Taapsee Pannu Gandhari: અભિનેત્રી તાપસી પન્નુ પોતાની આગામી એક્શન થ્રિલર ફિલ્મ 'ગાંધારી'ને લઈને ચર્ચામાં છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન એક વિશિષ્ટ ઈન્ટરવ્યુમાં તાપસીએ બોલિવૂડમાં મહિલા કલાકારો માટે લખાતા પાત્રો, 'મજબૂત મહિલા'ની સાંકડી વ્યાખ્યા અને મહિલા-કેન્દ્રિત એક્શન ફિલ્મો સામેના બેવડા ધોરણો અંગે ખુલ્લેઆમ વાત કરી હતી. તાપસીએ કહ્યું કે 'મજબૂત મહિલા' શબ્દનો એટલો વધુ અને ખોટો ઉપયોગ થયો છે કે હવે તે લગભગ ગાળ જેવો લાગવા લાગ્યો છે.
'મજબૂત મહિલા'ની વ્યાખ્યા હજુ પણ તીવ્રતા સાથે જોડાયેલી
તાપસી પન્નુના મતે 'મજબૂત મહિલા'નો અર્થ હજુ પણ ગંભીર, તીવ્ર અને કઠોર પાત્ર પૂરતો સીમિત કરી દેવામાં આવે છે. તેમણે કહ્યું કે કોઈ મહિલા પાત્ર જો રમૂજી હોય તો તેને નબળું માનવામાં આવે છે અને જો તે ગ્લેમરસ હોય તો પણ તેની મજબૂતી પર સવાલ ઉઠાવવામાં આવે છે. તાપસીએ કહ્યું કે, "તમે એક મજબૂત મહિલા બનીને રમૂજી ન બની શકો? જો તમે રમૂજી છો તો તમે નબળા બની ગયા. તમે મજબૂત મહિલા બનીને ગ્લેમરસ પણ ન બની શકો, કારણ કે પછી લોકો તમને માત્ર ગ્લેમર માટે જુએ છે. શા માટે?" અભિનેત્રીએ વધુમાં કહ્યું કે એક મહિલા એકસાથે મજબૂત, રમૂજી, ગ્લેમરસ અને પોતાની પસંદગી પ્રમાણે જીવતી વ્યક્તિ પણ હોઈ શકે છે. તેમના મતે શક્તિની એક જ વ્યાખ્યા ન હોવી જોઈએ.
'મારી ફિલ્મોગ્રાફીમાં મજબૂત મહિલાઓના પાત્રો ભજવ્યા તેનો અફસોસ નથી'
તાપસીએ સ્પષ્ટ કહ્યું કે તેમણે અત્યાર સુધી જે મજબૂત મહિલાઓના પાત્રો ભજવ્યા છે તેનો તેમને કોઈ અફસોસ નથી. તેમણે સવાલ કર્યો કે કોઈ પુરુષ અભિનેતાને તેની ફિલ્મોગ્રાફીમાં મજબૂત પાત્ર ભજવવા બદલ આ પ્રકારના સવાલો કેમ પૂછવામાં આવતા નથી. તેમણે પોતાની ફિલ્મ 'બેબી'નું ઉદાહરણ આપતા કહ્યું કે તેમાં તેમનો સ્ક્રીન ટાઈમ માત્ર થોડો હતો, છતાં આ પાત્રને કારણે લોકોને તેમનું કામ યાદ રહ્યું અને ત્યારબાદ તેમને 'નામ શબાના'માં મુખ્ય ભૂમિકા મળી. તાપસીએ 'ખેલ ખેલ મેં'નો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ફિલ્મમાં તેઓ સાત કલાકારોના સમૂહનો ભાગ હોવા છતાં તેમનું પાત્ર મજબૂત હતું. તેમના મતે સ્ક્રીન પર કેટલો સમય દેખાવ મળે છે તેના આધારે પાત્રની શક્તિ નક્કી કરી શકાય નહીં.
મહિલા-કેન્દ્રિત એક્શન ફિલ્મો માટે બજેટની મોટી સમસ્યા
તાપસીએ મહિલા-કેન્દ્રિત એક્શન ફિલ્મો બનાવવામાં આવતા નાણાકીય પડકારો અંગે પણ વાત કરી. તેમના મતે એક્શન ફિલ્મ બનાવવી પહેલેથી જ મોંઘી હોય છે, પરંતુ જ્યારે ફિલ્મની મુખ્ય ભૂમિકામાં મહિલા કલાકાર હોય ત્યારે નિર્માતાઓ મોટું બજેટ લગાવવા ઘણીવાર અચકાય છે. તેમણે કહ્યું કે મહિલા-કેન્દ્રિત સિનેમામાં રોકાણ અંગે હજુ પણ એવી ધારણા છે કે આવી ફિલ્મો માટે દર્શકોનો મોટો વર્ગ નથી. આ કારણે મહિલા-પ્રમુખ એક્શન ફિલ્મોને શરૂઆતથી જ બજેટની મર્યાદાનો સામનો કરવો પડે છે. તાપસીએ કહ્યું કે તેમણે મોટા પડદા ઉપરાંત OTT પર પણ એક્શન કર્યું છે અને આ પ્રકારની ફિલ્મ માટે જરૂરી બજેટ ઘણું મોટું હોય છે.
