેક્શન કરીને ઇતિહાસ રચી દીધો છે. આ શાનદાર કમાણી સાથે જ આ ફિલ્મ નેચરલ સ્ટાર નાનીના કરિયરની અત્યાર સુધીની સૌથી મોટી ઓપનર ફિલ્મ બની ગઈ છે.
'બાહુબલી: ધ બિગીનિંગ' અને 'વોર' જેવી ફિલ્મોને પાછળ છોડી
'ધ પેરેડાઇઝ' ફિલ્મે પોતાની પ્રથમ દિવસની કમાણીથી બોક્સ ઓફિસના દિગ્ગજોને પણ ચોંકાવી દીધા છે. ફિલ્મે ઓપનિંગ ડે કલેક્શનના મામલે પ્રભાસની ઓલ-ટાઇમ બ્લોકબસ્ટર ફિલ્મ 'બાહુબલી: ધ બિગીનિંગ' (રૂ. 73 કરોડ) અને ઋતિક રોશન-ટાઇગર શ્રોફની એક્શન ફિલ્મ 'વોર' (રૂ. 74 કરોડ)ના રેકોર્ડને પણ પાછળ છોડી દીધા છે. ભારતીય સિનેમાના ઇતિહાસમાં સૌથી મોટું ઓપનિંગ મેળવનારી ટોપ-40 ફિલ્મોની યાદીમાં 'ધ પેરેડાઇઝ' ફિલ્મે પોતાનું સ્થાન મજબૂત કરી લીધું છે.
ભારત સહિત વિદેશોમાં પણ રહ્યો દબદબો
ભારતીય બોક્સ ઓફિસ પર આ ફિલ્મે પેઇડ પ્રીવ્યૂઝ અને પ્રથમ દિવસ મળીને ભારતમાં રૂ. 46 કરોડથી વધુનું નેટ (અંદાજે રૂ. 55 કરોડ ગ્રોસ) કલેક્શન કર્યું છે. સૌથી વધુ પ્રતિસાદ આ ફિલ્મના ઓરિજિનલ તેલુગુ વર્ઝનને મળ્યો છે, જ્યાં થિયેટરોમાં દર્શકોની ભારે ભીડ જોવા મળી હતી. આ સિવાય ઓવરસીઝ એટલે કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પણ ફિલ્મે શાનદાર પ્રદર્શન કરતા અંદાજે 2 મિલિયન ડોલર (રૂ. 22 કરોડ)થી વધુની કમાણી કરી છે. વિદેશોમાં રહેતા ભારતીય સિનેમાના ચાહકો તરફથી ફિલ્મને ખૂબ પ્રેમ મળી રહ્યો છે.
નાનીના કરિયરની સૌથી મોટી ઓપનર
આ પહેલા નેચરલ સ્ટાર નાનીની ફિલ્મ 'હિટ 3' (HIT 3) એ પહેલા દિવસે રૂ. 40 કરોડની કમાણી કરી હતી, જે અત્યાર સુધી તેમની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ હતી. પરંતુ 'ધ પેરેડાઇઝ' ફિલ્મે રૂ.75 કરોડથી વધુનું કલેક્શન કરીને પોતાના જ જૂના રેકોર્ડને ખૂબ મોટા માર્જિનથી તોડી નાખ્યો છે. આ ફિલ્મે 'દસરા' અને 'સરીપોધા સનિવારમ' જેવી સફળ ફિલ્મોના ઓપનિંગ રેકોર્ડ્સને પણ પાછળ છોડી દીધા છે.
દમદાર એક્શન અને જબરદસ્ત સ્ટારકાસ્ટ
શ્રીકાંત ઓડેલાના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'ધ પેરેડાઇઝ' 1980ના દાયકાના સિકંદરાબાદના એક કાલ્પનિક વિસ્તાર પર આધારિત છે. ફિલ્મમાં નાની 'જાદલ' નામના મુખ્ય પાત્રમાં એકદમ રફ-એન્ડ-ટફ લુકમાં જોવા મળે છે, જ્યારે બોલીવુડ કલાકાર રાઘવ જુયાલે વિલનની ભૂમિકામાં પોતાના અભિનયથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા છે. ફિલ્મમાં મોહન બાબુ, સોનાલી કુલકર્ણી અને કાયાડુ લોહાર જેવા દિગ્ગજ કલાકારો પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. ફિલ્મમાં બતાવવામાં આવેલા હાઈ-વોલ્ટેજ એક્શન સીન્સ દર્શકોને થિયેટરમાં જકડી રાખે છે.
નબળા રિવ્યૂ છતાં કમાણીની રફ્તાર ચાલુ
રસપ્રદ વાત એ છે કે કેટલાક ફિલ્મ સમીક્ષકો અને ક્રિટીક્સ તરફથી ફિલ્મને મિશ્ર કે નબળા રિવ્યૂ મળ્યા છે, પરંતુ દર્શકોના ક્રેઝ સામે આ સમીક્ષાઓ નિષ્ફળ સાબિત થઈ છે. માસ ઓડિયન્સ આ ફિલ્મને ખૂબ પસંદ કરી રહી છે. હવે સૌની નજર વીકેન્ડના આંકડાઓ પર ટકેલી છે. ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ્સનું માનવું છે કે જો શનિવાર અને રવિવારે પણ આ જ રફ્તાર જળવાઈ રહેશે તો 'ધ પેરેડાઇઝ' ફિલ્મ કમાણીના ઘણા નવા રેકોર્ડ્સ પોતાના નામે કરશે.








