Taapsee Pannu Mathias Boe Beach Vacation: બોલીવુડ અભિનેત્રી તાપસી પન્નૂ હાલના દિવસોમાં પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે અંગત જીવનની સુંદર ક્ષણો પણ માણતી જોવા મળી રહી છે. અભિનેત્રી હાલમાં જ પોતાના પતિ અને પૂર્વ બેડમિન્ટન ખેલાડી મેથિયાસ બો સાથે બીચ હોલિડે પર પહોંચી હતી. બંનેએ આ દરમિયાન એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવ્યો હતો અને પોતાના વેકેશનની કેટલીક રમૂજી ઝલક સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તાપસીની લેટેસ્ટ પોસ્ટમાં તેની મસ્તી ભરી અદાઓ અને પતિ મેથિયાસ સાથેનું ક્યૂટ બોન્ડિંગ સ્પષ્ટપણે જોઈ શકાય છે. તાપસીએ શેર કરેલા વીડિયોમાં તે દરિયા પર અનોખો પોઝ આપવાનો પ્રયાસ કરે છે, જેમાં તેના પતિ તેને ઊંચકી શકતા નથી.
તાપસી પન્નૂએ પોતાની જ તસવીરોની ઉડાવી મજાક
તાપસીએ પોતાના પોસ્ટ સાથે જે કેપ્શન લખ્યું છે, તેણે પણ ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. એક્ટ્રેસે રમુજી અંદાજમાં જણાવ્યું હતું કે, તેમની પાસે સુંદર લોકેશન હતું, પતિનો પૂરો સપોર્ટ હતો અને એક વાયરલ ઈન્સ્ટાગ્રામ ફોટો બનાવવાનો પૂરો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આમ છતાં, છેલ્લી ટ્રાયમાં પણ પરફેક્ટ પોઝ ન આવતા તેણે મજાકમાં લખ્યું કે, કદાચ છેલ્લે તેણે AIની મદદ લઈ લેવી જોઈતી હતી. સોશિયલ મીડિયા પર તસવીરો અને વીડિયો સામે આવતા જ યૂઝર્સે કમેન્ટ બોક્સમાં રમૂજી પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કર્યું હતું. આ પોસ્ટ પર પ્રખ્યાત ફિલ્મમેકર અનુરાગ કશ્યપે પણ હસવાના ઈમોજી સાથે કોમેન્ટ કરી હતી.
2024માં રોયલ વેડિંગ દ્વારા લગ્નગ્રંથિથી જોડાયા હતા તાપસી અને મેથિયાસ
તાપસી પન્નૂ અને મેથિયાસ બો 23 માર્ચ, 2024ના રોજ લગ્નગ્રંથિથી જોડાયા હતા. બંનેએ રાજસ્થાનના ઉદયપુર ખાતે ખૂબ જ ખાનગી સમારોહમાં એકબીજાનો હાથ થામ્યો હતો. તેમના લગ્નની વિધિઓ સિખ અને ખ્રિસ્તી બંને પરંપરાઓ મુજબ પૂરી કરવામાં આવી હતી. આ ખાસ પ્રસંગે પરિવારના સભ્યો અને ખૂબ જ નજીકના મિત્રો હાજર રહ્યા હતા. તાપસી અને મેથિયાસે પોતાના લગ્નને ખૂબ ખાનગી રાખ્યા હતા અને તે સમયે સોશિયલ મીડિયા પર વધારે માહિતી શેર કરી ન હતી પરંતુ, લગ્ન પછી હવે આ યુગલ અવારનવાર પોતાની સુંદર ક્ષણો ફેન્સ સાથે શેર કરતું રહે છે.
'ગાંધારી' અને 'ફિર આયી હસીન દિલરૂબા'માં તાપસીનો શાનદાર અભિનય
વર્કફ્રન્ટની વાત કરીએ તો તાપસી પન્નૂ તાજેતરમાં જ નેટફ્લિક્સની ફિલ્મ 'ગાંધારી'માં નજરે પડી હતી. આ એક એક્શન થ્રિલર ફિલ્મ છે, જેમાં તેણે એક એવી માતાનો રોલ ભજવ્યો છે જે પોતાના અપહરણ કરાયેલા બાળકને શોધવા અને બચાવવા માટે કોઈપણ હદ સુધી જવા તૈયાર થાય છે. આ ફિલ્મનું લેખન કનિકાએ કર્યું છે અને નિર્દેશન દેવાશીષ મખીજા દ્વારા કરવામાં આવ્યું છે. આ અગાઉ તેની 'ફિર આયી હસીન દિલરૂબા' અને 'ડંકી' જેવી ફિલ્મો પણ બોક્સ ઓફિસ તથા ઓટીટી પર ખૂબ જ ચર્ચામાં રહી હતી.
તાપસી અને મેથિયાસ બોની 10 વર્ષ જૂની લવ સ્ટોરી
તાપસી પન્નૂ અને ડેનમાર્કના પૂર્વ બેડમિન્ટન ખેલાડી મેથિયાસ બો એકબીજાને લગભગ 10 વર્ષથી ડેટ કરી રહ્યા હતા. 2013માં ઈન્ડિયન બૅડમિન્ટન લીગ (IBL) દરમિયાન બંનેની પ્રથમ મુલાકાત થઈ હતી. મેથિયાસ બો ઓલિમ્પિક સિલ્વર મેડલિસ્ટ છે અને ભારતીય બેડમિન્ટન ટીમના ભૂતપૂર્વ મેન્સ ડબલ્સ કોચ પણ રહી ચૂક્યા છે. બોલીવુડમાં અન્ય સેલેબ્સના અફેરની સરખામણીએ તાપસી અને મેથિયાસે પોતાના સંબંધોને હંમેશા લાઈમલાઈટથી દૂર અને શાંત રાખ્યા હતા, જે ચાહકો માટે કાયમ આદર્શ ગણાય છે.








