Shraddha Kapoor Eetha movie leak: બ્લોકબસ્ટર ફિલ્મ 'સ્ત્રી-2'ની ભવ્ય સફળતા બાદ બોલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર પોતાના આગામી પ્રોજેક્ટ 'ઈઠા' (Eetha) ને લઈને ભારે ચર્ચામાં છે. જૂન મહિનામાં જ્યારે આ ફિલ્મનું ટીઝર સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવ્યું હતું ત્યારે જ દર્શકોમાં રોમાંચ અને આશ્ચર્યનું મોજું ફરી વળ્યું હતું. શ્રદ્ધાના પાવરફુલ પરફોર્મન્સને જોઈને લોકોના રૂવાડાં ઊભાં થઈ ગયા હતા. જોકે, આ ફિલ્મ પહેલાં 28 ઓગસ્ટે રિલીઝ થવાની હતી પરંતુ, કોઈ કારણોસર તેની તારીખ પાછળ ઠેલવવામાં આવી હતી. હવે ફિલ્મ રિલીઝ થવાના આશરે બે મહિના પહેલાં જ તેના સેટ પરથી કેમેરા પાછળના (BTS) કેટલાક વીડિયો લીક થયા છે.
લાલ સાડીમાં નંગે પગે શ્રદ્ધાનો ગ્રેસફુલ લાવણી ડાન્સ
વાયરલ થઈ રહેલા લીક વીડિયોમાં શ્રદ્ધા કપૂર પારંપરિક લાલ રંગની સાડી પહેરીને મરાઠી લુકમાં નજરે પડે છે. આ એક ડાન્સ સીક્વન્સ છે, જેમાં શ્રદ્ધા પોતાની ભૂમિકા 'વિઠ્ઠબાઈ'ના પાત્રમાં ઢળીને નંગે પગે મનમોહક લાવણી ડાન્સ કરતી જોવા મળે છે. લાલ સાડી, ગ્રેસફુલ મુવ્સ અને અદ્ભુત એક્સપ્રેશન્સ સાથે શ્રદ્ધાના ડાન્સની સોશિયલ મીડિયા પર ભારે પ્રશંસા થઈ રહી છે. ફેન્સ તેના આ મહેનતુ અને નવોતર અવતારની પ્રશંસા કરતાં થાકતા નથી.
શ્રેયા ઘોષાલના અવાજ અને શ્રદ્ધાનું અદ્ભુત પરફોર્મન્સ
સેટ પરથી લીક થયેલા બીજા વીડિયોમાં પ્લેબેક સિંગર શ્રેયા ઘોષાલનો સુરીલો અવાજ સ્પષ્ટપણે સાંભળી શકાય છે. આ એક ઉત્સાહવર્ધક લાવણી ગીતનો સીક્વન્સ લાગે છે, જેમાં શ્રદ્ધા કપૂર સ્ટેજ પર વિઠ્ઠબાઈ બનીને પ્રેક્ષકોનું મનોરંજન કરતી જોવા મળશે. શ્રેયા ઘોષાલના અવાજ અને શ્રદ્ધાના ડાન્સનું આ સુમેળભર્યું મિશ્રણ જોઈને ફેન્સ ગીતને વહેલી તકે સત્તાવાર રીતે રિલીઝ કરવાની માગણી કરી રહ્યા છે. નેટીઝન્સ કોમેન્ટ કરીને કહી રહ્યા છે કે આ ગીતમાં શ્રદ્ધા કપૂર નહીં પરંતુ સાક્ષાત 'ઈઠા' જ નજરે પડી રહી છે.
લક્ષ્મણ ઉતેકરનું વિઝન અને સ્ટાર-સ્ટડેડ કાસ્ટ
આ બાયોપિક ડ્રામાનું નિર્દેશન જાણીતા ડાયરેક્ટર લક્ષ્મણ ઉતેકર કરી રહ્યા છે, જેમણે અગાઉ વિકી કૌશલ સ્ટારર 'છાવા' અને કૃતિ સેનન સ્ટારર 'મીમી' જેવી સફળ ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. લક્ષ્મણ ઉતેકર મરાઠી સંસ્કૃતિ અને લાગણીઓને સ્ક્રીન પર ખૂબ જ બારીકાઈથી વણી લેવા માટે જાણીતા છે. ફિલ્મ 'ઈઠા'માં શ્રદ્ધા કપૂર ઉપરાંત રણદીપ હૂડા, જીશાન અય્યુબ અને પીઢ અભિનેતા નાના પાટેકર જેવા દિગ્ગજ કલાકારો મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં જોવા મળશે. આ શક્તિશાળી સ્ટારકાસ્ટને કારણે ફિલ્મ પ્રત્યે સિનેપ્રેમીઓની અપેક્ષાઓ બમણી થઈ ગઈ છે.
વિઠ્ઠબાઈ નારાયણગાવકરના જીવન પર આધારિત ખાસ કહાની
ફિલ્મ 'ઈઠા' મહારાષ્ટ્રની પ્રસિદ્ધ તમાશા અને લાવણી કલાકાર વિઠ્ઠબાઈ નારાયણગાવકરના અદ્ભુત જીવન પર આધારિત બાયોપિક છે. વિઠ્ઠબાઈએ પોતાના જીવનમાં અનેક સામાજિક અને આર્થિક સંઘર્ષોનો સામનો કરીને લાવણી કળાને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવી હતી. એવું કહેવાય છે કે તેમણે ગર્ભવતી હોવા છતાં સ્ટેજ પર પરફોર્મ કર્યું હતું અને બેકસ્ટેજ બાળકને જન્મ આપ્યાના થોડા જ સમયમાં ફરીથી સ્ટેજ પર આવીને ડાન્સ પૂરો કર્યો હતો. શ્રદ્ધા કપૂર માટે આ પાત્ર અત્યાર સુધીનું સૌથી પડકારજનક અને ઈમોશનલ ટ્રાન્સફોર્મેશન માનવામાં આવી રહ્યું છે.








