The Raja Saab Controversy: સાઉથ ઇન્ડિયન સિનેમાના સુપરસ્ટાર પ્રભાસની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ધ રાજા સાબ' રિલીઝ થયા બાદ હવે કાયદાકીય ગૂંચવણોને કારણે ચર્ચામાં આવી છે. 9 જાન્યુઆરી, 2026ના રોજ મોટા પડદા પર દસ્તક આપનાર આ ફિલ્મે બોક્સ ઓફિસ પર મિશ્ર પ્રતિસાદ વચ્ચે આશરે ₹200 કરોડની કમાણી કરી છે, પરંતુ સોશિયલ મીડિયા પર ફિલ્મને લઈને થઈ રહેલી અભદ્ર ટિપ્પણીઓ અને નકારાત્મક પ્રચારે નિર્માતાઓની ચિંતા વધારી દીધી છે. આ મામલે ફિલ્મના ક્રિએટિવ પ્રોડ્યુસર SKNએ હૈદરાબાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે.
ફેક આઈડી અને અપમાનજનક ટિપ્પણીઓ સામે એક્શન
ફરિયાદમાં પ્રોડ્યુસર SKNએ ગંભીર આક્ષેપ કર્યો છે કે કેટલાક સોશિયલ મીડિયા હેન્ડલ્સ જાણીજોઈને તેમની નકલી ઓળખ ઉભી કરી રહ્યા છે. આ હેન્ડલ્સ દ્વારા પ્રભાસ અને ફિલ્મના અન્ય કલાકારો વિરુદ્ધ અત્યંત અપમાનજનક, ભ્રામક અને ખોટા નિવેદનો ફેલાવવામાં આવી રહ્યા છે. નિર્માતાઓનું માનવું છે કે આ માત્ર ટીકા નથી, પરંતુ ફિલ્મની છબી ખરાબ કરવા માટેનું એક સુનિયોજિત કાવતરું છે.
દિગ્દર્શકની છબી ખરાબ કરવાનો પ્રયાસ
SKNએ જણાવ્યું હતું કે તેઓ સતત ફિલ્મના દિગ્દર્શક મારુતિના કામની પ્રશંસા કરી રહ્યા છે, પરંતુ ટ્રોલર્સ તેમની આ પ્રશંસાને ખોટી રીતે રજૂ કરીને સોશિયલ મીડિયા પર નકારાત્મકતા ફેલાવી રહ્યા છે. ફરિયાદમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે કોઈપણ વ્યક્તિને ફિલ્મ ગમે કે ન ગમે તેની ટીકા કરવાનો લોકશાહી અધિકાર છે, પરંતુ કોઈની ઓળખ ચોરીને અથવા ગરિમાને ઠેસ પહોંચાડીને ટિપ્પણી કરવી એ સાયબર અપરાધની શ્રેણીમાં આવે છે.
મોટા બજેટની ફિલ્મ અને મિશ્ર પ્રતિસાદ
'ધ રાજા સાબ' એક મોટા બજેટની ફિલ્મ છે જેમાં પ્રભાસની સાથે સંજય દત્ત, નિધિ અગ્રવાલ, માલવિકા મોહનન અને રિદ્ધિ કુમાર જેવા દિગ્ગજો મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મની વાર્તા અને મેકિંગને લઈને સોશિયલ મીડિયા પર બે ભાગ પડી ગયા છે. કેટલાક દર્શકોએ તેને પ્રભાસનો નવો અંદાજ ગણાવ્યો છે, તો કેટલાક લોકોએ વાર્તામાં દમ ન હોવાનું કહીને તેની મજાક ઉડાવી છે. આ મજાક જ્યારે વ્યક્તિગત આક્ષેપોમાં ફેરવાઈ ગઈ ત્યારે મેકર્સે કડક કાનૂની વલણ અપનાવવાની ફરજ પડી હતી.
સાયબર ક્રાઈમ પોલીસ કરી રહી છે તપાસ
હાલમાં સાયબર ક્રાઈમ પોલીસ આ મામલે શંકાસ્પદ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની તપાસ કરી રહી છે. આ પગલાથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવો સંદેશ ગયો છે કે અભિવ્યક્તિની આઝાદીના નામે કરવામાં આવતા ડિજિટલ અત્યાચારને હવે સહન કરવામાં આવશે નહીં.








