Mahadev Betting App Case: જાણીતી ટીવી એન્કર, સ્પોર્ટ્સ પ્રેઝન્ટર અને ‘બિગ બોસ’ ફેમ શેફાલી બગ્ગાએ મહાદેવ ઓનલાઈન બેટિંગ એપ કૌભાંડ સંબંધિત તપાસમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને અભૂતપૂર્વ નિર્ણય લીધો છે. તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની પૂછપરછ બાદ શેફાલીએ બેટિંગ એપના પ્રમોશનથી મેળવેલી ગેરકાયદેસર રકમમાંથી ₹1.20 કરોડ સ્વેચ્છાએ એજન્સીને સોંપી દીધા છે. તપાસના સમગ્ર ઈતિહાસમાં આ એક મોટો વળાંક માનવામાં આવી રહ્યો છે, કારણ કે કદાચ આ પહેલો એવો કિસ્સો છે જેમાં સિંડિકેટ પાસેથી મળેલી ગુનાહિત આવક (Proceeds of Crime) કોઈ વ્યક્તિએ જાતે જ તપાસ એજન્સી સમક્ષ સરન્ડર કરી હોય.
પ્રમોશનલ વીડિયો માટે મળ્યા હતા ₹1.5 કરોડ
છત્તીસગઢની રાયપુર સ્પેશિયલ PMLA કોર્ટમાં ED દ્વારા દાખલ કરવામાં આવેલી તાજેતરની સપ્લીમેન્ટરી ચાર્જશીટ મુજબ, શેફાલી બગ્ગાને આ ગેરકાયદેસર એપ માટે પ્રમોશનલ વીડિયો બનાવવાના બદલામાં કુલ ₹1.5 કરોડ ચૂકવવામાં આવ્યા હતા. EDની પૂછપરછ દરમિયાન શેફાલીએ ખુલાસો કર્યો હતો કે, "મને બિલકુલ ખ્યાલ નહોતો કે આ એપ ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવી રહી છે." તેણે તપાસમાં સંપૂર્ણ સહયોગ આપ્યો હોવાનું જણાવતાં કાયદાકીય પ્રક્રિયા પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઈંગ ધરાવતી હોવાને કારણે તેના પ્લેટફોર્મનો ઉપયોગ બેટિંગ પ્લેટફોર્મના પ્રમોશન માટે કરવામાં આવ્યો હતો.
બિઝનેસમેન વિકાસ ગર્ગ અને નિશાંત પિટ્ટીનું નામ પણ શામેલ
EDએ આ ચર્ચાસ્પદ કેસમાં પોતાની કાર્યવાહી વધુ તેજ કરી દીધી છે અને તાજેતરમાં જ વધુ 42 લોકો સામે ચાર્જશીટ દાખલ કરી છે. આ યાદીમાં Ebix ગ્રુપના ચેરમેન વિકાસ ગર્ગનું નામ પણ સામેલ છે, જેમની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી અને તેમની ₹940 કરોડથી વધુની મિલકતો જપ્ત કરવામાં આવી છે. ગર્ગ પર આરોપ છે કે તે મહાદેવ સિંડિકેટના મુખ્ય માસ્ટરમાઇન્ડ હરિશંકર તિબ્રેવાલના માધ્યમથી ગેરકાયદેસર નાણાં પોતાની કંપનીઓમાં ડાયવર્ટ કરતો હતો અને શેરબજારમાં હેરાફેરી કરતો હતો. આ ઉપરાંત EaseMyTripના પ્રમોટર નિશાંત પિટ્ટી પર પણ તિબ્રેવાલ પાસેથી ₹59 કરોડથી વધુની ગુનાહિત આવક મેળવવાનો અને પોતાના નેટવર્ક દ્વારા તેનો ઉપયોગ કરવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે.
₹75,000 કરોડથી વધુનું મેગા કૌભાંડ અને બોલિવૂડ કનેક્શન
EDની તપાસ મુજબ, મહાદેવ ઓનલાઈન સિંડિકેટ દ્વારા કરવામાં આવેલું આ ગેરકાયદેસર નાણાકીય કૌભાંડ ₹75,000 કરોડથી પણ વધુનું હોવાનો અંદાજ છે અને આગામી દિવસોમાં આ આંકડો હજુ વધી શકે છે. આ કેસના મુખ્ય પ્રમોટર્સ સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ હજુ પણ ફરાર છે અને તેમની સામે ઈન્ટરપોલની રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવેલી છે. આ કૌભાંડમાં માત્ર વિદેશી ઈવેન્ટ્સ કે એપ પ્રમોશન જ નહીં, પરંતુ અનેક બોલિવૂડ હસ્તીઓ, અભિનેતાઓ, ગાયકો અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સને પણ અગાઉ સમન્સ મોકલી પૂછપરછ કરવામાં આવી છે. ED આ મામલે અત્યાર સુધીમાં કુલ 6 ચાર્જશીટ દાખલ કરી ચૂકી છે અને તપાસનો દાયરો સતત વિસ્તરી રહ્યો છે.








