Tamil Nadu CM Vijay News: વિશ્વ ફોટોગ્રાફી દિવસના અવસરે તમિલનાડુના મુખ્યમંત્રી વિજયે અચાનક પ્રોફેશનલ DSLR કેમેરો હાથમાં લઈ સૌને ચોંકાવી દીધા હતા. સામાન્ય રીતે નેતાઓ અને અન્ય લોકોની તસવીરો લેનારા ફોટોગ્રાફર્સ આ વખતે ખુદ કેમેરાની સામે જોવા મળ્યા હતા. વિજયે પોતે જ ફોટોગ્રાફર બનીને તેમના ફોટા અને વીડિયો પોતાના કેમેરામાં કેદ કર્યા હતા.
CM વિજયે અચાનક હાથમાં લીધો કેમેરો
સચિવાલયમાં ફોટોગ્રાફર્સ સાથેની ખાસ મુલાકાત દરમિયાન વિજયે અચાનક કેમેરો હાથમાં લીધો હતો. ત્યારબાદ તેમણે સચિવાલયમાં પ્રવેશી રહેલા ફોટોગ્રાફર્સની તસવીરો ખેંચવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન તેમણે ફોટોગ્રાફર્સ સાથે વાતચીત કરી તેમનું અભિવાદન પણ કર્યું હતું. વિજયનો આ અનોખો અંદાજ જોઈને આસપાસ હાજર ફોટોગ્રાફર્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સામાન્ય રીતે કેમેરાની પાછળ રહેનારા ફોટોગ્રાફર્સ આ વખતે ખુદ મુખ્યમંત્રીના કેમેરામાં કેદ થઈ રહ્યા હતા.
વિશ્વ ફોટોગ્રાફી દિવસ પર ખાસ અંદાજ
દર વર્ષે 19 ઓગસ્ટે વિશ્વ ફોટોગ્રાફી દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ ફોટોગ્રાફીની કલા, ટેક્નોલોજી અને ઈતિહાસને સન્માન આપવા ઉપરાંત મહત્વપૂર્ણ ઘટનાઓ અને યાદગાર પળોને કેમેરામાં કેદ કરનારા ફોટોગ્રાફર્સની ભૂમિકાને પણ ઉજાગર કરે છે. વિશ્વ ફોટોગ્રાફી દિવસ નિમિત્તે વિજયે ફોટોગ્રાફર્સ સાથે આ અનોખી રીતે સમય વિતાવીને તેમને ખાસ સરપ્રાઈઝ આપ્યું હતું. આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
સિનેમાથી રાજકારણ સુધીની સફર
તમિલ સિનેમામાં સફળ કારકિર્દી બાદ વિજયે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેમણે વર્ષ 2024માં તમિલગા વેટ્રી કઝગમ (TVK) નામની રાજકીય પાર્ટીની શરૂઆત કરી હતી. ત્યારબાદ રાજકીય સફરમાં આગળ વધતા તેઓ તમિલનાડુના મુખ્યમંત્રી બન્યા છે. મુખ્યમંત્રી બન્યા બાદ પણ વિજયનો આ અલગ અંદાજ જોવા મળતાં ફોટોગ્રાફર્સ સાથેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.








