Soha Ali Khan Mansoor Ali Khan Pataudi Death Anniversary: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ખેલાડી સ્વર્ગસ્થ મન્સૂર અલી ખાન પટૌડીની 15મી પુણ્યતિથિ પ્રસંગે તેમનો પરિવાર ભારે હૃદયે તેમને યાદ કરી રહ્યો છે. આ ખાસ દિવસે બોલિવૂડ અભિનેત્રી સોહા અલી ખાને સોશિયલ મીડિયા પર પોતાના પિતાને શ્રદ્ધાંજલિ આપતી એક અત્યંત ભાવુક પોસ્ટ શેર કરી હતી. સોહાએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પિતા સાથે જોડાયેલી અને ઘરના પૂજા-પ્રાર્થનાના સ્થાનની કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં પટૌડી સાહેબ પ્રત્યેનો તેમનો અગાધ પ્રેમ અને આદર સ્પષ્ટપણે છલકાઈ રહ્યો હતો.

દોહિત્રી ઈનાયાએ નાના માટે લખ્યો દિલ સ્પર્શી જાય એવો પત્ર
સોહા અલી ખાન દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં તેમની નાની દીકરી ઈનાયા નાઓમી ખેમૂ પણ પોતાના નાના (મન્સૂર અલી ખાન પટૌડી) ની તસવીર સામે હાથ જોડીને ઊભેલી જોવા મળી રહી છે. સૌથી વધુ ધ્યાન ખેંચનારી બાબત ઈનાયાએ તેના નાનાના નામે લખેલો એક સુંદર પત્ર હતો. આ પત્રમાં માસુમ ઈનાયાએ લખ્યું હતું કે, 'ડિયર સરકાર અબ્બા, આશા છે કે સ્વર્ગમાં તમારી ડેથ એનિવર્સરી સારી રીતે વીતી રહી હશે. હું આશા રાખું છું કે કોઈ દિવસ તમને રિયલ લાઈફમાં જોઈ શકીશ. મને ગર્વ છે કે હું તમારા પરિવારનો હિસ્સો છું. હું તમારી ક્રિકેટ સ્કીલ્સ અને તમારી દીકરી (સોહા) ના ખૂબ વખાણ કરવા માંગુ છું - ઈનાયા.'

સોહા અલી ખાનનો આત્મસાત કરી લેતો ભાવુક સંદેશ
પોતાના પિતાને યાદ કરતા સોહાએ લખ્યું હતું કે, 'મારા અબ્બા, તમને ગયાને 15 વર્ષ થઈ ગયા. ક્યારેક મને થાય છે કે હું તમારી યાદોને જાતે જ ઘડી રહી છું કે શું? પરંતુ કદાચ યાદો આવી જ હોય છે - જે વસ્તુઓને પ્રેમ ગુમાવવાનું સહન નથી કરી શકતો, તે પ્રેમ જ તે વસ્તુઓને ફરીથી યાદોના સ્વરૂપે બનાવી દે છે.' સોહાની આ પોસ્ટ પર ભૂમિ પેડનેકર, રાહુલ દેવ સહિત બોલિવૂડની અનેક હસ્તીઓએ અને ફેન્સે કોમેન્ટ કરીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. ઉલ્લેખનીય છે કે, 22 સપ્ટેમ્બર, 2011ના રોજ ફેફસામાં ગંભીર ઈન્ફેક્શન અને શ્વાસની તકલીફના કારણે મન્સૂર અલી ખાન પટૌડીનું અવસાન થયું હતું.
'ટાઈગર પટૌડી' નું ક્રિકેટ વિશ્વમાં યોગદાન અને પટૌડી વારસો
સૌથી નાની વયના કેપ્ટન: 'ટાઈગર પટૌડી' ના નામે જાણીતા મન્સૂર અલી ખાન માત્ર 21 વર્ષની ઉંમરે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન બન્યા હતા. તે સમયે તેઓ વિશ્વના સૌથી નાની વયના ટેસ્ટ કેપ્ટન બનવાનો રેકોર્ડ ધરાવતા હતા.
એક આંખની દ્રષ્ટિ ગુમાવ્યા છતાં શાનદાર કારકિર્દી: 1961માં એક કાર અકસ્માતમાં તેમણે પોતાની જમણી આંખની રોશની કાયમ માટે ગુમાવી દીધી હતી. છતાં તેમણે હિંમત ન હારી અને માત્ર એક આંખની મદદથી 46 ટેસ્ટ મેચ રમીને 21 મેચોમાં ભારતનું સફળ નેતૃત્વ કર્યું હતું.
ઈડન ગાર્ડન્સ સાથે ખાસ જોડાણ: કોલકત્તાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં પટૌડી સાહેબનું પ્રદર્શન હંમેશા યાદગાર રહ્યું છે. આ જ વર્ષે જાન્યુઆરીમાં તેમની જન્મજયંતી પર સોહા અલી ખાને ઈડન ગાર્ડન્સની મુલાકાત લઈને પિતાના ક્રિકેટિંગ લેગસીને શ્રદ્ધાંજલિ આપી હતી.








