Taarak Mehta Ka Ooltah Chashmah: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં પોપટલાલના લગ્નનો ટ્રેક વર્ષોથી દર્શકોની ઉત્સુકતાનું કારણ રહ્યો છે. પોપટલાલ જ્યારે પણ લગ્નની નજીક પહોંચે છે ત્યારે કહાનીમાં એવો કોઈ વળાંક આવે છે કે વાત ફરી અટકી જાય છે. હવે જમ્મુ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન શોના નિર્માતા અસિત કુમાર મોદીએ પોપટલાલના લગ્ન અંગે કરેલી વાત બાદ આ મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.
પોપટલાલના લગ્ન અંગે શું બોલ્યા અસિત મોદી?
જમ્મુ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન અસિત કુમાર મોદીને પોપટલાલના લગ્ન અંગે સવાલ કરવામાં આવ્યો હતો. જોકે, તેમણે પોપટલાલના લગ્ન ક્યારે થશે અથવા આગામી એપિસોડમાં લગ્નનો ટ્રેક આવશે કે નહીં તેની કોઈ ચોક્કસ જાહેરાત કરી નથી. અસિત મોદીએ જણાવ્યું કે પોપટલાલના લગ્નને લઈને દર્શકોના અભિપ્રાય એકસરખા નથી. કેટલાક ચાહકો પોપટલાલને લગ્ન કરતા જોવા માંગે છે, જ્યારે કેટલાક દર્શકોને તેનું કુંવારા પાત્ર જ વધુ મજેદાર લાગે છે.
અડધા ચાહકો લગ્ન કરાવવા માગે છે?
અસિત મોદીએ હળવા અંદાજમાં કહ્યું હતું કે અંદાજે અડધા દર્શકો પોપટલાલના લગ્નની તરફેણમાં છે, જ્યારે બાકીના લોકો તેને કુંવારો જ જોવા ઈચ્છે છે. એટલે પોપટલાલના લગ્નનો નિર્ણય માત્ર સ્ટોરીમાં આવતા એક ટ્રેક પૂરતો નથી, પરંતુ દર્શકોની પસંદગી સાથે પણ જોડાયેલો છે.
અનેક વખત લગ્નની નજીક પહોંચી ચૂક્યો છે પોપટલાલ
પોપટલાલનું પાત્ર લાંબા સમયથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો મહત્વનો હિસ્સો છે. તેની લગ્ન કરવાની ઉતાવળ અને દરેક વખતે ઊભી થતી ગોટાળાભરી પરિસ્થિતિઓ શોના અનેક કોમેડી ટ્રેકનો ભાગ રહી છે. જ્યારે પણ પોપટલાલને કોઈ યુવતી પસંદ આવે છે ત્યારે તે લગ્નના સપના જોવા લાગે છે. ગોકુલધામ સોસાયટીના સભ્યો પણ ઘણી વખત તેની મદદ માટે આગળ આવે છે. જોકે, અંતે કોઈને કોઈ નવી મુશ્કેલી ઊભી થતાં લગ્નની વાત અધૂરી રહી જાય છે.
દયા ભાભીના કમબેક પર પણ થઈ ચર્ચા
આ જ વાતચીત દરમિયાન દયા ભાભીના પાત્રના કમબેક અંગે પણ ચર્ચા થઈ હતી. અહેવાલો મુજબ, દયા ભાભીના પાત્ર માટે યોગ્ય કલાકારની શોધ અંગે વાત કરવામાં આવી છે. જોકે, તેમના કમબેકની કોઈ ચોક્કસ તારીખ અંગે જાહેરાત કરવામાં આવી નથી. હાલમાં પોપટલાલના લગ્નને લઈને મેકર્સ તરફથી પણ કોઈ અંતિમ જાહેરાત કરવામાં આવી નથી. હવે જોવાનું એ રહેશે કે પોપટલાલ આખરે લગ્નના બંધનમાં બંધાય છે કે પછી તેનું કુંવારા પાત્ર જ શોની કોમેડીનો મહત્વનો હિસ્સો બની રહે છે.








