Varanasi Movie Set Leak: એસ. એસ. રાજામૌલીની આગામી મોસ્ટ અવેટેડ ફિલ્મ 'વારાણસી' (અગાઉ શીર્ષક SSMB29) અંગે સિનેપ્રેમીઓ અને ફૅન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ઉત્સુકતા વચ્ચે સોશિયલ મીડિયા પર ફિલ્મની સેટ પરથી હોવાનો દાવો કરતી એક કથિત લીક તસવીર વાયરલ થતાં સોશિયલ મીડિયામાં ચર્ચાઓનો દૌર શરુ થઈ ગયો છે. આ ફોટોમાં ઊંચા-ઊંચા ભવ્ય મંદિરો અને પ્રાચીન સ્થાપત્યો વચ્ચે એક ડાયનાસોર જેવો ભયાનક જીવ ઊભેલો દેખાય છે. સેટની વિશાળતા જોઈને ફૅન્સ ચકિત થઈ ગયા છે અને દરેકના મનમાં એક જ સવાલ છે કે, રાજામૌલી આ વખતે કયા સ્તરનું સાહસ રચી રહ્યા છે.
અસલી સેટનો લીક કે AIની કમાલ?
વાયરલ થઈ રહેલી તસવીરમાં ઐતિહાસિક યુગના જીવ જેવી સંરચનાઓ અને મંદિરની આસપાસ ક્રૂ મેમ્બર્સ તથા કલાકારો નજરે પડે છે. આ ફોટો જોતાં જ યુઝર્સે અલગ-અલગ અટકળો લગાવવાનું શરૂ કર્યું છે. કેટલાક નેટિઝન્સ આને રામોજી ફિલ્મ સિટી ખાતે તૈયાર કરાયેલા વાસ્તવિક સેટનો લીક થયેલો હિસ્સો ગણાવી રહ્યા છે, જ્યારે અન્ય લોકોનું માનવું છે કે આ તસવીર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) દ્વારા તૈયાર કરાયેલું ફેન-આર્ટ હોઈ શકે છે. ફિલ્મ પ્રોડક્શન હાઉસ કે મેકર્સ તરફથી આ વાયરલ ઈમેજ અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા આવી નથી.
ટાઈમ-ટ્રાવેલ, રામાયણ અને સ્પેસ મિશનની વાર્તાનું સસ્પેન્સ
'વારાણસી' ફિલ્મ વિશેની વાર્તાના અહેવાલો મુજબ આ એક ગ્લોબ-ટ્રોટિંગ એક્શન-એડવેન્ચર અને ટાઈમ-ટ્રાવેલ ડ્રામા છે. સ્ટોરીમાં પૃથ્વી તરફ આવી રહેલા એક વિનાશક એસ્ટરોઈડ અને પ્રાચીન ભારતીય પૌરાણિક કથાઓનો ખાસ સમન્વય બતાવવામાં આવશે. ફિલ્મમાં મહેશ બાબુ 'રુદ્ર', પ્રિયાંકા ચોપરા 'મિલિન્દ' / 'મંદાકિની' અને પૃથ્વીરાજ સુકુમારન 'કુંભ' (વિલન) તરીકે જોવા મળશે. રાજામૌલીએ સંકેત આપ્યો હતો કે, ફિલ્મની કેટલીક મહત્ત્વપૂર્ણ સીક્વન્સ રામાયણના પ્રસંગોથી પ્રેરિત છે, જે દર્શકોને પ્રાચીન ત્રેતાયુગથી લઈને ભવિષ્યના ટાઈમલાઈન સુધીની યાત્રા કરાવશે.
'રામાયણ' અને અન્ય મોટી ફિલ્મો સાથે થઈ રહી છે સરખામણી
આ લીક તસવીર બહાર આવ્યા બાદ સોશિયલ મીડિયા પર દર્શકોમાં જબરદસ્ત ચર્ચા જાગી છે. કેટલાક યુઝર્સ આની સરખામણી અન્ય ભવ્ય પૌરાણિક ફિલ્મો જેવી કે 'રામાયણ' સાથે કરી રહ્યા છે. મહેશ બાબુ અને રાજામૌલીની આ પ્રથમ સહયોગી ફિલ્મ ભારતીય સિનેમાના ઈતિહાસની સૌથી મોંઘી ફિલ્મોમાંથી એક ગણાઈ રહી છે. ચાહકોનું માનવું છે કે, જે રીતે 'બાહુબલી' અને 'RRR' દ્વારા રાજામૌલીએ વૈશ્વિક સ્તરે ભારતીય સિનેમાનો ડંકો વગાડ્યો હતો, તે જ રીતે આ ફિલ્મ પણ સિનેમેટિક વન્ડર સાબિત થશે.
ભારતીય સિનેમાનો સૌથી મોટો પ્રોજેક્ટ અને વર્લ્ડવાઈડ શૂટિંગ
આ પ્રોજેક્ટ લગભગ 1400 કરોડના જંગી બજેટ સાથે તૈયાર થઈ રહ્યો છે અને તેને ખાસ IMAX ફોર્મેટ માટે શૂટ કરવામાં આવી રહ્યો છે. ફિલ્મનું શૂટિંગ ભારત ઉપરાંત એન્ટાર્કટિકા, આફ્રિકાના જંગલો અને વિશ્વના વિવિધ ભાગોમાં થઈ રહ્યું છે. એમ. એમ. કીરાવાણીનું સંગીત ધરાવતી આ સાહસિક ફિલ્મ વિશ્વભરના વિવિધ સાત ખંડોમાં અનેક ભાષાઓમાં રિલીઝ કરવાની યોજના છે. ચાહકો હવે મેકર્સ તરફથી સત્તાવાર ટીઝર અથવા ફર્સ્ટ લુકની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.








