Stree 3 Release Date Confirmed: બોલિવૂડની સૌથી સફળ હોરર-કોમેડી ફ્રેન્ચાઇઝી 'સ્ત્રી' ની નવી સીક્વલને લઈને મોટી અપડેટ સામે આવી છે. વર્ષ 2018માં આવેલી 'સ્ત્રી' અને ત્યારબાદ 2024માં બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ તોડનારી 'સ્ત્રી 2' ની ભવ્ય સફળતા બાદ હવે દર્શકો 'સ્ત્રી ૩' (Stree 3) ની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ફિલ્મ પ્રોડ્યુસર દિનેશ વિજને મુંબઈમાં આયોજિત એક ખાસ ઇવેન્ટ દરમિયાન આ ફિલ્મની રિલીઝ વિન્ડો અંગે ખુલાસો કરીને ચાહકોની ઉત્સુકતા બમણી કરી દીધી છે.
2028માં સિનેમાઘરોમાં ધમાકો કરશે ‘સ્ત્રી 3’
મેડડૉક ફિલ્મ્સના સ્થાપક દિનેશ વિજને સ્પષ્ટ કર્યું છે કે 'સ્ત્રી 3' વર્ષ 2028માં સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે. તેમણે સંકેત આપ્યો છે કે આ ફિલ્મ 2028ના સ્વાતંત્ર્ય દિન (15 ઓગસ્ટ) અથવા તો ક્રિસમસના ખાસ અવસર પર દર્શકો સામે આવી શકે છે. અગાઉ આ ફિલ્મ 2027માં રિલીઝ થવાની અટકળો હતી, પરંતુ હવે નિર્માતાઓએ ચાહકોને થોડી વધુ રાહ જોવાની વિનંતી કરી છે જેથી ફિલ્મ ગુણવત્તાની દ્રષ્ટિએ વધુ બહેતર બની શકે.
સ્ક્રીપ્ટ તૈયાર: ડાયરેક્ટર અમર કૌશિકે પૂર્ણ કર્યું લેખન
ફિલ્મના કથા-લેખન અંગે વાત કરતા દિનેશ વિજને જણાવ્યું કે, ફિલ્મના ડાયરેક્ટર અમર કૌશિકે 'સ્ત્રી 3' ની સ્ક્રિપ્ટનું કામ સંપૂર્ણપણે પૂરું કરી લીધું છે. જોકે, વાર્તાના ટ્વિસ્ટ અને સરપ્રાઇઝને લઈને તેમણે વધુ વિગતો જાહેર કરી નથી. પ્રોડ્યુસરે રમુજી અંદાજમાં કહ્યું કે જો તેઓ વધુ માહિતી આપશે તો ડાયરેક્ટર નારાજ થઈ જશે, પરંતુ તેમણે એટલું ચોક્કસ આશ્વાસન આપ્યું છે કે ફિલ્મના પ્રારંભથી લઈને અંત સુધી દર્શકોને અણધાર્યા વળાંકો જોવા મળશે.
‘મહાવતાર’ પૂર્ણ થયા બાદ શરૂ થશે ‘સ્ત્રી ૩’ નું શૂટિંગ
'સ્ત્રી ૩' ના શૂટિંગમાં વિલંબ થવાનું મુખ્ય કારણ ડાયરેક્ટર અમર કૌશિકનો આગામી બિગ-બજેટ પ્રોજેક્ટ છે. અમર કૌશિક હાલમાં ભગવાન પરશુરામ પર આધારિત પૌરાણિક ફિલ્મ 'મહાવતાર' (Mahavatar) નું નિર્દેશન કરી રહ્યા છે, જેમાં વિક્કી કૌશલ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. 'મહાવતાર'નું શૂટિંગ પૂર્ણ થયા બાદ જ 'સ્ત્રી ૩' નું કામ ફ્લોર પર જશે. તેથી જ નિર્માતાઓએ આ ફિલ્મને 2028માં લાવવાનું આયોજન કર્યું છે.
મૂળ સ્ટારકાસ્ટ ફરી એકસાથે મનોરંજન પૂરું પાડશે
'સ્ત્રી 3' માં પણ રાજકુમાર રાવ (વિકી) અને શ્રદ્ધા કપૂરની સુપરહિટ જોડી ફરી એકવાર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તેમની સાથે પંકજ ત્રિપાઠી, અપારશક્તિ ખુરાના અને અભિષેક બેનરજી પણ પોતાના અનોખા અંદાજથી લોકોને હસાવવા માટે પાછા ફરશે. 'સ્ત્રી 2' એ ભારતીય બોક્સ ઓફિસ પર ₹600 કરોડથી પણ વધુનો જંગી બિઝનેસ કરીને ઈતિહાસ રચ્યો હતો, જેના કારણે હવે તેની ત્રીજી કડી પાસેથી પણ દર્શકોને ભારે અપેક્ષાઓ છે.