પુરુષોની એક્શન ફિલ્મમાં ભૂલ ચાલે, મહિલાઓ માટે બધું પરફેક્ટ જોઈએ
તાપસીના મતે મહિલા-કેન્દ્રિત એક્શન ફિલ્મો સામે સૌથી મોટો ડબલ સ્ટાન્ડર્ડ એ છે કે પુરુષ કલાકારોની ફિલ્મમાં સામાન્ય વાર્તા અથવા પ્રિડિક્ટેબલ પ્લોટ પણ દર્શકો સ્વીકારી લે છે, પરંતુ મહિલા કલાકારની ફિલ્મમાં વાર્તાથી લઈને એક્શન અને અભિનય સુધી દરેક બાબત પર વધુ કડક નજર રાખવામાં આવે છે. તેમણે કહ્યું કે પુરુષ-પ્રધાન એક્શન ફિલ્મમાં મોટા સેટ, ગ્લેમર અને ભવ્ય એક્શન સિક્વન્સ હોય તો દર્શકો તેને 'પૈસા વસૂલ એન્ટરટેઈનર' કહીને સ્વીકારી લે છે. પરંતુ મહિલા-પ્રધાન ફિલ્મમાં નાની પણ ખામી હોય તો તરત જ તેની સ્ટોરી અને પરફોર્મન્સ પર સવાલો ઉઠવા લાગે છે. તાપસીએ કહ્યું કે મહિલા-કેન્દ્રિત એક્શન ફિલ્મ માટે જાણે "સબ કુછ અચ્છા હોના ચાહિયે, ઉન્નીસ-બીસ નહીં ચલેગા" જેવી અપેક્ષા રાખવામાં આવે છે.
'તમને ભૂલ કરવાની છૂટ નથી'
અભિનેત્રીએ કહ્યું કે મર્યાદિત બજેટ હોવા છતાં મહિલા-પ્રધાન ફિલ્મોની ટીમ પાસેથી સંપૂર્ણ પરિણામની અપેક્ષા રાખવામાં આવે છે. તેમના મતે આ પ્રકારનું દબાણ માત્ર અભિનેત્રી પર નહીં પરંતુ સમગ્ર ફિલ્મની ટીમ પર આવે છે. તાપસીએ કહ્યું કે ઓછા પૈસા અને ઓછા સંસાધનોમાં ફિલ્મ બનાવ્યા બાદ પણ જો કોઈ નાની ભૂલ થાય તો તેને વધુ ગંભીરતાથી જોવામાં આવે છે. જ્યારે પુરુષ-કેન્દ્રિત એક્શન ફિલ્મોને આ બાબતે વધુ છૂટ મળતી હોવાનો તેમનો દાવો છે.
'ગાંધારી'માં એક્શન અવતારમાં જોવા મળશે તાપસી
તાપસી પન્નુની આગામી ફિલ્મ 'ગાંધારી' એક એક્શન થ્રિલર છે. ફિલ્મમાં તે પોતાની અપહરણ કરાયેલી પુત્રીને શોધતી માતાની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું દિગ્દર્શન દેવાશિષ માખીજાએ કર્યું છે, જ્યારે કનિકા ધિલ્લોને તેનું લેખન અને નિર્માણ કર્યું છે. ફિલ્મમાં તાપસી સાથે ઈશ્વાક સિંહ, છાયા કદમ, મીતા વશિષ્ઠ અને સ્વસ્તિકા મુખર્જી પણ મહત્વની ભૂમિકામાં છે.
'ગાંધારી' 3 સપ્ટેમ્બરે નેટફ્લિક્સ પર થશે રિલીઝ
તાપસીની 'ગાંધારી' 3 સપ્ટેમ્બર 2026ના રોજ નેટફ્લિક્સ પર પ્રીમિયર થવાની છે. ફિલ્મની રિલીઝ પહેલાં તાપસીના આ નિવેદનોને કારણે મહિલા-કેન્દ્રિત સિનેમા, એક્શન ફિલ્મો અને 'મજબૂત મહિલા'ની બદલાતી વ્યાખ્યા અંગે ચર્ચા વધુ તેજ બની છે.








